ટ્રમ્પ ટેરિફના ભણકારા .
અમેરિકાના વેપારી ભાગીદારોમાં રાહત હતી કે ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લાદીને તેમનો બીજો કાર્યકાળ શરૂ કર્યો નથી. જોકે, રાહત લાંબો સમય ટકી શકતી ન હતી, કારણ કે નવા રાષ્ટ્રપ્રમુખની કૂટનીતિ તેમના પાછલા કાર્યકાળથી અલગ નથી. ઘણાને આશા હતી કે ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સ માટે વધુ સારા સોદા માટે વાટાઘાટો કરવા માટે ટ્રેડિંગ ભાગીદારોને ટેબલ પર લાવવા ટેરિફની ધમકીનો ઉપયોગ કરશે. અમેરિકા ટેરિફ વધારશે. આ વધારો કેટલો થશે તે ઘણાં પરિબળો પર નિર્ભર રહેશે. પોતાના કાર્યકાળના પહેલા દિવસે ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ૧ ફેબુ્રઆરીથી કેનેડા અને મેક્સિકોથી થતી આયાત પર ૨૫ ટકા ડયૂટી લાદવા ચાહે છે. યુએસ વહીવટીતંત્ર યુએસ-મેક્સિકો અને કેનેડા વેપાર સમજૂતી અંગે નવી મંત્રણા ઈચ્છે છે. તેઓ ચીનથી થતી આયાત પર ૧૦ ટકા ડયુટી લાદવાનું વિચારી રહ્યા છે.
ટેરિફમાં વધારો થવાથી માત્ર આયાત મોંઘી નહીં થાય, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ડિમાન્ડ અમેરિકન બનાવટનાં ઉત્પાદનો તરફ વળશે જેનાથી આવકમાં પણ વધારો થશે.આ ટેરિફ અમેરિકન ગ્રાહકો માટે કિંમતોમાં વધારો કરી શકે છે. ટેરિફ જ ડિમાન્ડમાં ઘટાડો કરી શકે છે. તેનાથી મોંઘવારી દરમાં પણ વધારો થઈ શકે છે. યુએસ ફેડરલ રિઝર્વ પહેલેથી જ મધ્યમ ગાળામાં ફુગાવાને બે ટકાથી નીચે લાવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. ફુગાવાના દરોમાં વધારો ફેડને દર વધારવા માટે દબાણ કરી શકે છે. તે પણ શક્ય છે કે વેપારી ભાગીદારો પ્રતિભાવમાં દરમાં વધારો કરી શકે. તેનાથી અમેરિકાની નિકાસને અસર થશે.
ટેરિફમાં વધારો અને અન્ય દેશોની પ્રતિક્રિયાઓને જોતાં, વિવિધ પરિણામો બહાર આવી શકે છે, જોકે આમાંથી ટ્રમ્પની કોઈ પણ ચાલાકી લાંબા ગાળે યુનાઇટેડ સ્ટેટ્સ માટે ફાયદાકારક સાબિત થશે નહીં. આ પહેલીવાર નથી, જ્યારે ટ્રમ્પે ટેરિફ લાદવાની ધમકી આપી હોય. તેમના પ્રથમ કાર્યકાળમાં, તેમણે ઈ. સ. ૨૦૧૮ અને ૨૦૧૯માં ખાંડની આયાત પર વધુ ડયુટી લાદી હતી. જૉ બાઈડેન વહીવટીતંત્રે આ ટેરિફ જાળવી રાખ્યા અને કેટલીક નવી ફી ઉમેરી. થિંક ટેન્ક ટેક્સ ફાઉન્ડેશન અનુસાર, આ ટેરિફ લાંબા ગાળે જીડીપીમાં ૦.૨ ટકાનો ઘટાડો કરશે અને લગભગ ૧.૪૨ લાખ લોકો પૂર્ણ-સમયની નોકરીઓ ગુમાવશે. સૂચિત ટેરિફ મેક્સિકો, કેનેડા અને ચીન પર વધુ ઊંડી અસર કરશે.
આ સંયોગોમાં ભારતે સાવધાનીપૂર્વક આગળ વધવું પડશે. ટ્રમ્પે ધમકી આપી છે કે જો મ્ઇૈંભજી સભ્યો પોતાને ડોલરથી દૂર રાખે છે તો તેમના પર ૧૦૦ ટકા ટેરિફ લાદવામાં આવી શકે છે. ભારતીય નીતિ ઘડવૈયાઓએ અમેરિકાના નવા વહીવટીતંત્રને સમજાવવું જોઈએ કે ભારત અને ચીનને એકસાથે જોવા ન જોઈએ. ભારતે પણ તેના વલણમાં સમજદાર બનવું પડશે. અહેવાલો અનુસાર, ભારત ઘણા વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. જેમાં ડયૂટીમાં ઘટાડો અને અમેરિકાથી આયાતમાં વધારો સામેલ છે. ભારત બાકીના વિશ્વમાંથી ચોખ્ખો આયાતકાર દેશ છે અને ઇંધણ સહિતની કેટલીક આયાત યુએસમાં શિફ્ટ કરવી મુશ્કેલ નહીં હોય.
ટ્રમ્પે અશ્વેત અને હિસ્પેનિક સમુદાયોનો પણ આભાર માન્યો, કારણ કે તેઓએ આ ચૂંટણીમાં ઈ. સ. ૨૦૨૦ કરતાં વધુ સંખ્યામાં તેમને મત આપ્યા હતા. આ તેમનો ડેમોક્રેટિક પાર્ટીને મેસેજ હતો. જોકે, આ દરમિયાન તેમના વહીવટીતંત્રે જાહેરાત કરી છે કે તે વિવિધતા, સમાનતા અને સમાવેશક કાર્યક્રમને રદ કરશે. આ ટ્રમ્પની જાહેરાતને અનુરૂપ છે કે તેમનો વહીવટ જાતિ-તટસ્થ અને યોગ્યતા આધારિત હશે.
વિશ્વ તાપમાનમાં અસાધારણ વધારાનો સામનો કરી રહ્યું છે અને આવી સ્થિતિમાં ગ્રીન ન્યૂ ડીલને સમાપ્ત કરવાનો અને ઇલેક્ટ્રિક વાહનોની જરૂરિયાતને નાબૂદ કરવાનો ટ્રમ્પનો નિર્ણય પણ ઓછો મહત્ત્વનો નથી. ફુગાવાને કાબૂમાં લેવા માટે પેટ્રોલિયમ પેદાશોના ઉત્પાદન પરના નિયંત્રણો હટાવવાની ટ્રમ્પની જાહેરાત પણ આનાથી સંબંધિત છે. તેમણે 'ડ્રીલ બેબી ડ્રિલ' પર ભાર મૂક્યો હતો, એટલે કે ઈંધણના ભાવને ઘટાડવા માટે વધુ ડ્રિલિંગ. વૈશ્વિક ઈંધણના ભાવમાં ઘટાડો ભારત જેવા આયાતકારો માટે મદદરૂપ થશે. જોકે, બીજી બાજુ એ છે કે તેણે ફરી એકવાર પેરિસ ક્લાઈમેટ ચેન્જ એગ્રીમેન્ટ અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનથી દૂર થઈને પોતાના માર્ગ પર ચાલવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે.