Get The App

ચોમાસાની નવી પેટર્ન .

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
ચોમાસાની નવી પેટર્ન                                       . 1 - image


આ દિવસોમાં ચોમાસાના આગમન સાથે વાદળ ફાટવું સામાન્ય બાબત છે. ટૂંકા ગાળામાં આ ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલન અને વીજળીનું કારણ બને છે. વિડંબના એ છે કે અવકાશી જળધારાના આ પરાક્રમ માનવક્રિયાઓનું પરિણામ છે. આવી કુદરતી આફતો શા માટે થાય છે? ચોમાસા દરમિયાન ભારે વરસાદ હવે પૂરમાં રૂપાંતરિત થવા લાગ્યો છે. નિષ્ણાતોના મતે વરસાદની માત્રામાં કોઈ ખાસ ફેરફાર થયો નથી, પરંતુ ચોમાસાની પેટર્ન બદલાઈ ગઈ છે. આ બધાનું મુખ્ય કારણ ક્લાઈમેટ ચેન્જ છે, જેના કારણે હવામાનની પેટર્નમાં પણ ફેરફાર થયો છે અને ગ્લેશિયર્સ પીગળવાથી અને દરિયાની સપાટીમાં વધારો થવાને કારણે ઓછા વરસાદમાં પણ પૂરની સમસ્યા વધી રહી છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, ભારતના કુલ ૩૨૯૦ લાખ હેક્ટરના ભૌગોલિક વિસ્તારમાંથી ૪૦૦ લાખ હેક્ટરથી વધુ વિસ્તાર પૂરની સંભાવના ધરાવે છે.

તાજેતરમાં દેશના અનેક રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી છે જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે દેશના કેટલાક ભાગોમાં વરસાદ સરેરાશ કરતા ઓછો રહ્યો છે. વરસાદી જાનહાનિના આંકડાઓ ઉછાળો મારી રહ્યા છે. વર્ષ ૨૦૧૬-૧૭માં ૧૫૫૦, વર્ષ ૨૦૧૭-૧૮માં ૨૪૯૪, વર્ષ ૨૦૧૮-૧૯માં ૨૦૪૫ અને વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૩૩૦ લોકોના ચોમાસામાં વરસાદને કારણે મોત થયાં હતાં. ભારતીય હવામાન વિભાગ અનુસાર, ૨૦૨૦માં દેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરને લગતી ઘટનાઓમાં ૬૦૦થી વધુ લોકોના મોત થયા હતાં. કેટલાક અભ્યાસોએ દર્શાવ્યું છે કે આબોહવા પરિવર્તને વિશ્વના ઘણા પ્રદેશોમાં વાદળ ફાટવાની આવર્તન સંખ્યા અને તીવ્રતામાં વધારો કર્યો છે. હિમાલયના પ્રદેશમાં વાદળ ફાટવાની સૌથી વધુ ઘટનાઓ જોવા મળી રહી છે, કારણ કે હિમાલયના પ્રદેશમાં તાપમાનમાં વધારાનો દર વૈશ્વિક તાપમાનમાં થતા વધારાની તુલનામાં વધારે છે.

તાજેતરના મોડેલિંગ અભ્યાસમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે હવામાં 'બ્લેક-કાર્બન'ની વધતી જતી માત્રા ભારતના ઉત્તર-પૂર્વમાં વરસાદમાં વધારો કરી રહી છે, જેના કારણે કેટલીક જગ્યાએ ઓછી તીવ્રતાનો વરસાદ ઓછો થયો છે અને મુશળધાર વરસાદ વધ્યો છે. 'બ્લેક-કાર્બન' એ એક પ્રકારનું વાયુ પ્રદૂષક છે જે અશ્મિભૂત ઇંધણ, બાયોમાસ અને અન્ય કુદરતી સ્રોતોમાંથી વાતાવરણમાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડ પછી, તે ગ્લોબલ વોર્મિંગની અસરોને વધારવા માટે પણ જવાબદાર છે. નેચર ક્લાઈમેટ ચેન્જના એક રિપોર્ટ અનુસાર, જળવાયુ પરિવર્તનને કારણે સમુદ્રની સપાટીમાં વધારો તેમજ ચંદ્રની ભ્રમણકક્ષાની ધુ્રજારીને કારણે પૃથ્વી પર વિનાશક પૂર આવવાની શક્યતા છે. અભ્યાસમાં આગાહી કરવામાં આવી છે કે ૨૦૩૦ના દાયકામાં અમેરિકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ભરતીના કારણે પૂરનું પ્રમાણ વધશે.

ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ સાયન્સ, બેંગલુરુ અને ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ ટેક્નૉલૉજી, કાનપુરના સંશોધકોએ તેમના અભ્યાસમાં અહેવાલ આપ્યો છે કે તાજેતરના વર્ષોમાં ગંગા બેસિનમાં વિનાશક ભૂસ્ખલન અને પૂરની આવર્તન સંખ્યા વધી છે. જળવાયુ પરિવર્તન અને બંધ બાંધવા જેવી માનવીય પ્રવૃત્તિઓ ગંગાને અસર કરી રહી છે. ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાાન મંત્રાલય અનુસાર, ભારતમાં ૧૯૦૧ થી ૨૦૧૮ની વચ્ચે સપાટીની હવાના તાપમાનમાં ૦.૭ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે, જેના કારણે વાતાવરણમાં ભેજ પણ વધ્યો છે. હિંદ મહાસાગરમાં દરિયાની સપાટીનું તાપમાન પણ ૧૯૫૧ અને ૨૦૧૫ વચ્ચે લગભગ ૧ ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે. આ રીતે, વાતાવરણમાં અસામાન્ય વધારો ચોમાસાની પેટર્નને અસર કરી રહ્યો છે જે પૂર અથવા કુદરતી આફતોના સ્વરૂપમાં જોવા મળે છે. પૂરનાં અન્ય કારણો છે - નદીઓના માર્ગમાં ઊભા થતાં નવા નવા અવરોધ, કુદરતી ડ્રેનેજ માર્ગો અવરોધિત કરવા, તળાવોના નિર્માણને બદલે પાકા રસ્તાઓનું નિર્માણ વગેરે.

૨૦૧૩માં ઉત્તરાખંડમાં ભયંકર પૂર આવ્યું હતું જેમાં લગભગ ૬૦૦૦ લોકોના મોત થયા હતા. હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ એક માત્ર આટલી મોટી સંખ્યામાં મૃત્યુનું કારણ હતું. ભારે વરસાદ અને પૂરની વધતા જતા આવર્તનને ધ્યાનમાં રાખીને, આને ટાળવા માટે વરસાદી પાણીના નિકાલ માટે અસરકારક પગલાં લેવા જોઈએ. નદીઓ પર અતિક્રમણ અટકાવવા અને કચરો ન નાખીને તેમને અવરોધિત થવાથી રોકવા જેવાં પગલાં પૂરને ઘટાડી શકે છે. પર્યાવરણમાં પ્રદૂષણના સ્તરને ઘટાડીને આબોહવા પરિવર્તનને નિયંત્રિત કરીને, ગ્લોબલ વોમગ, ગ્લેશિયર્સનું પીગળવું અને સમુદ્રનું સ્તર વધતું અટકાવી શકાય છે, જે હવામાનની પેટર્નને સુધારશે અને પૂર જેવી કુદરતી આફતોમાં ઘટાડો કરશે.


Google NewsGoogle News