Get The App

વનવાસીઓનું સરકારી સંકટ .

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
વનવાસીઓનું સરકારી સંકટ                                   . 1 - image


બ્રિક્સ સમિટ, ઇઝરાયેલનું યુદ્ધ, કેનેડા-ભારત વિવાદ, સ્ટોક માર્કેટની ગતિવિધિઓ જેવા મોટા સમાચારો વચ્ચે દેશના અમુક સમાચારો દબાઈ જતા હોય છે અથવા તો તેને નાના ન્યૂઝ ગણીને અવગણવામાં આવતા હોય છે. ભારત દેશ બહુ વિશાળ છે અને તેના જુદા જુદા પ્રદેશમાં વસતા લોકોની સમસ્યા અલગ હોય છે. ઊર્મિલા સરદાર છેલ્લા ચાલીસ વર્ષથી સુંદરવનમાં રહેતી સ્ત્રી છે. તેની નજર સામે એ અભ્યારણના એક વાઘે એના પતિને મારી નાખ્યો હતો અને તે જોતાં રહી ગયા હતાં. છતાં પણ તેમણે પોતાના નિવાસની જગ્યા છોડી નથી અને હજુ પણ દરરોજ એ જ જગ્યાએ કરચલા પકડવા જાય છે. નમ્મા થાયી મન્નારની ખાડીમાં રહે છે. તેઓ સી-વીડ એટલે કે શેવાળનું હાર્વેસ્ટીંગ કરીને ગુજરાન ચલાવે છે. એક સમયે તેઓ ટાપુ ઉપર એકલા પડી ગયાં હતાં અને તેમણે એક બાળકને જન્મ આપવો પડેલો. સમુદ્રના તોફાનને લીધે તેઓ એક અઠવાડિયા સુધી ત્યાં ફસાયેલા રહ્યા. એંશી વર્ષની ઉંમરે પણ તેઓ સમુદ્રમાં ડૂબકી મારી છે અને સી-વિડ એકત્ર કરે છે.

આ સ્ત્રીઓએ વર્ષો સુધી પોતાનું આ કામ ચાલુ રાખ્યું છે, કારણ કે તેઓ પાસે ગુજરાન ચલાવવા માટે બીજો કોઈ સ્રોત નથી. છેલ્લાં થોડાં વર્ષોથી તેઓને ગુજરાન ચલાવવું આકરું પડી રહ્યું છે, કારણ કે તેઓ જે વિસ્તારમાં રહે છે તે પ્રદેશ સરકારી કાયદા હેઠળ આરક્ષિત થઈ ગયા છે. સુંદરબન ટાઈગર રિઝર્વ અને ગલ્ફ ઓફ મન્નાર મરીન નેશનલ પાર્ક હવે આરક્ષિત જગ્યા છે અને સરકારે ત્યાં કોઈ પણ જાતની ગતિવિધિ અટકાવી દીધી છે. આવી ઘણી સ્ત્રીઓનું ગુજરાન અટકી પડયું. આ પ્રદેશમાં વસતા પુરુષોને ઘણી તકલીફ પડી પરંતુ તેઓએ બીજું કામ શોધી લીધું. પરંતુ સ્ત્રીઓ પાસે બીજો કોઈ વિકલ્પ નથી. તેમને બધા સ્રોત જંગલો પૂરા પાડે છે ને સરકાર તેમને જંગલમાં પ્રવેશ કરવાની જ મનાઈ ફરમાવે તો કઈ રીતે જીવન પસાર કરી શકાય? 

દેશનો ચાલીસેક ટકા વિશાળ મેન્ગ્રોવ જંગલો ધરાવતો સુંદરવનનો ડેલ્ટા પ્રદેશ ગંગા અને બ્રહ્મપુત્ર નદીના નદીમુખ પાસે બને છે. ૧૦૨ ટાપુ ધરાવતા આ વિશાળ પ્રદેશમાં અડધોઅડધ ટાપુ ઉપર માનવવસ્તી છે. આ સમુદાયો જંગલો ઉપર જ પોતાના જીવનનો આધાર રાખે છે. પચીસેક લાખ લોકો આ આરક્ષિત વિસ્તારમાં કે તેની આસપાસ રહે છે. વાઘની વસતી વધતા માણસ અને વાઘના આમને સામને થવાના કિસ્સાઓ વધતા રહે છે. જંગલ અને તેમાંથી વહેતી નદીઓ કે ઝરણામાંથી આ લોકો માછલી અને કરચલા મેળવતા હોય છે. તે ઉપરાંત જંગલમાંથી ફળો, લાકડું અને મધ મેળવીને તેનો પણ નાનો મોટો વેપાર કરતા હોય છે.

ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે સતત ઘર્ષણમાં આવતા હોવાના કારણે ત્યાંની પ્રજાની માંગણી છે કે 'ફોરેસ્ટ રાઈટ એક્ટ ૨૦૦૬' નો અમલ કરવામાં આવે. અહીંની સ્ત્રીઓએ લાંબી લડત આપ્યા પછી તેમને માંડ બળતણ માટેનું લાકડું એકત્ર કરવાની મંજૂરી મળી છે. હજારેક જેટલી સ્ત્રીઓને બાયોમેટ્રિક ઓળખપત્રો મળ્યા છે. જે સ્ત્રીઓ વાઘના આક્રમણને કારણે વિધવા થઈ છે તેને રાહત રકમ પણ મળી છે. અહીં વસતા લોકોની સંખ્યા લાખોમાં છે. તેમની રોજગારીનો પ્રશ્ન મોટો છે. પેઢી દર પેઢી જંગલ જ તેમને આજીવિકા રળી આપતું હતું. હવે સરકારે આ લાખો લોકોના પુનર્વસન કે આજીવિકા માટે એક નક્કર પગલું ને મોટો પ્રોજેક્ટ અમલમાં મૂકવો પડશે.

મન્નારની ખાડી ભારતનો એકમાત્ર સમુદાય વસે છે જે સી-વીડ હાર્વેસ્ટ કરે છે. સમુદ્રમાં ડૂબકી લગાવવી એ સામાન્ય ભારતીય માટે એક સાહસિક પ્રવૃત્તિ હોઈ શકે પરંતુ અહીંના લોકો માટે તે જોખમી કાર્ય રૂટિન બન્યું છે, કારણ કે તેમાંથી જ તેમનું ગુજરાન ચાલે છે. ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી આ ખાડી હિન્દી સમુદ્રનું પ્રવેશદ્વાર પણ કહેવાય છે. ૧૩૭ જેટલી જુદી જુદી જાતિના કોરલ રીફ અહી થાય છે માટે આ જગ્યા અન્ડર વોટર ટ્રોપિકલ ફોરેસ્ટ તરીકે પણ ઓળખાય છે. ૧૪૭ જેટલી જાતિની સી-વિડ અહી ઉગે છે જેમાંથી અમુક જાતિ એવી છે જે જગતમાં બીજે ક્યાંય જોવા મળે નહી. ૧૯૮૬થી આ પ્રદેશના આરક્ષિત કરવાની શરૂઆત થઈ હતી.

ઈ. સ. ૧૯૮૯માં તે પ્રદેશને તે સમયની સરકારે સંપૂર્ણ આરક્ષિત કર્યો. સી-વીડનો બધો કારોબાર માત્ર સ્ત્રીઓના હાથમાં છે. પૈસો અને સત્તા તે સમુદાયની સ્ત્રીઓ ભોગવી શકે છે પણ તેના માટે રોજ જીવનું જોખમ લગાવીને કોઈ જ સુરક્ષાના સાધનો વિના સમુદ્રમાં ડૂબકીઓ લગાવવી પડે છે. ઈ. સ. ૧૯૯૨ માં સરકારે આ સમુદાયનું પુનર્વસન શરૂ કર્યું. ત્યાંના લોકોનું કહેવું છે કે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ તેમની ઉપર ઘર છોડીને બીજે જવા માટે ગેરકાયદેસર દબાણ કરી રહ્યા છે. પેઢી દર પેઢી ચાલ્યો આવતો વ્યવસાય જોખમમાં મુકાયો છે.


Google NewsGoogle News