વિદ્યાક્ષેત્રનું નિરંતર પતન .
દુનિયાભરની શિક્ષણ વ્યવસ્થા તબક્કાવાર ભાંગી પડી છે, પરંતુ નવાઇની વાત એ છે કે સર્વ શૈક્ષણિક પ્રણાલિકાઓ ધ્વસ્ત થવાની હકીકતનો સ્વીકાર કરતાં તો આપણને હજુ વરસો પસાર થઇ જશે. ડોનલ્ડ ટ્રમ્પના આગમન પછી અમેરિકન વિદ્યાવિશારદો કંપન અનુભવી રહ્યા છે. દુનિયાના જે દેશો શિક્ષણના અધઃપાતને ઝડપથી સમજે છે તેઓ કદાચ બચી જવાના છે. ભારતમાં તો લાખોની સંખ્યામાં એવી શાળાઓ છે કે જે ઈ. સ. ૧૯૬૦માં જેવી હતી એવી જ અત્યારે છે. ગુજરાતમાં તો ૯૦ ટકા શાળાઓ એવી છે જે સંપૂર્ણ રીતે જૂની ઢબછબમાં ચાલે છે. એમાં કામ કરતા શિક્ષકો ખુદ કંટાળી જાય છે અને તેઓ જાણે છે કે તેઓ શું કરી રહ્યા છે. તેઓ પોતાના ઘરે એન્ડ્રોઈડ મોબાઈલમાં રમે છે અને સવારના નોકરી પર જાય છે ત્યારે વિદ્યાર્થીઓ સામે પાઠયપુસ્તકમાં હાથમાં રાખીને બોલ બોલ કરે છે. તટસ્થ દર્શકને સ્થળે ઉપસ્થિત રાખો તો કહી શકે કે આ પ્રવૃત્તિ જેલની સજાથી વિશેષ કંઈ નથી.
જે શિક્ષકો પોતાના વ્યક્તિગત જીવનમાં લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે એ જ શિક્ષકો સરકારના ઊંચા પગાર લઈને પોતાના વિદ્યાર્થીઓ, કે જેઓ પરોક્ષ રીતે તો તેમના અન્નદાતા છે, એમને બીબાંઢાળ પદ્ધતિઓ દ્વારા ભણાવીને રીતસર છેતરે છે. ક્યાંક કોઈ જાદુગર જેવો મનમોજીલો માસ્તર પોતાની વાતને રસિકતાના પડ ચડાવીને વિદ્યાર્થીઓનો પોતે જ જનક હોય એવા વાત્સલ્યથી ભણાવતો હોય તો એ મઝા તો કંઈ ઔર છે. આપણા સમાજમાં એવા શિક્ષકો ક્યાં છે અને કેટલા છે કે જેને તેમના વિદ્યાર્થીઓ ઘરે ગયા પછી પણ યાદ કરતા હોય અને એ શિક્ષક જ્યારે રજા રાખે ત્યારે વિદ્યાર્થીઓને આંચકો લાગતો હોય?
