For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નવેસરનું મોસમ ચક્ર .

Updated: Apr 25th, 2024

નવેસરનું મોસમ ચક્ર                                       .

ભારતના એકલાની વાત નથી, આખી દુનિયામાં મોસમ પરિવર્તનનું ચક્ર ચાલી રહ્યું છે. ઋતુઓની નવેસરથી ગોઠવણ થવાની હોય એવું લાગે છે. હજારો વર્ષો પહેલા પશ્ચિમના દેશો પાસે પણ આપણા જેવી છ ઋતુઓનું વૈવિધ્ય હતું. હવે પશ્ચિમ ઉપર સમર અને વિન્ટરનું પ્રભુત્વ આવી ગયું છે. આપણે ત્યાં હવે હેમંત અને શિશિર - આ બંને ઋતુ વચ્ચે બહુ તફાવત રહ્યો નથી. એ જ રીતે વસંત અને ગ્રીષ્મ વચ્ચે પણ તફાવત નથી. છેલ્લા ચાર પાંચ વર્ષથી તો વસંતના વાયરા પહેલા જ સીધા જ ગ્રીષ્મ ઋતુના ઉષ્ણ પવનો શરૂ થઈ જાય છે. વિવિધ મોસમ પૃથ્વીના પ્રવર્તમાન પર્યાવરણ ઉપર આધારિત છે. કુદરતના પરસ્પરાવલંબિત વાતાયનમાંથી જ એ ઘડાય છે. આપણે જેની બિલકુલ દરકાર રાખી જ નથી એ પ્રકૃતિ હવે રંગ બદલી રહી છે.

લાખો વનસ્પતિઓ એવી છે જે છેલ્લા દસ વરસમાં નામશેષ થઈ ગઈ છે. હજુ વિનાશનો એ ક્રમ ચાલુ જ છે. કેટલીક ઔષધીય વનસ્પતિ ચન્દ્રવંશી હોય છે. એ ચન્દ્રમાંથી વિશેષ પોષણ મેળવે છે. હવે એવી વનસ્પતિઓ પણ લુપ્ત થવા આવી છે. મનુષ્યના ભોગવાદી અભિગમથી કુદરતના વૈભવને આંચ આવી છે. એના પ્રત્યાઘાત રૂપે જ મહામારી અને અરાજકતા છવાઈ જાય છે. દુનિયાના કોઈ પણ દેશના સામાન્ય મનુષ્યને પર્યાવરણ અંગે કોઈ જાગૃતિ કે રસ નથી એ હકીકત છે. માણસ જાતને પર્યાવરણ અંગે જગાડવા માટે અગાઉ ઢોલ નગારાં બહુ વગાડવામાં આવ્યા છે પણ એનું પરિણામ સાવ નહિવત્ છે.

કુદરતનો ક્રમ બદલાયેલો છે. બહુ બારીક નજરે જોશો તો ખ્યાલ આવશે કે કેટલાક વૃક્ષો કોઈ પણ કારણ વિના સૂકાઈ ગયા છે, જાણે કે બળી ગયા ન હોય! ગુજરાતનાં જંગલોમાં થોડા થોડા અંતરે વૃક્ષ સૂકાઈ ગયેલા જોવા મળે છે. આમ થવાનું રહસ્ય કોઈ જાણતું નથી. આ એક નોટિસ છે. જો મનુષ્ય એને ધ્યાનમાં નહીં લે તો કુદરત વધુ કોપાયમાન થઈ શકે છે. એકવીસમી સદીનો આ ત્રીજો દાયકો ચાલુ થયો ત્યારથી આખી પૃથ્વી પર પ્રાકૃતિક ઉત્પાત જોવા મળે છે.

