યુદ્ધ એ જ કલ્યાણ .
ભારતીય ઉપખંડમાં શાંતિ કદી ન જળવાય એ માટેનું એક અઘોષિત યુદ્ધ પાકિસ્તાન છેલ્લા ચાર દાયકાથી લડે છે. દગાબાજીથી હુમલો કરવાની વ્યવસ્થાને જ ખરેખર તો આતંકવાદ કહેવામાં આવે છે. આતંકવાદ હવે તો દુનિયાના અનેક દેશો પર લટકતી અનિશ્ચિતતાની તલવાર છે, જેનાથી આતંકવાદનું હિમાયતી ખુદ પાકિસ્તાન પણ મુક્ત નથી. પાકિસ્તાનને સહુ આતંકવાદી રાષ્ટ્ર તરીકે જ ઓળખે છે. પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો અને ૨૮ લોકોની હત્યાની ઘટના કંઈ પહેલવહેલી નથી. જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની ડેટાબેન્ક બહુ લાંબી છે. ભારત સરકાર આદિ કાળથી કાશ્મીરમાં શાન્તિની હવા ફેલાવે છે જે ખરેખર હોતી નથી. સરેરાશ એક પછી એક ભીષણ હુમલાઓને અંજામ આપવામાં આતંકવાદીઓ સફળ નીવડતા જાય છે અને સરકાર નીતિગત વારતાઓ કરે છે.
મિસ્ટર મોદીના સત્તાકાળમાં પણ ભારતના એ દુર્ભાગ્ય છે કે પાકિસ્તાન પર જે કંઈ કાર્યવાહી થઈ એ જવાબી કાર્યવાહી જ થઈ. સવાલી કાર્યવાહી એટલે શું એ તો મોદી સરકારને પણ કોંગ્રેસની જેમ ખબર નથી. એક માત્ર ઈન્દિરા ગાંધી અને એક માત્ર ફિલ્ડ માર્શલ જનરલ માણેકશા સિવાય ભારતીય પ્રજાની વીરતાનો જગતને પાકિસ્તાનના પાટનગરમાં પરિચય મળે એવો ઘટનાક્રમ ફરી જોવા મળ્યો નથી. આજે પરિસ્થિતિ એ છે કે ઈઝરાયેલના રાજદૂતના આશ્વાસનની ભારતને જરૂર પડે છે. અને સરકાર એને મીડિયામાં વધુ પ્રસારિત કરે છે. સોશિયલ મીડિયા કે ટીવી ચેનલો પરની બૂમાબૂમ અને લખાપટ્ટી કાશ્મીરમાં જેઓએ જિંદગી ગુમાવી છે એમના આત્માઓને શીતળતા આપી શકે એમ નથી.
અલબત્ત, અત્યારે જે સમય પસાર થઇ રહ્યો છે તેમાં પાકિસ્તાનને રાજદ્વારી રીતે સમગ્ર દુનિયાથી અલગ કરવાના ભારત સરકારના પ્રયાસો ચાલુ જ રહ્યા છે, જે પાકિસ્તાન સાથેના સંભવિત યુદ્ધ પહેલાનું આંતરરાષ્ટ્રીય લોબિંગ છે અને એ અનિવાર્ય પણ છે. પરવેઝ મુશર્રફ, નવાઝ શરીફ અને ઈમરાને પાકિસ્તાનને ખંડેર બનાવવામાં જે કામ બાકી રાખ્યું તે હવે શેહબાઝ શરીફ પૂરું કરી રહ્યા છે, કારણ કે આ એક વિલાસી વડાપ્રધાન છે. તેમની દિનચર્યા ગુપ્ત હોય છે. વડાપ્રધાનના સત્તાવાર કાર્યાલયમાં તેઓ નિયમિત રીતે અનિયમિત છે. પ્રધાનો અને સચિવો ફાઈલો લઈને એમના નિવાસસ્થાને હરોળમાં બેઠેલા જોવા મળે છે. એમના પદનું લાંબુ આયુષ્ય નથી, કારણ કે પાકિસ્તાન જેવા વિચલિત દેશમાં આંતરિક શત્રુઓ ઓછા નથી.
