Get The App

દાના ઔર પાની .

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
દાના ઔર પાની                                         . 1 - image


ત્રણ કાંઠે સમુદ્રકિનારો હોય એ ભૌગોલિક સ્થિતિ દેશ માટે વરદાન સમાન પણ હોય અને જોખમકારક અભિશાપદાયક પણ હોય. સમુદ્ર ક્યારેય સ્થિર રહ્યો નથી અને બદલાતા જતા હવામાન સાથે તેની અસ્થિરતા વધતી રહેવાની છે. ભારતનો પૂર્વ-પશ્ચિમ અને દક્ષિણ કાંઠો હંમેશા સંવેદનશીલ રહ્યો છે. સરેરાશ દર છ મહિને વાવાઝોડા કે અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિ આવતી રહે છે. જેમ જાપાને ભૂકંપને સ્વીકારી લીધો છે એમ સમુદ્રગામી આફતોને ભારતીયોએ સ્વીકારી લેવી પડશે. આ વખતે જે ચક્રવાત છે તેનું નામ છે દાના. દાના એક અરબી ભાષાનો શબ્દ છે, આ નામ કતાર દેશે સૂચવેલું છે જેનો અર્થ તો થાય છે સહૃદયતા અને ઉદારતા. પણ એના ગુણ નામથી વિપરીત છે. દાના ચક્રવાતે ચોતરફ રમખાણ મચાવીને ઓરિસ્સાના જનજીવનને વિચ્છિન્ન કરી મૂક્યું છે. ચક્રવાત દાનાનો પ્રકોપ ભારતના પૂર્વ કિનારે ત્રાટક્યો હોવાથી ઓરિસ્સાએ અપ્રતિમ તાકીદ સાથે તૈયાર કરી હતી અને સંવેદનશીલ વિસ્તારોમાંથી લાખો લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું.

આ ઝંઝાવાત કેટલો જોખમી સાબિત થઈ શકે એમ હતો તેની સાબિતી આ સ્થળાંતરના સ્કેલ ઉપરથી ખબર પડે છે. ઓરિસ્સાએ આ કુદરતી આપત્તિ પહેલા લીધેલાં પગલાં નોંધનીય છે. ચક્રવાત દાના, ૧૨૦ કિમી/કલાકની ઝડપે પવન સાથે, ભીતરકણિકા નેશનલ પાર્ક અને ધામરા બંદર વચ્ચેના વ્યૂહાત્મક અને પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારમાં ત્રાટકશે એવું અનુમાન હતું. લગભગ ૩,૦૦,૦૦૦ લોકોને પહેલેથી જ સ્થળાંતરિત કરવા પડયા,  જ્યારે ૧૪ જિલ્લાના ૩,૦૦૦ ગામડાઓમાંથી ૧૦ લાખથી વધુ લોકોને સ્થળાંતરિત કરવાની સરકારની તૈયારી હતી. ત્યાંની સરકારે શાળાઓ બંધ કરી દીધી, વાહનવ્યવહાર અટકાવ્યો અને ઓરિસ્સા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ, ફાયર સર્વિસીસ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એકમો સહિત ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમોનું નેટવર્ક એકત્ર કર્યું છે. વાવાઝોડાની અસરને ઓછી કરવા માટે રાજ્યની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા કામચલાઉ આશ્રયસ્થાનો તૈયાર કરવામાં આવ્યાં છે.

વહીવટીતંત્રનું વલણ કુદરતી આફતોનો સામનો કરવા માટે સ્થિતિસ્થાપકતાના વિશાળ દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે. જે આપણને વર્ષોથી સમાન આપત્તિઓમાંથી પસાર થયેલી ઓરિસ્સાના ભૂતકાળની યાદ અપાવે છે. જોકે ઓરિસ્સા સિવાય બીજા પાંચથી છ રાજ્યોને એલર્ટ ઉપર મૂકવા પડયાં છે. ઓરિસ્સાની તૈયારી અને પ્લાનિંગ ખૂબ સારાં નિવડયાં. મમતા સરકારે પશ્ચિમ બંગાળમાં જરૂરી તકેદારી રાખી ન હતી. પરિણામે પશ્ચિમ બંગાળમાં દાનાના કારણે જાનહાનિ થઈ છે. દાના અને આના જેવા અન્ય ઝંઝાવાતો હવે ભારતીય જનજીવનનો નવો ચહેરો છે. જિંદગીને મૂળમાંથી ઉખેડી ફેંકવાની તાકાત કુદરત ધરાવે છે એ વાત માણસજાતને વિસ્મૃત થઈ જાય છે. 

ઓરિસ્સાની સરકારે ફૂડ પેકેટ પણ તૈયાર રાખ્યા હતા. બંગાળ અને ઓરિસ્સાની સરકારે રેસ્ક્યુ ટીમ દ્વારા કુમક મોકલવા માટે એકબીજાની સાથે રહીને યોજના બનાવી હતી.  સત્તાધિકારીઓ અને સ્થાનિક સમુદાયો વચ્ચેના સંકલિત પ્રયાસો આ મેસેજને પ્રતિબિંબિત કરે છે કે તમે સુરક્ષિત હાથમાં છો - આ વિધાન ઓરિસ્સાના મુખ્ય પ્રધાન માઝીનું છે. પણ હકીકત એ છે કે ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેન્જના પગલે દુનિયાનો કોઈ માણસ સંપૂર્ણ સુરક્ષિત નથી, ખાસ કરીને દરિયાકાંઠે રહેનારો સમુદાય. માટે તંત્રએ અને પ્રજાએ હાથમાં હાથ મિલાવીને સાથે તૈયારી કરવી પડશે. આપત્તિના સંજોગોમાં વ્યવસાયિક બચાવકર્મીઓએ પ્રજાને મદદ કરવી પડશે તો જ ભાવિ કુદરતી આફતમાં જાનહાનિ ઘટશે.

જેમ જેમ ચક્રવાત દાનાને કારણે મધ્યરાત્રિએ લેન્ડફોલ એટલે કે ઝંઝાવાતનો કિનારાને સ્પર્શ થતાં વરસાદ વરસી પડયો ત્યારે પૂર્વીય ભારતના તટ ઉપર ખૂબ ઝડપી પવન ફૂંકાયો. ભારે વરસાદ અને ૧૧૦ કિમી/કલાકની ઝડપે પવનને કારણે વૃક્ષો ઉખડી ગયાં, રસ્તાઓ ભરાઈ ગયા અને બે રાજ્યોના નાગરિકોનું જીવન ગંભીર રીતે ખોરવાઈ ગયું. ઓરિસ્સામાં ૪,૧૭,૬૨૬ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને અન્ય ૨,૪૩,૩૭૪ લોકોએ પડોશી પશ્ચિમ બંગાળમાં આશ્રય લીધો. પરિસ્થિતિની તીવ્રતા ઓરિસ્સા સિવાય બીજાં રાજ્યોમાં પણ પહોંચી. પશ્ચિમ બંગાળમાં, ચક્રવાતની પહોંચ પૂર્વ મિદનાપુર અને કોલકાતાના ભાગો સુધી વિસ્તરતી હોવાથી, મુખ્ય પ્રધાન મમતા બેનર્જી રાજ્ય સચિવાલયમાં આખી રાત એલર્ટ પર રહ્યા હતા. પૂર્વ મેદિનીપુર અને ઓલ્ડ દીઘા બીચ પર ઉચ્ચ ભરતીનાં મોજાં આવ્યાં. ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો. જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલાં તરીકે હવાઈ મુસાફરી પણ કલાકો સુધી બંધ રહી.


Google NewsGoogle News