તમામ મોસમ વેરવિખેર થઈ ગઈ છે. મોસમનો મૂળ સ્વભાવ અને ચરિત્ર વિચ્છિન્ન થઈ ગયા છે. ઈ. સ. ૨૦૨૦ના નવા દાયકાની શરૂઆત જ હજારો-લાખો એકરના સળગતાં જંગલો વચ્ચે થઈ હતી. પચાસ હજાર ચોરસ કિલોમીટરની આગથી થયેલા નુકસાનનો હિસાબ કરતા ઓસ્ટ્રેલિયન સરકારને એક વરસ લાગ્યું હતું. સહેજ પણ ચિંતા વિના લોકો જિંદગી પસાર કરે છે. જે ચિંતા છે તે પોતાની અંગત છે. પર્યાવરણની નથી.

ગ્લોબલ વોર્મિંગનો તો અર્થ જ એ છે કે ખૂબ જ ઠંડી અને અસહ્ય ગરમી. અત્યારે અરબી સમુદ્ર પર જે ઝંઝાવાતે આકાર લીધો છે એની દિશા સતત ફરતી રહી છે. અણધારી આપત્તિનો આ અણસાર છે. આગાહીઓ ઉપરાઉપરી ખોટી પડી રહી છે. મોસમનો આહલાદ હવે બધા માણી શકે એમ નથી. કુદરતે તેના તમામ સર્જનોમાં મનુષ્યને મુઠી ઉંચેરુ સ્થાન આપતાં તેને બુદ્ધિરૂપી વિશેષતા બક્ષી છે. આ જ બુદ્ધિને બળે મનુષ્ય પોતાને માટે, કુદરતનાં તમામ સર્જનોને માત્ર ને માત્ર પોતાની ભૌતિક સુખ-સુવિધાના સાધનો જ માનતો આવ્યો છે. તેને વિના મૂલ્યે મળેલી અમૂલ્ય પ્રાકૃતિક સંપદાના વપરાશમાં તે કોઈ પ્રમાણભાન જાળવી શક્યો નથી.

જેના કારણે કુદરતનું જે ચક્ર અત્યાર સુધી એક મંથર ગતિએ ચાલી રહ્યું હતું, તેમાં હવે થોડા થોડા અંતરાયો આવવા માંડયા છે. રૌદ્ર એ પણ કુદરતનું એક સ્વરૂપ છે. પોષતું તે જ મારતું એવું બ્રહ્મ-સનાતન સત્ય જાણે આવનારા ભવિષ્યની વાસ્તવિકતા બનીને આજે સમસ્ત માનવ સમાજની સામે આવીને ઉભું છે. જે પ્રકારે ઘરવપરાશના યંત્રોની પણ સમયાંતરે જાળવણી કરવામાં ન આવે તો, જે સ્થિતિ સર્જાય છે, તેવી જ સ્થિતિ હાલ વૈશ્વિક વાતાવરણમાં જોવા મળી રહી છે.

હવાના બદલાયેલા રુખ અને પ્રકૃતિના મિજાજમાં આવેલા પરિવર્તનને પામી ગયા પછી સમયવર્તે સાવધાન થવાની આ ઘડી છે. કેલેન્ડરમાં દેખાતા મહિનાને અને વાતાવરણ વચ્ચેની સંગતતા હવે ખૂબ જ ઓછી જોવા મળશે. ક્યારેક અનરાધાર વરસાદ, તો કદીક અચાનક જ ઘેરી વળતી કાતિલ ઠંડી અને તડાતડ પડતા કરાને જોઈને ઘણી અનુભવી આંખો આશ્ચર્યથી પહોળી થઈ જતી હોય છે. રણ પ્રદેશમાં નદીઓ વહી જાય તેટલો વરસાદ અને લીલાછમ્મ વિસ્તારનું ધૂળિયા રંગમાં રૂપાંતર એ વાતનો સંકેત છે કે કુદરતે હવે મનુષ્ય સાથેનો તેનો હિસાબનો ચોપડો ખોલી નાખ્યો છે. ઠંડીએ ગયા વરસે દિલ્હીમાં છેલ્લા સવાસો વરસના ઈતિહાસનો નવો વિક્રમ રચી આપ્યો હતો.

Gujarat