Get The App

બે રાજ્યોનું દોઢ ડહાપણ ;

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
બે રાજ્યોનું દોઢ ડહાપણ                         ; 1 - image


પશ્ચિમ બંગાળનાં સીએમ એ થોડા દિવસો પહેલા બાંગ્લાદેશી શરણાર્થીઓને લઈને નિવેદન આપ્યું હતું. આ સિવાય કેરળ સરકારે વિદેશી સહકાર માટે સચિવની નિમણૂક કરી હતી. વિદેશી અને રાજદ્વારી બાબતો અંગેની સમગ્ર જવાબદારી કેન્દ્ર સરકારની છે અને કેન્દ્ર સરકારે તેના કાર્યક્ષેત્રમાં દખલગીરી અંગે નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારે રાજ્યોને આવી દખલગીરી ન કરવાની સલાહ આપી છે અને તેને બંધારણ વિરોધી પણ ગણાવી છે. કેરળમાં ફોરેન કોઓપરેશન સેક્રેટરીની નિમણૂકની પણ કેન્દ્ર સરકારે આકરી ટીકા કરી છે. કેન્દ્રની આ સલાહમાં માત્ર કેરળ જ નહીં, પરંતુ પશ્ચિમ બંગાળ સરકારને પણ નિશાન બનાવવામાં આવી છે.

કેન્દ્રએ રાજ્યોને તેમના બંધારણીય અધિકારક્ષેત્રની બહારની બાબતોમાં હસ્તક્ષેપ ન કરવા જણાવ્યું છે. કેન્દ્ર સરકારે આ સપ્તાહની શરૂઆતમાં પશ્ચિમ બંગાળને ચેતવણી આપી હતી કે તેની પાસે શરણાર્થીઓના મુદ્દે કોઈ સત્તા નથી. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક રેલી દરમિયાન તો ત્યાં સુધી કહ્યું હતું કે જો હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં હિંસા બંધ નહીં થાય તો રાજ્ય સરકાર બંગાળમાં ભાગી ગયેલા લોકોને આશ્રય આપશે. આ મુદ્દા અંગે, વિદેશ મંત્રાલયે કહ્યું છે કે બંધારણની સાતમી અનુસૂચિની સૂચિ-૧ (યુનિયન)ની આઇટમ-૧૦માં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિદેશી બાબતો અને કોઈપણ અન્ય દેશ સાથે ભારતીય સંઘના સંબંધોને લગતી તમામ બાબતો કેન્દ્ર સરકારનો એકમાત્ર વિશેષાધિકાર છે. તે સમવર્તી અથવા રાજ્ય વિષય નથી.

સોશિયલ મીડિયા દ્વારા વડાપ્રધાન અને અન્ય નેતાઓને હત્યાની ધમકીઓ આપવા બદલ કેનેડામાં બે લોકોની ધરપકડ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેણે આ સંબંધમાં અહેવાલો જોયા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જ્યારે કોઈ લોકશાહી, કાયદાના શાસન અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને માપવા અથવા લાગુ કરવા માટે અલગ-અલગ માપદંડ અપનાવે છે, ત્યારે તે વ્યક્તિના પોતાનાં બેવડાં ધોરણોને જ ઉજાગર કરે છે. બાંગ્લાદેશ સરકારે પણ મમતા બેનર્જીના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે મમતાનું નિવેદન ભડકાઉ અને તેમના આંતરિક મામલામાં હસ્તક્ષેપ છે. બાંગ્લાદેશ સરકાર સમજે છે કે જ્યારે સ્થિતિ સામાન્ય થઈ રહી છે ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીનું આ પ્રકારનું નિવેદન સ્થિતિને વધુ બગાડી શકે છે.

