મહાયુતિના મહાવિજયંત કારણો
બીજેપી, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીના બનેલા મહાયુતિ ગઠબંધને મહારાષ્ટ્રમાં મોટી જીત મેળવી અને મહા વિકાસ અઘાડી (MVA)ને ઘણી પાછળ છોડી દીધી. જ્યારે અઘાડી સંગઠન સંઘર્ષ કરી રહ્યું હતું, ત્યારે મહાયુતિએ મજબૂત વ્યૂહરચના અને મતદારોના સમર્થન સાથે હમણાં છેલ્લી લોકસભા ચૂંટણીમાં મળેલા આંચકાને ઉલટાવી નાખ્યો. મહારાષ્ટ્રનું રાજકારણ હંમેશા અસમંજસ અને દ્વિધાઓનો પટારો રહ્યું છે. મહારાષ્ટ્રમાં સત્તા મેળવવા માટે જુદા જુદા રાજકીય પક્ષો વચ્ચે બહુપાંખિયો જંગ એ તે રાજ્યની પરંપરા રહી છે. ભાજપ અને તેના સાથી પક્ષો કેમ આગળ નીકળી શક્યા અને કોંગ્રેસ, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને પછડાટ મળી તેના અમુક દેખીતા કારણો છે.
મહાયુતિએ મહિલા કેન્દ્રિત યોજનાની જાહેરાત કરી હતી અને તેને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. લોકસભામાં કારમા પરાજય બાદ મહાયુતિએ લાડકી બહિન યોજના શરૂ કરી. આ યોજના હેઠળ, મહારાષ્ટ્રમાં ૧.૮૫ કરોડ મહિલાઓને દર મહિને રૂપિયા ૧,૫૦૦ મળે છે. મહાયુતિએ વચન આપ્યું હતું કે જો તેઓ ચૂંટણી જીતશે તો પંદરસોની રકમ વધી જશે અને દરેક સ્ત્રીને રૂપિયા ૨૧૦૦ આપવાના કહ્યા હતા. મહારાષ્ટ્રમાં મતદારોનો નોંધપાત્ર સમુદાય મહિલા મતદારો હોવાથી, મહાયુતિના આ પગલાને વ્યાપક સમર્થન મળ્યું. એનું મુખ્ય કારણ એ કે આ યોજના હેઠળ સ્ત્રીઓને સીધો નક્કર ફાયદો મળતો હતો જે તેમના બેંક ખાતામાં દર્શનીય અંકોમાં પ્રાપ્ત થાય. આની સામે અઘાડી નેતાઓએ રૂપિયા ત્રણ હજાર આપવાની દંતકથા ઉચ્ચારી હતી જેના પર મરાઠી મતદારોને ભરોસો બેઠો ન હતો.
મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામોમાં ખેડૂતોની મહત્વની ભૂમિકા છે. મહાયુતિએ લઘુતમ ટેકાના ભાવ (MSP) કરતાં વધુ ભાવે કપાસ ખરીદવાનું વચન આપ્યું હતું અને ભાવ સમર્થન યોજના હેઠળ તેમાં સોયાબીનના પાકનો પણ સમાવેશ કર્યો હતો. અત્યારે કપાસ બજારમાં આવી રહ્યો છે. પહેલો વીણાટ ખેડૂતોના હાથમાં છે અને બીજી વીણ ટૂંક સમયમાં શરૂ થશે. કપાસ દ્વિમોસમી પાક છે. મહારાષ્ટ્રના અર્થતંત્રમાં ઉદ્યોગોનું મહત્ત્વ છે જ પણ ગુજરાતની જેમ ખેતીનું મહત્વ ઓછું નથી. વધુમાં, ખેડૂતોને સંપૂર્ણ લોન માફીનું વચન મળ્યું હતું. તેની જાહેરાત ખાસ કરીને વિદર્ભ જેવા વિસ્તારોમાં વિશેષ રીતે કરવામાં આવી હતી કારણ કે ત્યાં કૃષિ ક્ષેત્ર સંકટમાં છે અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ખેડૂતો ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોના બીજા પ્રશ્નો કે આંતરિક વિવાદોના ઝડપી નિવારણનું પણ વચન આપવામાં આવ્યું હતું. આ વચનો કામ કરી ગયા અને ખેડૂતોએ ભાજપ અને તેના સાથી પક્ષોને અઢળક મતો આપ્યા.
અમિત શાહને ખબર છે કે મરાઠાઓમાં તેમના પ્રતિ અસંતોષ ફેલાયો છે. માટે મહાયુતિએ બીજેપીની માધવ ફોર્મ્યુલાને પુનર્જીવિત કરીને અમુક વર્ગો (ઓબીસી) ને એક કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. માટે માલી, ધનગર અને વણઝારી જેવા મુખ્ય OBC સમુદાયોના મત મહાયુતિને મળ્યા. આ વ્યૂહરચના કારગત નીવડી કારણ કે પીએમ મોદીએ તેની રેલીઓમાં અને ચૂંટણી પ્રચારના ભાષણોમાં એક હૈ તો સેફ હૈ જેવા સ્લોગનનું સતત પુનરાવર્તન કર્યું હતું. આ સ્લોગને ભાજપના સાથી સંગઠનોને ઘણો ફાયદો અપાવ્યો. મોદીની શબ્દકલાનો જાદુ ઝાંખો પડી ગયો છે એમ સહુ માને છે પરંતુ મહારાષ્ટ્રે એમાં અપવાદ થવાનું પસંદ કર્યું. ચોક્કસ લક્ષ્ય સાથેનું આધુનિક ચૂંટણી આયોજન, મતદારોના ઘર સુધીનો ચૂંટણી પ્રચાર અને સ્થાનિક ફરિયાદોના નિરાકરણના આ સંયોજને મહાયુતિને નિર્ણાયક વિજય અપાવ્યો.
ખાસ કરીને ફોક્સકોન-વેદાંત સેમિકન્ડક્ટર પ્લાન્ટ જેવા પ્રોજેક્ટને રાજ્યની બહાર ખસેડયા પછી, મહારાષ્ટ્ર કરતાં ગુજરાતને પ્રાધાન્ય આપવા બદલ ભાજપની અગાઉ ટીકા થઈ હતી. મહારાષ્ટ્રની પ્રજાની આ ફરિયાદને દૂર કરવા માટે, રાજ્ય સરકારે મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે વિવિધ સિલસિલાબંધ પગલાં લીધાં. શાસક પક્ષે ગુજરાતના નેતાઓની જેમ સભા સમારંભો અને હારતોરામાં સત્તાસમય ક્ષીણ કરવાને બદલે વહીવટી દ્રષ્ટિ સંપન્નતા કેળવી અને એથી પણ આ જીત મેળવી. એકનાથ શિંદે પોતાના સત્તાકાળમાં ઓછામાં ઓછા ઉદઘાટનો કરનારા મુખ્યમંત્રી સાબિત થયા જેથી સત્તાના બંધઘાટનથી ઉગારી ગયા. વધુમાં, પ્રાદેશિક મરાઠી ભાષાને શાસ્ત્રીય દરજ્જો આપવાથી બુદ્ધિજીવી મરાઠી મતદારોનો વિશ્વાસ પણ વધુ મજબૂત થયો.