ઝારખંડમાં ભાજપની પછડાટ
મુખ્ય પ્રધાન હેમંત સોરેન અને તેઓનું બીજા રાજકીય પક્ષો સાથેનું ગઠબંધન - ઇન્ડિયા બ્લોક ભારતીય જનતા પાર્ટી સામે જીતી ગયું. ભાજપને મહારાષ્ટ્રમાં નિર્ણાયક અને અનિવાર્ય હતી તે જીત મળી પણ ઝારખંડમાં હાર મળી. તો એ સવાલ થવો સ્વાભાવિક છે કે ભાજપે બાંગ્લાદેશી ઘુસણખોરો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું અને સ્થાનિક મુદ્દાઓને સાઈડલાઈન કર્યા તે ભૂલ નડી ગઈ? મહારાષ્ટ્રમાં ભાજપ અને તેના સાથી પક્ષો જીત્યા એનું મુખ્ય કારણ ભાજપે સ્થાનિક નેતૃત્વને પૂરતું મહત્ત્વ આપ્યું તે છે. તો ઝારખંડમાં સ્થાનિક નેતૃત્વની અવગણના કેમ કરવામાં આવી? શું એ વ્યૂહાત્મક ચેષ્ટા હતી કે ગણતરીપૂર્વકની ભૂલ એ ચર્ચા પણ થાય તે સ્વાભાવિક છે.
ચૂંટણીઓ દરમિયાન ભાજપે 'બટેંગે તો કટેંગે' જેવાં વિવાદાસ્પદ સૂત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને વિભાજન એટલે વિનાશનો ડર ઝારખંડની પ્રજામાં ફેલાવ્યો હતો. સાથે સાથે બાંગ્લાદેશી ઘૂસણખોરોનો વારંવાર ઉલ્લેખ કરીને પોતે જ પ્રજાને વિભાજિત કરવાનો સખત પ્રયાસ કર્યો. ઝારખંડમાં ભાજપનો મુખ્ય ધ્યેય હેમંત સોરેનની સરકારને બદનામ કરવાનો હતો. પછી લોકોમાં ડર ફેલાવી તે બધા ભયભીત મતદારોને એક કરીને ભાજપ તરફ આકર્ષવાની સ્ટ્રેટેજી હતી જે નિષ્ફળ નીવડી. ભાગલા પાડનારી વ્યુહરચના કારગત નીવડી નથી તો પણ ઝારખંડમાં ભાજપ એક મજબૂત વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યો તે પણ હકીકત છે.
ઝારખંડ મુક્તિ મોરચા (વસ્સ્) અને કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ (ઇવઘ) અને ભઁૈં-સ્ન્ સહિત તેના સહયોગીઓએ જીત હાંસલ કરી. તેઓએ કુલ ૫૬ બેઠકો જીતી, જેમાંથી એકલા વસ્સ્ને ૩૪ બેઠકો મળી. તેનાથી વિપરીત સ્થિતિ ભાજપની હતી અને માટે તેના મોવડી મંડળને નોંધપાત્ર આંચકો લાગ્યો, કારણ કે તેણે માત્ર ૨૧ બેઠકો જીતી. આ હાર ઝારખંડની રચના પછીના તેના સૌથી ખરાબ પ્રદર્શનમાંથી એક કહી શકાય. આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાથી લઈને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સુધીના ભાજપના ટોચના નેતાઓએ બાંગ્લાદેશી ઘૂસણખોરીની વારંવાર ચેતવણી આપી. ચૂંટણી પ્રચારના ભાષણોમાં તે મુદ્દાનો ઉલ્લેખ જોરશોરથી થયો હતો. ઝારખંડમાં તે લોકોએ દાવો કર્યો હતો કે સોરેન સરકાર સ્થાનિક નોકરીઓ અને જમીનો લઈ રહેલા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને લાભ આપી રહી છે. અમિત શાહે એવું પણ સૂચન કર્યું હતું કે ઝારખંડના અમુક સ્થાનિક અધિકારીઓ વિદેશી ઘુસણખોરોને ભારતીય નાગરિકતા મેળવવામાં મદદ કરી રહ્યા છે.
