કેનેડાનો રાગ પાકિસ્તાન .
તાજેતરની ઘટનાઓએ સવાલો ઉભા કર્યા છે કે શું ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધો ભારત અને પાકિસ્તાન વચ્ચેની દિશામાં આગળ વધી રહ્યા છે? કેનેડાએ ભારતીય અધિકારીઓ પર હરદીપ સિંહ નિજ્જરની હત્યાની સંડોવણીનો આરોપ મૂક્યા પછી બંને દેશે છ રાજદ્વારીઓને હાંકી કાઢયા. આ નાટકીય ઘટનાક્રમ બાદ નવી દિલ્હી અને ઓટાવા વચ્ચેના સંબંધોમાં ભારે વળાંક આવ્યો છે. બંને દેશોએ તેમના રાજદ્વારી સંબંધોને ડાઉનગ્રેડ કર્યા છે, ભારતે તેના રાજદ્વારીઓની સુરક્ષા અંગે ચિંતા દર્શાવીને કેનેડામાંથી તેના ઉચ્ચ કમિશનરોને પાછા બોલાવ્યા. કેનેડાએ છ ભારતીય રાજદ્વારીઓને હાંકી કાઢીને જવાબ આપ્યો અને એવો દાવો કર્યો કે નિજ્જરની હત્યા સાથે તેમને જોડવા માટે પૂરતા પુરાવા છે. ભારતે આ દાવાઓને 'બેબુનિયાદ' ગણાવીને ફગાવી દીધા અને કેનેડાની સરકાર પર લોકલ વોટ બેંકની રાજનીતિને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો છે.
ભારત અને કેનેડાએ જે રીતે પોતપોતાના દેશમાંથી બીજા દેશના રાજદ્વારીઓને અલવિદા કહ્યું એ જ રીતે આતંકવાદ અને અન્ય સુરક્ષા મુદ્દાઓ પર તણાવને પગલે ભારતે ૨૦૨૦ માં પાકિસ્તાનમાં તેની રાજદ્વારી હાજરી ઘટાડી નાખી હતી. કેનેડાની પરિસ્થિતિ હવે સમાન પેટર્નને અનુસરતી હોય તેવું લાગે છે, જેમાં દરેક પક્ષ બીજાના દેશમાં તેના રાજદ્વારી પદચિહ્નને ઘટાડે છે. ભારતે લાંબા સમયથી કેનેડા પર તેની ધરતી પર કાર્યરત ખાલિસ્તાની અલગતાવાદીઓ સામે આંખ આડા કાન કરવાનો આરોપ લગાવ્યો છે અને પાકિસ્તાન પર આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ પણ લગાવ્યો છે. ભારતીય અધિકારીઓ દાવો કરે છે કે કેનેડાએ પ્રત્યાર્પણની બહુવિધ વિનંતીઓને અવગણી છે અને ભારતમાં વિવિધ ઘટનાઓ સાથે જોડાયેલા ખાલિસ્તાની જૂથો સામે કોઈ પગલાં લીધા નથી.
ભારતીય અધિકારીઓએ એવી દલીલ કરી હતી કે ખાલિસ્તાન તરફી તત્વોને કેનેડાનું સમર્થન બળવાખોરીને વેગ આપી રહ્યું છે. ભારતે વર્ષોેથી કેનેડાની બધી સરકારોને સતત વિનંતી કરી છે. ભારતને નુકસાન કરે તેવા હિંસક તત્વો વિરુદ્ધ પગલાં ભરવાનું કહ્યું છે. પણ ટ્ડોની સરકાર ભારતવિરોધી તત્વો પર કોઈ પગલાં લેતી નથી. ૨૦૧૮ માં જસ્ટિન ટ્રુડોએ ભારતની મુલાકાત લીધી હતી ત્યારે વિવાદ થયો હતો. એક ભૂતપૂર્વ ખાલિસ્તાની આરોપીને કેનેડિયન હાઈ કમિશને ડિનર ઉપર બોલાવ્યો હતો. નિષ્ણાતો માને છે કે કેનેડાના વલણને પ્રભાવિત કરતું સ્થાનિક રાજકારણ એક મહત્વપૂર્ણ પરિબળ છે. વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો પ્રભાવશાળી શીખ સમુદાયનું સમર્થન મેળવવા માંગતા જોવા મળે છે, જેમાં ખાલિસ્તાન તરફી તત્વો પણ સામેલ છે. ખાલિસ્તાની તરફી મંતવ્યો વ્યક્ત કરનાર જગમીત સિંહની આગેવાની હેઠળની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી પર તેમની નિર્ભરતા કેનેડાના અભિગમને પ્રભાવિત કરી રહી હોવાનું માનવામાં આવે છે. આ પાકિસ્તાન સાથે સમાનતા ધરાવે છે, જ્યાં સ્થાનિક રાજકારણ ઘણીવાર ભારત સંબંધિત વિદેશ નીતિના નિર્ણયો નક્કી કરે છે.
જેમ પાકિસ્તાનને સતત અમેરીકાનો ટેકો મળી રહે છે એ જ રીતે કેનેડાને પણ યુએસએનો ખભો મળી રહ્યો છે. તાજેતરના અહેવાલો સૂચવે છે કે વોશિંગ્ટન અને ઓટાવા બંનેએ નિજ્જરની હત્યામાં કથિત સંડોવણી વિશે ભારતને આરોપી તરીકે જુએ છે. અમેરીકાની આ ચાલબાજીને કારણે તણાવ વધી રહ્યો છે. કેટલાક ભારતીય અધિકારીઓ આ સમન્વયિત અભિગમથી પ્રભાવિત થયાની લાગણી અનુભવે છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ભારત-કેનેડાના વર્તમાન સંબંધો પાકિસ્તાન સાથેના ભારતના તણાવપૂર્ણ સંબંધો જેવા થઇ રહ્યા છે. કેનેડા ભારત માટે નવું પાકિસ્તાન બની ગયું છે! ભૂતપૂર્વ રાજદ્વારી ગૌતમ બમ્બાવાલેએ જણાવ્યું હતું કે રાજદ્વારીઓની હકાલપટ્ટી તેમની સુરક્ષાની ખાતરી આપવામાં કેનેડાની અસમર્થતા અંગે ભારતની ચિંતા દર્શાવે છે.
ટ્રુડો ચૂંટણી જીતવા માટે કેનેડાના કોઈ મોટા વર્ગને નારાજ કરી શકે એમ નથી. માટે તે હિંસક જૂથો વિરુદ્ધ ગળું ખોંખારીને બોલવાના નથી. આમ પણ ટ્રુડોની લોકપ્રિયતા ઘટી રહી છે. કેનેડાની લિબરલ પાર્ટીનો આધાર ન્યુ ડેમાક્રેેટિક પાર્ટીના સહકાર ઉપર છે જેનું નેતૃત્વ જગમિત સિંઘ કરે છે. તે માણસ અલગાવ વાદી ચળવળ સાથે સીધો જોડાયેલો છે.