Get The App

ઝિનજિયાંગનું લોક આંદોલન .

Updated: Dec 22nd, 2024


Google NewsGoogle News
ઝિનજિયાંગનું લોક આંદોલન                  . 1 - image


જ્યાં સુધી સંયુક્ત રશિયાના ટુકડા ન થયા ત્યાં સુધી આખું જગત એમ જ માનતું હતું કે રશિયા તો સામ્યવાદી શાસકોની હકૂમતમાં એક રંગ અને એક રાગે એક શક્તિશાળી મહાન રાષ્ટ્ર તરીકે આગળ વધી રહ્યું છે. દુનિયા એને અજેય મહાસત્તા જ માનતી હતી. પરંતુ ભીતરથી રશિયા વિચ્છિન્ન થતું જતું હતું. વાસ્તવિકતા સાવ જુદી જ હતી. ગ્લાસનોસ્ત અને પેરેસ્ત્રોઈકાના નવા વિચારો પછી રશિયામાં હવામાન બદલાઈ ગયું હતું અને પછી સમજણપૂર્વક એના ટુકડા થયા જેનો ઇતિહાસ બહુ લાંબો છે. જે રીતે સામ્યવાદી સંયુક્ત રશિયાએ જગતની સામે પોતાનો અડીખમ ચહેરો સજાવી રાખ્યો હતો એ જ હાલત અત્યારે ચીનની છે. કોરોના પછી ચીન આર્થિક રીતે પણ ચોતરફથી ઘેરાઇ ગયેલું છે. અમેરિકા સાથેના વ્યાપાર યુદ્ધના પરિણામો હવે તેણે ભોગવવાના આવ્યા છે. ચીનને આવતા દસ વર્ષ સુધી ભારતીય બજારની સખત જરૂર છે. અમેરિકાના નકારાત્મક અભિગમને કારણે યુરોપની બજારમાં પણ ચીનની નિકાસ હવે ઘટવા લાગી છે. ટ્રમ્પના પુનરાગમનથી હવે સ્થિતિ વધુ વણવાની છે.

ચીનમાં લોકક્રાન્તિ ચાલે છે અને લગભગ દરેક પ્રાન્તમાં એના જુદા જુદા સ્વરૂપો છે. ચીનના જિનઝિયાંગ પ્રાંતમાં ઘણા લાંબા સમયથી અલગાવવાદી સ્વતંત્રતા આંદોલન ચાલે છે. ચીન પોતાનો ડેટા બે ચાર વરસ મોડો જાહેર કરે છે. હમણાં જ ચીને પોતાના એક સરકારી દસ્તાવેજમાં એવી કબૂલાત કરી કે ઇ. સ. ૨૦૧૪ સુધીમાં જિનઝિયાંગ પ્રાંતમાંથી કુલ ૧૩ હજારથી વધુ ક્રાંતિવીરોની ધરપકડ કરી જેલમાં રાખવામાં આવ્યા છે. ચીને આ તમામ વિરોધીઓને ઉગ્રવાદી કહે છે. જો કે એ તમામને જેલમાંથી તેમના પરિવારો સાથે વાત કરવા દેવામાં આવતી ન હોવાથી નાગરિકોને દહેશત છે કે એ ક્રાન્તિવીરો હયાત હશે કે નહિ. જિનઝિયાંગ પ્રાંત તુર્કસ્તાની મુસ્લિમોનો પ્રદેશ છે. જે રીતે ચીન તિબેટને ગળી ગયું છે એ જ રીતે ઈ.સ. ૧૯૪૧ના અરસામાં ચીને જિનઝિયાંગ પર પોતાનો કબજો જમાવી દીધો હતો.

