એક્ઝિટ કોને આવડે? .
નિવૃત્તિની વયમર્યાદા ચોક્કસ હોવી જોઈએ? રીટાયરમેન્ટની એક નિશ્ચિત ઉંમર હોવી જ જોઈએ કે જ્યારે માણસ તેની નોકરીમાંથી કાયમની રજા લઇ શકે. જે માણસે પાંત્રીસ-ચાલીસ વર્ષ એક જ સંસ્થામાં પૂરી ઈમાનદારી અને નિષ્ઠા સાથે ખૂબ મહેનત કરી હોય તેને તેના જીવનના છઠા કે સાતમાં દાયકે રજા મળવી જ જોઈએ કે જેથી શેષ જીવન તે તેના જીવનસાથીના સંગમાં શાંતિની પળો માણતા ગાળી શકે. પરંતુ મુદ્દો અત્યારે એ નથી કે નોકરીમાંથી રીટાયર્ડ થવું જોઈએ કે નહીં. એ તો સરકારના નિયમો મુજબ જ થાય. અહી મુદ્દો એ છે કે વ્યક્તિએ પોતાની અંગત જિંદગીમાંથી પોતાની કાર્યશીલતા બાબતે નિવૃત્તિ લેવી જોઈએ કે નહીં? તો તેનો જવાબ છેઃ ના.
કેમ ના? ઑસ્ટ્રેલિયામાં થોડાં વર્ષ પહેલા એક વડીલનો જન્મદિવસ આવ્યો. કેટલામો જન્મદિવસ? એકસો બે. તો સેન્ચ્યુરી ઉપર બે વર્ષ પાર કરી ચુકેલા વડીલનું એંસી-નેવું વ્યક્તિઓનું કુટુંબ તેમની વર્ષગાંઠ ઉજવવા ભેગું થયું. બધાએ દાદાજીને કંઇક ભેટ આપવાની ઈચ્છા વ્યક્ત કરી. તો વડીલે બધાને બીજે દિવસે સવારે સાત વાગે ઘરની બહાર હાજર થઇ જવાનું કહ્યું. સવારે તે વડીલ સ્પોર્ટ્સ શુઝમાં તૈયાર હતા. પાંચ માઈલ સુધી એકધારું દોડયા. તેમની સાથે તેમના વિશાળ પરિવારમાંથી કોઈ દોડી શક્યું નહીં.
માનવજાતે કરેલી બંદૂક, પરમાણુ બોમ્બ જેવી ખરાબ શોધોના લિસ્ટમાં એક શોધનું સ્થાન ટોચ ઉપર છે અને તે છે- નિવૃત્તિ. પોતાના વ્યવસાય કે નોકરીમાંથી નિવૃત્તિની પ્રથા તો જે-તે સંસ્થાની કાર્યશીલતાના વ્યવસ્થાના ભાગરૂપે શરુ થઇ હતી. રીટાયર થઇ જવાની પરંપરા એ કોઈ કંપનીની તેના કર્મચારી પ્રત્યેની દયાભાવના રૂપે શરુ નથી થઇ, કંપનીના પોતાના સ્વાર્થને કારણે જાતે ચાલુ કરેલી પરંપરા છે. નિવૃત લોકોને માર્કેટ ગણકારતી નથી.