નવા હવામાનમાં પોતાના અસ્તિત્વને ચિરંતન રાખવામાં શિક્ષકો અને અધ્યાપકો નિષ્ફળ જવા લાગ્યા છે. શાળાઓએ આપેલા લાંબા ઉતારાઓ એટલે કે તથાકથિત હોમવર્ક કરાવવા માટે દરેક વાલીઓ પોતાના સંતાનો સાથે એવું વર્તન કરે છે જાણે કે માતૃત્વ અને પિતૃત્વ પ્રાપ્ત કરતાં પહેલાં એ દંપતીએ પોલીસ ટ્રેઇનિંગ એકેડેમીમાં તાલીમ ન લીધી હોય! દંપતી ખુદ જાણે છે કે શાળાઓ ગમે તેવી બ્રાન્ડેડ હોય પણ એની પ્રણાલિકાઓ તો દાદા આદમના જમાનાની 'ધૂળી નિશાળ' જેવી જ છે. આને કારણે આપણે કેવા આવતીકાલના નાગરિકો તૈયાર કરી રહ્યા છીએ? આ એવા વિદ્યાર્થીઓ છે કે જેઓ પચીસ વરસના થયા ત્યાં સુધી એમને એક પણ વાર એ વિચાર આવ્યો નથી કે આજે હું મારી મમ્મીને રસોઈ કરવામાં મદદ કરું કે શાક સુધારી આપું કે થોડા કપડાં સૂકવી આપું અથવા સૂકાયેલા કપડાંને સંકેલી આપું. ઘરમાં ઇસ્ત્રી હોવા છતાં જેઓ બહાર ઇસ્ત્રી કરાવે છે એ આ બેરોજગારોનો સમુદાય છે. આ એવા નવોદિત નાગરિકોનો સમુદાય છે કે જે આપણી આખી સામાજિક વ્યવસ્થા અને કૌટુંબિક પરંપરાઓનો વ્યાવહારિક ભાર ઉપાડી શકે એમ નથી. એ તો અત્યારે જ દેખાય છે, પરંતુ એની અસર હજુ પૂરતી દેખાતી નથી, કારણ કે પાછલી પેઢીના ટેકામાં બધું ચાલે છે.
પરંતુ આ બધાની વચ્ચે એક વર્ગ એવો છે જેણે સ્કૂલ સિસ્ટમના પતનને સ્વીકારીને પોતાની અલગ દુનિયા વસાવી લીધી છે. એ એવા વિદ્યાર્થીઓનો નાનકડો સમૂહ છે જે દરરોજ જાતે જ પોતાને અપગ્રેડ રાખે છે અને સતત વિશ્વના છેલ્લામાં છેલ્લા પ્રવાહોમાં તરતા સોનેરી અને રૂપેરી મત્સ્યનો સાક્ષાત્કાર કરતા રહે છે. એને શાળા અને કોલેજની કંઈ પડી નથી. બહારથી આપવા ખાતરનું માન તેઓ શિક્ષકોને આપે છે પણ એમને પ્રતીતિ છે કે શિક્ષકો જ્ઞાાનક્ષેત્રમાં કેટલા રંક અને દયાપાત્ર છે. પોતાના વિષયના એક્કા થઈ ગયેલા આ વિદ્યાર્થીઓ એલેક્સા અને ગુગલના ભાઈબંધો છે. એલેક્સા એક ઈકો ડિવાઇસ છે અને એક રીતે જુઓ તો એ ગૂગલનો નવ્યાવતાર છે. આ અદભુત ખજાનાઓ છે. ગુગલ આંગળીને ટેરવે છે તો એલેક્સા જીભને ટેરવે છે.
આ વિદ્યાર્થીઓ દિવસ રાત વારંવાર યોગ્ય પદ્ધતિથી અને ચોક્કસ પ્રકારની વેબમાઈનિંગ કળાથી જ્ઞાાનના વિરાટ સાગરમાં ડૂબકી ઉપર ડૂબકી લગાવે છે. તેમને આઠેય પહોરનો આનંદ છે, કારણ કે બહુ એડવાન્સમાં તેઓ પોતાના ભવિષ્યને આકાર આપવાની રસપ્રદ મથામણમાં છે. શાળા અને કોલેજો કે જે માહિતી યાદ રખાવવા અને પછી એના પરીક્ષણથી મનુષ્યનું ગુણાંકન કરવાના તબેલાઓ ચલાવે છે એનો ઘા કરીને આ નવા વિદ્યાર્થીઓના સમૂહે એકલવ્યની જેમ જ અઠંગ વિદ્યોપાસના આરંભેલી છે. આ એક એવી પેઢી સમાંતર તૈયાર થઈ રહી છે કે જે આપણી આ વહાલી વસુંધરા માટે આશાનું અત્યંત ઉજ્જ્વળ કિરણ છે. પેલી જે કહેવાતી અમર આશા છે તે હવે એલેક્સા અને ગુગલના ભાઈબંધ થઈ ગયેલા યુવાઓના મસ્તિષ્કમાં કલગીની જેમ શોભે છે.