સર્વેક્ષણનું ઉજ્જ્વળ ચિત્ર .
કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામને સોમવારે લોકસભામાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે આર્થિક સર્વે રજૂ કર્યો. આર્થિક સર્વેક્ષણ ૨૦૨૩-૨૪માં દેશની અર્થવ્યવસ્થામાં ૬.૫ થી ૭ ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે. ચાલુ નાણાકીય વરસમાં સામાન્ય ચૂંટણીઓ આવી હોવાથી અર્ધવાર્ષિક સમયગાળો પસાર થઈ ગયા પછી રજૂ થયેલા આ સર્વેક્ષણમાં વીતેલી વેળાના આધારો અધિક સ્પષ્ટ હોવાથી આ સર્વેક્ષણ વધુ વિશ્વસનીય નીવડે છે. આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક આર્થિક ચિત્ર અનિશ્ચિત હોવા છતાં, સ્થાનિક વૃદ્ધિના ચાલકોએ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં આર્થિક વૃદ્ધિને ટેકો આપ્યો છે. સર્વે મુજબ ભારતીય નાણાકીય ક્ષેત્રનો દ્રષ્ટિકોણ ઉજ્જવળ રહેશે. આર્થિક સર્વે એ કેન્દ્રીય બજેટ પહેલાં સરકાર દ્વારા રજૂ કરાયેલ વાર્ષિક દસ્તાવેજ છે, જે અર્થતંત્રની સ્થિતિની નિષ્પક્ષ સમીક્ષા પ્રદાન કરે છે.
નાણા મંત્રાલયમાં આર્થિક બાબતોના વિભાગના આર્થિક વિભાગ દ્વારા આર્થિક સર્વે તૈયાર કરવામાં આવે છે. તે મુખ્ય આર્થિક સલાહકારની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવે છે. આર્થિક સર્વે સરકારને દેશની આર્થિક સ્થિતિની અવધારણા આત્મસાત કરવામાં મદદ કરે છે. આ વર્ષે, મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરનની આગેવાની હેઠળની એક ટીમ દ્વારા આર્થિક સર્વે તૈયાર કરવામાં આવ્યો છે. દેશમાં પ્રથમ વખત નાણાકીય વર્ષ ૧૯૫૦-૫૧માં આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતથી જ તેને બજેટની સાથે રજૂ કરવામાં આવતું હતું. વર્ષ ૧૯૬૪ પછી, તે બજેટથી અલગ થઈ ગયું અને ત્યારથી તે બજેટના એક દિવસ પહેલા રજૂ થવાનું શરૂ થયું. સોમવારથી ચોમાસુ સત્ર શરૂ થયું છે જે આ વખતે બજેટ સત્ર પણ છે અને આ સત્ર દ્વારા ૧૨ ઓગસ્ટ સુધી ૧૯ બેઠકો યોજાશે.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને સંસદમાં કહ્યું કે અમે વિવિધ ટ્રિબ્યુનલ્સમાં યોગ્ય સભ્યોની નિમણૂક કરવા માટે સુપ્રીમ કોર્ટ સાથે કામ કરી રહ્યા છીએ. ચેન્નાઈમાં માત્ર એક NCLAT છે. અમને વધુ સંખ્યામાં એપેલેટ ટ્રિબ્યુનલની જરૂર છે. NCLT અને NCLAT ની નિમણૂકોને ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને તે ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારામન આજે ૨૩ જુલાઈએ સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરશે. બજારની અપેક્ષાઓ ઊંચી રહે છે તે હકીકતને ધ્યાનમાં લેતાં, આથક સર્વે દસ્તાવેજમાં જોખમો સંતુલિત રહે છે. આ વૃદ્ધિનું અનુમાન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના ૭ ટકાના અંદાજને અનુરૂપ છે. જોકે, આ નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે ભારતીય રિઝર્વ બેંકના ૭.૨ ટકાના વૃદ્ધિ અંદાજ કરતાં ઓછું અનુમાન છે.
નાણામંત્રીએ કહ્યું કે નાણાકીય વર્ષ ૨૦૨૪માં આર્થિક વિકાસ દર ૮.૨ ટકા રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ ૨૦૨૫માં અર્થવ્યવસ્થા ૬.૫ થી ૭ ટકાની વચ્ચે રહેવાની ધારણા છે. તેમણે એમ પણ કહ્યું કે કોર ફુગાવો - જે નાણાંકીય વર્ષ ૨૦૨૫માં ૪.૫ ટકા અને આવતા વર્ષે ૪.૧ ટકા રહેવાની રિઝર્વ બેંક અપેક્ષા રાખે છે - તે નિયંત્રણ હેઠળ છે. જોકે ફુગાવાને ઘટાડવાના રિઝર્વ બેન્ક દ્વારા લેવાયેલાં પગલાં સિવાય સરકારનું એના પર કોઈ નિયંત્રણ નથી એ હકીકત છે. બજેટના એક દિવસ પહેલા જ એટલે કે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. છેલ્લા ત્રણ વર્ષમાં દેશે ૮ ટકાની વૃદ્ધિ નોંધાવી છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય બજેટ વિકસિત ભારતના સરકારનાં સપનાંનો મજબૂત પાયો હશે.
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં સુધારો થયો છે અને વ્યવસ્થિત રીતે વિસ્તરણ થયું છે. FY૨૦૨૪માં વાસ્તવિક GDP FY૨૦ના સ્તરો કરતાં ૨૦ ટકા ઉપર હતો, જે એક સિદ્ધિ કે જે માત્ર કેટલીક મોટી અર્થવ્યવસ્થાઓ પ્રાપ્ત કરી શકી છે, તે છે. જ્યારે FY૨૦૨૫ અને તે પછીના સમયગાળામાં મજબૂત વૃદ્ધિની ઉજ્જ્વળ સંભાવના રહે છે. બેરોજગારી અને બહુપરિમાણીય ગરીબીમાં ઘટાડો અને શ્રમ દળની ભાગીદારીમાં વૃદ્ધિ સાથે ભારતીય અર્થતંત્રની પ્રગતિ સર્વતોમુખી અને સર્વસમાવેશી રહી છે. એકંદરે, ભારતીય અર્થતંત્ર ૨૦૨૫ માટે આશાવાદી છે. આ આર્થિક સર્વેક્ષણમાં સરકારનું સંપૂર્ણ ધ્યાન કૃષિ ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને પીપીપી પર કેન્દ્રિત થયેલું દેખાય છે. મોદી ૩.૦ દ્વારા રજૂ કરાયેલા આર્થિક સર્વે ખરૂ૨૫માં બજેટ પહેલાની ગુલાબી રંગની આભા બતાવવામાં આવી છે.