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે રાજદ્વારી માધ્યમો દ્વારા ભારત સરકારનો સંપર્ક કર્યો છે. બાંગ્લાદેશ વતી કહેવામાં આવ્યું હતું કે મમતા બેનર્જીની ટિપ્પણી લોકોમાં ભ્રમ પેદા કરી શકે છે. વિદેશ મંત્રી હસન મહમૂદે કહ્યું કે હું પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને પૂરા આદર સાથે કહેવા માંગુ છું કે તેમની સાથે અમારા ઘણા સારા સંબંધો છે. અમારો ચોક્કસપણે ગાઢ સંબંધ છે, પરંતુ અમુક અંશે અમે તેમની ટિપ્પણીઓ સાથે સહમત નથી. અમે આ મામલે ભારત સરકારને પત્ર લખ્યો છે. જોકે મમતા બેનરજીએ આ રીતે જ પોતાની વોટબેન્કની રચના કરી છે. તેનાથી બંગાળી પ્રજા સખત નારાજ છે. તો પણ એમની પાસે સત્તામાં ટકી રહેવાનું ટોનિક છે એટલે ચાલે છે. બંગાળની પ્રજા આમ પણ બાંગ્લાદેશથી આવતા નિરાશ્રિત અને ઘુસણખોરો (બનનેમાં ફેર છે)થી સખત ત્રાસી ગઈ છે.

મમતા બેનરજી ભારતીય અખબારોની તુલનામાં બાંગ્લાદેશના વર્તમાન વધુ વાંચે છે એવી તો ભાજપે પણ અગાઉ એમની ટીકા કરેલી છે.

બાંગ્લાદેશ અનૈ કેરળ બન્ને રાજ્યો આજે જ કેન્દ્ર સરકાર માટે માથાનો દુ:ખાવો તો છે જ, પરંતુ આવનારાં વરસોમાં ઉક્ત બેય રાજ્યો કેન્દ્રને અધિક તકલીફમાં મૂકશે એમાં કોઈ શંકા નથી. રાજ્યો એની મર્યાદા ઓળંગીને વિદેશનીતિમાં હસ્તક્ષેપ કરે તે કોઈ કેન્દ્ર સરકાર ચલાવી ન શકે એ સ્વાભાવિક છે. કેરળને છદ્મવેશે પોતાના આગવા વિદેશ સચિવ રાખવાની જરૂર કેમ પડી એ પણ એક રહસ્યમય પ્રકરણ છે. કેન્દ્ર સરકારે બન્ને રાજ્યો સામે લાલ આંખ કરી છે, પરંતુ આ અંગે કેન્દ્ર વધુ કડક નિયમનો ટૂંકમાં જ દાખલ કરવાની ગણતરી રાખે છે.

કેટલાક સમયથી ભારતીય રાજ્યો અને કેન્દ્ર વચ્ચેની ટક્કર એક સ્વાભાવિક ઉપક્રમ બની ગયો છે. એમાં પણ જ્યાં કેન્દ્ર સરકારમાં જે શાસક પક્ષ હોય એના સિવાયની સરકારો જે રાજ્ય ચલાવતી હોય એના મનમાં સ્વાયત્તતાનો થોડો વધુ ખુશનુમા ખ્યાલ આવી જાય છે. એને કારણે તેઓ ઘણીવાર નાના મોટા મનઘડંત નિર્ણયો લે છે, જે બંધારણની બહારના હોય છે. સામાન્ય સંજોગોમાં જેમાં રાજ્યની પ્રજાનું હિત હોય અને બીજાં રાજ્યોના હિત જોખમાતાં ન હોય તથા કેન્દ્રની નીતિવિષયક બાબતોમાં બહુ મોટો હસ્તક્ષેપ ન હોય તો કેન્દ્ર સરકાર આંખ આડા કાન કરતી હોય છે, પરંતુ પોતાના રાજ્યને એક સ્વતંત્ર રાષ્ટ્રની જેમ ચલાવવા માટેના જે નેતાઓ અખતરા કરે છે તે કેન્દ્રના નિશાનમાં આવી જાય છે અને કેન્દ્ર સરકાર એના પર આકરાં પગલાં લે છે. 


Google NewsGoogle News