ઈરાને છેલ્લાં બે-ચાર વરસથી ભારત સાથે સંબંધો વિકસાવ્યા હોવા છતાં અનેકવાર કાશ્મીર સંબંધિત મામલાઓમાં એણે ભારત સરકાર વિરુદ્ધ ઉચ્ચારણો કર્યા છે અને એ દૌર નિયમિત રાખેલો છે. પરંતુ પાકિસ્તાનના જૈશ-અલ-અદ્દલે કરેલા હુમલામાં ૨૭ ઈરાની સૈનિકો શહીદ થયા એટલે ઈતિહાસમાં પહેલીવાર ઈરાને કાશ્મીર અંગે ભારત સરકારની તરફેણનાં નિવેદનો ચાલુ કર્યા હતાં, એટલું જ નહીં, પાકિસ્તાન સામે વેર લેવાની ઉતાવળ જેટલી ભારતને છે, એટલી જ ઈરાનને પણ છે. અફઘાનિસ્તાન તો પોતાને ત્યાં ફેલાયેલા આતંકવાદના મુખ્ય ખલનાયક તરીકે પાકિસ્તાનને જ જુએ છે. તાલિબાનો પાકિસ્તાનના આતંકવાદીઓને અનેક વાર સરહદ ઓળંગતી વખતે ઠાર કરી ચૂક્યા છે.
પાકપ્રજા વર્ષો સુધી અમેરિકાને જ પોતાના ગોડફાધર માનતી હતી. હવે પાકિસ્તાનનું ગોત્ર પરિવર્તન થઇ ગયું છે અને તે ચીનના ખોળે રમવા લાગ્યું છે. આ બહુ લાંબી પ્રક્રિયા છે. આવનારા પાંચ-સાત વરસ પાકિસ્તાને અમેરિકા સાથે વિખૂટા પડતી વેળાના અનિવાર્ય સંઘર્ષમાં ઉતરવાનું થશે. એની શરૂઆત અમેરિકાના એ કબૂલાતનામાથી થઇ ગઇ છે જેમાં અમેરિકા અબજો ડોલર પાક તરફ વહાવીને છેતરાયું હોવાની વાત છે. ગઇ સદીના છઠ્ઠા દાયકામાં એટલે કે ૧૯૫૦ પછી અમેરિકાએ પાકિસ્તાનમાં પોતાનાં હિતો જોવાની શરૂઆત કરી. એનું મુખ્ય કારણ અમેરિકાની રશિયા સાથેની દુશ્મનાવટ. અમેરિકાએ પાકિસ્તાનને આર્થિક અને લશ્કરી સહાય કરવાની શરૂઆત કરી. આજે અમેરિકા પસ્તાવો કરે છે. આંતરરાષ્ટ્રીય સમુદાયમાં અમેરિકા હવે ઢમક ઢોલકી છે. એનો વિશ્વાસ કોઈ કરતું નથી. યુક્રેન યુદ્ધ પછી અમેરિકાની વિશ્વસનીયતા ધ્વસ્ત થઈ ગઈ છે. તાઈવાન પર અત્યારે ચીન દ્વારા ઘેરાવો છે છતાં અમેરિકા ચૂપ છે.
અફઘાનિસ્તાન-પાકિસ્તાનની સરહદે એરેબિક લિપિમાં એવાં બેનર દેખાયાં છે કે એક અફઘાની સૈનિક, સો પાકિસ્તાનીને ભારે પડશે. પહેલા રશિયાના હાથે, પછી તાલિબાનો દ્વારા અને એના પછી અમેરિકન સૈન્યના હાથે વિચ્છિન્ન થયેલા અફઘાનિસ્તાનના સૈન્યમાં આગની જે જ્વાળાઓ હવે ભભૂકી રહી છે તે પણ મોકો મળતાવેંત પાકિસ્તાનને ભારે પડશે એમાં કોઇ શંકા નથી.