નિવૃત્તિ શું છે? ચિંતનાત્મક લાગતા આ સવાલના જવાબમાં ફિલસુફી ન આવે પણ નગ્ન સત્ય આવે. કે જયારે જગતને એવું લાગવા મંડે કે આ સજ્જન કે સન્નારી હવે ખાસ કશા કામના નથી અને જગતમાં ફેલાયેલી એ વાયકા ઉપર તમે ગરમાગરમ લાખના સીલ વડે સ્વીકૃતિની મહોર મારો એને નિવૃત્તિ કહેવાય. હા, એક કામમાંથી બીજા કામમાં સ્થાનાંતર કરી શકાય, અને પ્રોફેશનની ફેરબદલી એ રીટાયરમેન્ટ નથી. પણ આપણે ત્યાં રીટાયરમેન્ટ એટલે સાવ નવરા બેઠા પેન્શન-પીએફ વાપરવું અને દીકરા-દીકરી એનાં રીટાયર્ડ મા-બાપની દયા ખાઈને એને એકાદી વર્લ્ડ ટુરમાં મોકલે તે. ફક્ત છોકરાંના છોકરા રમાડવા એ નિવૃત્તિ છે. ઝંઝટમુક્ત જીવન ટેસથી જીવવામાં કોઈ જ ગુનો નથી, પણ જે ભાગેડુવૃતિથી આપણે ત્યાં નિવૃત્તિ લેવામાં આવે છે એ સમાજ માટે નુકસાનકારક છે. એનો ગેરફાયદો એ છે કે નિવૃત્તિની તલપનું એ ઝેર યુવાનોમાં પણ પ્રવેશે છે.
અમેરિકા જઈને પંદર-વીસ વર્ષ કમાઈને ભારત પરત ફરેલા અને વાળ ધોળા થાય એ પહેલા નિવૃત જીવન ગાળતા ગુજરાતમાં હજારો કે લાખોની તાદાદમાં લોકો પડયા છે. જલસા કરવામાં કઈ ખોટું નથી, પણ સૂર્ય આથમતો હોય એ ક્ષણે આખા દિવસમાં એક પણ પ્રોડક્ટિવ કામનો હિસાબ જો જાતને ન આપી શકાય તો શું એ કુદરતે મનુષ્યને બક્ષેલા તેના અસ્તિત્વ ઉપર મોટો પ્રશ્નાર્થ નથી? ગાંધીજી કાગડા-કૂતરાની મોતે મરવા તૈયાર હતા, પણ પથારી ઉપર ગ્લુકોઝની બોટલ ચડતી હોય એ રીતે નહીં. જીવનની છેલ્લી ક્ષણ સુધી એમનો ઉદ્યમ ચાલુ રહેલો.
વિશ્વનો મહાન બોક્સર મહોમ્મદ અલી નિવૃત્તિના આરે પહોચેલો ત્યારે ઓવર કોન્ફિડન્સમાં એક જુનિયર સામે બોક્સિંગનો મેચ હારી ગયો. જીવનમાં ગણીને માંડ ચારેક મેચ હારેલા મોહમ્મદ અલી માટે એ આઘાત જીરવવો અઘરો હતો. બીજા દિવસથી એ ફરીથી તાલીમ શરુ કરે છે અને બીજે વર્ષે એ જ બોક્સરને મેચમાં ધોબીપછાડ આપે છે અને પછી રીટાયર થાય છે. મોડર્ન જનરેશન જે એમ માને છે કે 'દસ-પંદર વર્ષ છે કમાવવાના' એ ખોટી વિચારસરણી નહીં હોય તો સંપૂર્ણ સાચી પણ નથી. લાઈફટાઈમ કમિટમેન્ટનો એમાં અભાવ છે અને એવો અભાવ ધરાવતા વ્યક્તિઓ રોજર ફેડરર કે માઈકલ ફેલ્પ્સ નથી બની શકતા.
નિવૃત થવું અને નિવૃત્તિની અભિલાષા રાખવી એ બંનેમાં મોટો ફર્ક છે. અને હવે તો વિજ્ઞાાન પણ એટલું આગળ આવ્યું છે કે મોટી ઉમરે પણ શરીર સાથ આપે છે. થોડા દશકા પછી સો વર્ષ કાઢવા સામાન્ય બાબત હોય એવું પણ બને. મેડિકલ સાયન્સ તો પ્રગતિ કરે છે, પણ પર્સનલ મેન્ટલ એટિટયુડની પ્રગતિ જરૂરી છે. રીટાયર થવું તો શ્રાપ જેવું લાગવું જોઈએ. આપણે જાણતા હોઈએ એવા વિશ્વના કોઈ પણ ક્ષેત્રના કોઈ પણ મહાન માણસની આત્મકથામાં શું સામ્ય છે એ વિચાર્યું છે?