નિત્ય લીલા નિત્ય ઓચ્છવ
સાંજ પડે અને કૃષ્ણને ઘરે આવતા થોડી વાર લાગે એટલે યશોદા વ્યાકુળ થઈ જાય છે. દોડીને નંદરાણી ઘરની બહાર આવે છે અને શેરીઓમાં જોવા લાગે છે. એમ કરતા કરતા એ ગામને પાદરે, યમુના કિનારે ઊંચા ઓટલે ઊભી રહીને દૂર પશ્ચિમ તરફ જુએ છે. સૂર્ય ઢળવા આવ્યો છે. છેવટે ક્ષિતિજ પર એને ધૂળ ઉડતી દેખાય છે, એ ગોધૂલિ છે. સાંજના ઉજાસમાં એ ગોધૂલિની વચ્ચે એક મોરપિચ્છ દેખાય છે અને યશોદા આનંદથી બ્હાવરી બની જાય છે. યશોદાના દરેક શ્વાસમાં એક જ શબ્દ છે... મારો લાલો... મારો કાનો...!
જ્યારે કૃષ્ણ વનરાવનમાં સવારે ગાયો ચરાવવા જાય છે ત્યારે ગૌમાતાની સાથે સૂક્ષ્મ અર્થમાં તો સ્વમાતા યશોદા પણ હોય છે, કારણ કે યશોદા હોય છે તો ગોકુળમાં પરંતુ એનું ચિત્ત કૃષ્ણની સાથે સાથે ગતિ કરતું રહે છે. સંસારની દરેક માતા એક અર્થમાં યશોદા જ છે. પોતાના સંતાનો સાથે માતાનું હૃદય જોડાયેલું હોય છે. યશોદા આપણી સંસ્કૃતિમાં માતૃત્વની પરાકાષ્ઠા છે. માતા તો દરેક એક સરખી હોય છે. કોઈ બે માતા વચ્ચે તુલના ન થઈ શકે, કારણ કે જનની તો જનની છે. પરંતુ સંસ્કૃતિએ જનની દેવકીની તુલનામાં પાલક માતા યશોદાનો વિશેષ મહિમા કર્યો છે. દેવકીએ કૃષ્ણને જન્મ આપ્યો છે, અપાર યાતનાઓ સહન કરીને જન્મ આપ્યો છે અને યશોદાએ કૃષ્ણને ઉછેર્યો છે. યશોદા જાણતી નથી કે આ બાળકની એ પાલક માતા છે.
કૃષ્ણનું બાળપણ નટખટ છે. એની ફરિયાદો પણ સતત રહે છે. શ્રીમદ્ ભાગવતમાં મહત્ત્વનો ભાગ તો કૃષ્ણલીલાનો જ છે. અનેક પ્રકારની લીલાઓથી કૃષ્ણનો પ્રારંભિક જીવનકાળ આનંદ અને ઉત્સાહની ધારામાં વહેતો રહ્યો છે. એક મહાન થવા નીકળેલા બાળકના ઉછેરની એટલી જ મહાન જ્ઞાાનપોથી ભાગવતકારે લોકોના હાથમાં મૂકી છે. આજકાલ દરેક માતા અને પિતાને સાવ છાનામાના પડયા રહે એવા અને ટાઢા ટબુકલા જેવા સંતાનો જ ગમે છે. દરેક માતા ઇચ્છે છે કે મારુ બાળક મને મારુ તમામ ઘરકામ શાંતિથી કરવા દે અને હું રમાડું ત્યારે રમે અને જમાડું ત્યારે જમે ! જરા પણ તોફાન ન કરે ! આવા જે વાલીઓ છે તે ખરેખર તો નંદ અને યશોદાના શત્રુઓ છે. કારણ કે એવી પદ્ધતિથી તો કંસ કે જરાસંઘનું જ નિર્માણ થઈ શકે. કૃષ્ણનું નિર્માણ કરવા માટે શરુઆતથીજ બાળકને પૂર્ણ સ્વતંત્રતાની આબોહવા મળવી જોઈએ. જે માતા-પિતા પોતાના સંતાનોને તેમના ઉછેર માટેનું સ્વતંત્ર આકાશ આપી શકતા નથી તેઓ આવનારી પેઢીઓના મોટા અપરાધી છે.