હદ ત્યાં થઇ કે આ સ્થિતિને આસામની સ્થિતિ સાથે સરખાવવામાં આવી. ભાજપ સતત એવા દાવો કરે છે કે આસામમાં જે જાહેર હિંસાના બનાવો થઇ રહ્યા છે તે સમસ્યા હવે નિયંત્રણમાં આવી ગઈ છે. જ્યારે સરેરાશ ભારતીય નાગરિકને ખ્યાલ છે કે આસામમાં સામાજિક સ્થિરતા નથી અને સુરક્ષાની સંપૂર્ણ ખાતરી નથી. ભાજપની હારનું મહત્ત્વનું પરિબળ આદિવાસી મતો જીતવામાં પક્ષની નિષ્ફળતા હતી. ભાજપની આગેવાની હેઠળના જોડાણે આદિવાસીઓ માટે આરક્ષિત ૨૮માંથી ૨૭ બેઠકો ગુમાવી છે, પરિણામે ભાજપનું પ્રદર્શન ૨૦૧૯ કરતાં પણ વધુ ખરાબ રહ્યું છે. ભાજપના પરંપરાગત ગઢ ગણાતા ખુંટીમાં હારનો સામનો કરવો પડયો જે ભાજપ તો ઠીક કોંગ્રેસ માટે પણ આશ્ચર્યજનક છે. ત્યાં ભાજપના નેતા નીલકંઠ મુંડાને વસ્સ્ના યુવા ઉમેદવાર રામ સૂર્ય મુંડાએ ૪૨,૦૦૦થી વધુ મતોથી હરાવ્યા છે.
ભાજપ પાસે ઝારખંડમાં ઘણા અગ્રણી સ્થાનિક નેતાઓ છે, જેમાં ત્રણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોનો સમાવેશ થાય છે: બાબુલાલ મરાંડી, અર્જુન મુંડા અને ચંપાઈ સોરેન. જોકે, આ ત્રણેય ભાજપી માંધાતાઓને આ ચુંટણીમાં માત્ર નાની ભૂમિકા ભજવવા માટે આપી હતી. તેઓએ પોતાના જ મતવિસ્તાર ઉપર જ ધ્યાન આપ્યું જેને લીધે આખા ઝારખંડમાં એવી છાપ પ્રસરી ભાજપે સ્થાનિક નેતૃત્વને ગૌણ બનાવી નાખ્યું છે. ભાજપે આસામના હિમંતા બિસ્વા સરમા અને ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ જેવા રાજ્ય બહારના ઉચ્ચ હોદ્દેદારો જેને સેલિબ્રિટી નેતાઓ કહી શકાય તેવી હસ્તીઓને ઝારખંડમાં ભાજપનો પ્રચાર કરવા માટે બોલાવ્યા, પરંતુ આ રાષ્ટ્રીય નેતાઓ ઝારખંડની પ્રજાને રીઝવી શક્યા નહિ. આદિવાસી પ્રશ્નોને ભાજપે ખાસ સ્થાન આપ્યું ન હતું.
સ્થાનિક નેતૃત્વને બાજુ પર રાખીને સાંપ્રદાયિક અને આંતરકલહના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ભાજપની વ્યૂહરચના ઝારખંડમાં કામ કરી શકી નહીં. એવું લાગે છે કે રાજ્યના મતદારો રાષ્ટ્રીય કાર્યસૂચિને આગળ ધપાવનાર રાષ્ટ્રીય સ્ટાર પ્રચારક કરતાં સ્થાનિક સમસ્યાઓને સમજતા નેતાને પસંદ કર્યા. આ ચૂંટણીએ દર્શાવ્યું કે સ્થાનિક લાગણીઓને ધ્યાનમાં લીધા વિના કહેવાતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વધુ પડતું ધ્યાન કેન્દ્રિત કરવાથી કોઈપણ રાજકીય પક્ષ માટે અણધાર્યા અને નિરાશાજનક પરિણામો આવી શકે છે.