અહીંના મુસ્લિમો ઉઈઘુર તરીકે ઓળખાય છે. પરંતુ મૂળભુત રીતે તેમનું લોહી તુર્કી છે. જિનઝિયાંગનું પાટનગર ઉરુમચી છે પરંતુ મોટું શહેર કાશ્ગર છે. આ કાશ્ગરમાં બહુ જ ગુપ્ત રીતે ક્રાન્તિકારીઓ ચીન સરકાર સામે લડવાનો તખ્તો તૈયાર કરતા રહે છે. તુર્કી મુસ્લિમો દ્વારા જિનઝિયાંગના આંદોલનકારી નેતાઓને સમર્થન આપવામાં આવે છે. હવે આ નેતાઓ પાસે આધુનિક ટેક્નોલોજીયુક્ત અસ્ત્રશસ્ત્ર પણ આવી ગયા છે. ચીન માટે આ માથાનો દુઃખાવો છે. આ ક્રાંતિકારીઓ ગમે ત્યારે ચીની અધિકારીઓ પણ હુમલો કરે છે. તેઓ રેલવે સ્ટેશનો પર પણ અંધાધૂંધ ગોળીબાર કરે છે. જિનઝિયાંગ પ્રાંતને તેઓ હવે તેઓ પૂર્વી તુર્કસ્તાન તરીકે ઓળખાવે છે. જે ઐતિહાસિક રીતે તો હકીકત જ છે. ચીન છેલ્લા ઘણા વરસોથી આ આંદોલનને કાબૂમાં લેવા પ્રયત્ન કરે છે પરંતુ ચીનનો તેના પર કોઈ અંકુશ નથી. આડેધડ ધરપકડો કરવાથી નાગરિકો બહુ ઉશ્કેરાયેલા છે.

ચીન માટે આ વિશાળ પ્રાંતને લાંબા ગાળા સુધી સાચવવાનું મુશ્કેલ છે. ચીની રાષ્ટ્રપ્રમુખ જિનપિંગ આમ તો સમગ્ર દેશમાં લોકશાહીની હિલચાલને કચડતા આવ્યા છે. ચીનમાં હવે સામ્યવાદ નામનો જ છે અને એક પ્રકારનું લશ્કરી શાસન જેવું વાતાવરણ છે. ચીનમાં અંદર જ સરકારના જાસૂસો ફેલાયેલા છે. ક્યાંય પણ લોકશાહી અંગેની ચર્ચાની ચિનગારી પ્રગટે તો એને બુઝાવવા કાયદા-કાનૂન અને આરોપોના આકરા કોરડાઓ વિંઝવામાં આવે છે. જિનઝિયાંગ આમ તો શુષ્ક અને રણપ્રદેશ છે. ચીનના અર્થતંત્રમાં એની કોઈ વિશેષ ભૂમિકા નથી. પરંતુ ચીનને મન દો ગજ જમીનનું જે મૂલ્ય છે તે તો અણમોલ છે. ચીન સામ્રાજ્યવાદી તો છે જ પરંતુ જમીન અંગેની એની ભૂખ આત્યંતિક છે અને એ માટે એ કંઈ પણ કરવા તૈયાર છે. જિનઝિયાંગ પ્રાંતની ક્રાંતિ હવે ચીનના અલગ અલગ પ્રાન્તમાં ફેલાવા લાગી છે. ચીની પ્રજા જિનપિંગને રાજાશાહીના સમર્થક એવા દુષ્ટ શાસક તરીકે જુએ છે. સૈન્યની મદદથી અત્યારે તો જિનપિંગ ટકી રહ્યા છે પણ આ જુલ્મી શાસકને ચીની પ્રજા ગમે ત્યારે મોકો મળતાં જ ઉથલાવશે એમાં કોઈ શંકા નથી.

ચીનના ઉત્પાદન યુનિટો તબક્કાવાર બંધ પડતા જાય છે. હોંગકોંગ અને સિંગાપોરની આંતરરાષ્ટ્રીય અને કોર્પોરેટ કલ્ચર ધરાવતી બજારમાં ચીની કંપનીઓ પાછી પડી રહી છે. એનો લાભ લઈને આરબ દેશો પણ હવે તો ચીની ઉત્પાદકો સામે સ્પર્ધામાં ઉતર્યા છે. જો ભારત-પાકિસ્તાનનું પૂર્ણ કક્ષાનું યુદ્ધ થાય તો લડતા આ બન્ને પાડોશીઓ કરતાં એકલા ચીનને વ્યાપારિક જ અબજો ડોલરનું નુકસાન થાય. 



Google NewsGoogle News