Get The App

શિયાળાની સાર્વત્રિક જમાવટ .

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
શિયાળાની સાર્વત્રિક જમાવટ                                     . 1 - image


આખરે હવે ક્રમશ: શીતકાળની જમાવટ થવા લાગી છે. એનાથી રાત્રિના રૂપ બદલાઈ ગયા છે. આપણો શિયાળાનો અનુભવ, પશ્ચિમના દેશોની તુલનામાં બહુ આછો અને ઓછો છે. છતાં જરાક શિયાળો એના અસલ સ્વરૂપમાં પ્રગટ થાય કે તરત જ સમાજજીવનમાં સનસનાટી મચાવતી શીતકથાઓ અને વાર્તાલાપો શરૂ થઈ જાય... આજે તો બહુ ઠંડી છે નહીં...? વહેલી સવારના અખબારમાં ઠંડી વધુ હોવાના સમાચાર વાંચીને કેટલાક વાંચકોને ઠંડી હોય એથીય અધિક અનુભવવા મળે! પશ્ચિમના દેશોમાં સમર મહેમાન જેવી મોસમ છે, પરંતુ વિન્ટર તો છે, છે અને છે. યુરોપ અને અમેરિકાના દેશોમાં ઠંડી જ સર્વકાલીન છે. તડકો નીકળે એ એમને માટે ગોલ્ડન ડે હોય. આપણો દેશ તો તુઓના વૈવિધ્યથી ભરપૂર છે.

આપણે ત્યાં શિયાળો ઉત્તર ભારતમાં એના પૂર્ણ રૂપે અવતરે છે, પરંતુ એ સિવાયના ભારતને શિયાળાનો જે અનુભવ છે તે હળવો છે. હિમાલયની ગિરિમાળાઓની તળેટીમાં આવેલા પ્રદેશો નિરંતર શીતકાળનો અનુભવ કરે છે, કારણ કે હિમાલય દુનિયાનો ત્રીજો ધુ્રવપ્રદેશ છે. શિયાળામાં સૌને ઓછુંવત્તું એકાંત મળે છે. આ એકાંત મહત્ અંશે સ્વજનોના સહવાસની ઝંખનાવાળું હોય છે. નાના હોઈએ ત્યારે મા શિયાળામાં આપણને બહુ સાચવતી હોય એટલે શિયાળો આવે ત્યારે મા યાદ આવ્યા વગર ન રહે. વારંવાર ઓઢાડતી હોય પોઢાડતી હોય. બાળપણના મોટા ભાગનાં સ્મરણો ચોમાસાથી ભીંજાયેલાં હોય છે, પરંતુ એના પછી તરત જ શિયાળાનાં સ્મરણો મનની સપાટી પર તરી આવે છે.

શિયાળામાં વિરહની આગ વધુ પ્રજ્વલિત હોય છે. આ સંસારમાં અનેક પ્રકારના વિયોગ છે. માતા-પિતા હયાત હોય તો પણ એનાથી દૂર રહેવાનો ઘરઝૂરાપો સંતાનોને લાગે છે. જેઓને જિંદગીમાં વિધવા કે વિધુર થવાનું આવે એમના માટે સ્વજનના મૃત્યુ પછીનો પહેલો શિયાળો બહુ આકરો હોય છે. સમય પણ ઠંડીમાં જાણે કે થીજી જાય છે. કોરોનાકાળમાં જેમણે સ્વજનો ગુમાવ્યા છે એમની યાતનાઓ આ જગતે વીસરી જવી જોઈએ નહીં. એ યાતનામાં જાણે કે હિમશીલાઓ વચ્ચે અસ્તિત્વ ઊભેઉભું ચણાઈ જાય છે. યુરોપિયન દેશો શીતાગાર જેવા છે. શિયાળાનો એમનો અનુભવ જીવનના એક અવરોધક પરિબળ તરીકે છે. આપણે ત્યાં વસંતતુ પૂરબહારમાં ખીલેલી હોય છે અને પ્રમાણમાં લાંબી ચાલે છે એટલે વાસંતી ગીતોનો મોટો ફાલ આવેલો છે, પરંતુ યુરોપિયન દેશોમાં અવારનવાર વિન્ટર સોંગ સાંભળવા મળે છે. ત્યાં વિન્ટર સોંગના અનેક રંગો છે. પરંતુ એમાં મુખ્ય સ્વર કરૂણ છે.

સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળાની જમાવટ સોળે કળાએ ખીલી છે. શિશિર ઋતુ સર્વ દિશાઓમાંથી સૂસવાટા બોલાવે છે. વૃક્ષ-વનરાજિનાં પાંદડા સોનેરી થઈને પૃથ્વી પર અભિષેક કરી રહ્યાં છે. ઉત્તર ભારતના ખાસ તો હિમાલયની તળેટીથી નીચેના વિસ્તારના સર્વ ઊંચા પર્વત ઉપર બરફ છવાયેલો છે. નગાધિરાજ સ્વયં તો બરફાચ્છાદિત છે જ. વહેલી સવારના ગાઢ ધુમ્મસના પડદાઓ વાતાવરણને ઢાંકી દે છે. ધુમ્મસની રજાઈમાં વસુંધરા લપાઈ ગઈ છે. બહુ નજીકના અંતરે પણ આંખો કામ કરતી નથી. ઉત્તર ભારતમાં નાગરિકોની દિનચર્યા મધ્યાહ્ન થવા આવે ત્યારે શરૂ થાય છે અને જરાક બપોર ઢળે કે તેમનો દિવસ પૂરો થઈ જાય છે. રાત્રિઓનું સૌન્દર્ય જૂઈ ચમેલી જેવું છે પણ એનો સાક્ષાત્કાર તો કોઈ વિરલા જ કરી શકે. જેઓ મહાનગરોમાં ઊંચાં મકાનોમાં વસે છે તેમને અને તળિયે ઝૂંપડાઓમાં વસનારાઓને એકસરખી રીતે ચારે બાજુથી શિયાળાએ ઘેરી લીધા છે. એમને ચારેય દિશાના વા વાય છે.

પહાડી તળેટીમાં વસેલાં ગામડાઓમાં પણ જીવન વેરવિખેર થઈ ગયું છે. આ વખતે તો શિયાળો ભારત સરકારના હવામાન વિભાગની મજાક ઉડાડવા માટે જ આકરો બનીને આવ્યો છે. હજુ તો ઈસુના નવા વરસે ઉત્તરાખંડ, બિહાર અને ઝારખંડમાં બરફના કરા સાથે વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાતમાં શિયાળાની રોનક જુદી જ છે. દૂર અંતરિયાળ વિસ્તારમાં ફાર્મ હાઉસ અને વાડીઓમાં ઊંધિયું, ઓળો અને રોટલાના કાર્યક્રમો મિત્રો-સગા-વહાલા ગોઠવે છે. ખેતરની બહાર ગાડીઓના કાફલા ખડકાય છે. સેવકો તાપણાં સરખા કરતા રહે છે. જેને શ્રીમંતાઈ સદી નથી અને વધારાનો રૂપિયો ઢોળાઈ જાય છે તેમની મહેફિલોમાં શરાબી રસાયણો ઉમેરાઈ જાય છે. ગુજરાતમાં નશાબંધીની વાત શીતકાળમાં પ્રસ્તુત છે કે નહીં એ ગુજરાત સરકારને પૂછવું પડે! હવામાન શાસ્ત્ર પ્રમાણે શિયાળાના દ્વિતીય ચરણની આ શરૂઆત છે. જેમને રોજનું કમાઈને રોજ રાંધવાનું છે એમને માટે આ કપરા દિવસો છે. 


Google NewsGoogle News