કૃષ્ણ તોફાની છે અને દરેક તોફાનના બદલામાં એને નાનો-મોટો ઠપકો કે સજા પણ મળે છે. પરંતુ સાથોસાથ નંદ-યશોદા અને આખું ગોકુળ ગામ એને નવા-નવા તોફાનો કરવાનો ભરપૂર અવકાશ આપે છે. કૃષ્ણ પર થયેલા તોફાનો માટે ઠપકો આપવાની વ્યવસ્થા છે પરંતુ એ કોઈ નવા તોફાનો કરી જ ન શકે એવા કોઈ બંધનો ગોકુળની ધરતી અને આકાશમાં નથી. બંધનમાં જન્મ થયો હોવા છતાં કૃષ્ણએ ચોતરફથી સંપૂર્ણ મુક્તિનો અનુભવ કર્યો છે. ગોકુળમાં અને વૃંદાવનમાં તેણે ભરપૂર મુક્તિ માણી છે, એટલે જ એ મુક્તિ આપનારો બન્યો છે. જેને પોતાને મુક્તિનો અનુભવ નથી એ બીજાને તો સ્વતંત્રતા શી રીતે આપી શકે ? જેઓ સ્વયં મુક્તિનો અનુભવ લે છે તેઓ બીજાઓને મુક્તિ આપી શકે છે. કૃષ્ણને સતત મુક્તિનો અનુભવ આપવામાં નંદ અને યશોદાએ વર્ષો સુધી અદ્ધર જીવે અને ઊભા પગે જિંદગી પસાર કરી છે. ઘરમાં કૃષ્ણ પગલા થયા પછી એક રાત પણ યશોદા જંપીને સુતા નથી. જે માતા-પિતા પોતાનું સંપૂર્ણ જીવન પોતાના શિશુને સમર્પિત કરી દે છે અને દરેક ક્ષણ ઘર આંગણે અવતરેલા આનંદ પર ન્યોછાવર કરે છે તેઓ જ કૃષ્ણ જેવા પરમતત્ત્વને પોતાની આસપાસ રમતા પામે છે.
ગોકુળમાં કૃષ્ણને નંદ-યશોદા ઉપરાંત સમગ્ર ગ્રામ જગતનું વ્હાલ પ્રાપ્ત થયું છે. ઉપરાંત ગોવાળોની તોફાની ટોળકીનો સંગાથ પણ મળ્યો છે. કાન્હાના સાથીઓમાં ગોપ અને ગોપીઓ બંને છે. એ ગોપીઓમાં એક છે રાધિકા. સર્વે ગોપીઓમાં રાધાની ભક્તિ અનોખી છે, એનો નિસ્વાર્થ પ્રેમ છે. એ જ તો કારણ છે કે કૃષ્ણ રાધાની સાથે શબ્દોથી નહિ, વાંસળીથી વાત કરે છે. રાધાના પ્રેમના અભિષેકમાંથી કૃષ્ણ નિવૃત્ત થઈ શકતા નથી એટલે એક વાક્ય પણ ઉચ્ચારવામાં માટે તેવો પ્રવૃત્ત થઈ શકતા નથી. રાધા અને કૃષ્ણના પ્રેમનો સેતુ રચાય છે વનરાવનમાં નિરંતર રેલાતા વાંસળીના સ્વર પર. જે કૃષ્ણ ભવિષ્યમાં કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં ઘોર શંખનાદ કરીને સિદ્ધાંત સ્વરૂપનું દીર્ઘ વ્યાખ્યાન કહેવાય એવી ગીતાનો ઉચ્ચાર કરવાના હતા એ જ કૃષ્ણ રાધા સામે માત્ર એક બંસરી હોઠ પર મૂકીને અનંત વાતો કરી શકે છે. દેશમાં એક બહુ જ મોટો ભક્ત સમુદાય છે જે કૃષ્ણને વીસરીને રાધારાણીના ચરણમાં આળોટે છે.