Get The App

જી-ટ્વેન્ટીનું અરણ્યરૂદન .

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
જી-ટ્વેન્ટીનું અરણ્યરૂદન                                        . 1 - image


G20 રિયો ડી જાનેરોની ઘોષણા કે જેને વિધવિધ વૈશ્વિક નેતાઓએ હમણાં સમર્થન આપ્યું છે તે વિશ્વની સામેના મોટા ભાગની ઉપાધિઓને જગતના ચોકમાં પ્રતિધ્વનિત કરે છે. આ મુદ્દાઓ છે: યુદ્ધ, આબોહવા પરિવર્તન, ગરીબી સહિત ભૂખ, આર્થિક અસમાનતા અને વૈશ્વિક અનુશાસન વગેરે. દરમિયાન, યજમાન દેશ બ્રાઝિલના રાષ્ટ્રપતિ, લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા, જેને લુલા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે દાવો કર્યો છે કે આર્જેન્ટિનાએ ડ્રાફ્ટ મતભેદો અને વાંધા-વચકા ઊભા કર્યા હોવા છતાં, તેઓ આ પરિષદના પ્રમુખ એજન્ડાને સફળ બનાવવામાં સક્ષમ રહ્યા છે. યુનો સહિતની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પતનના આ યુગમાં થોડીઘણી આશા આવા સમાન હિત ધરાવતા દેશોના નાનાં સંગઠનો તરફ રહે છે, પરંતુ આ સમાન હિતવાદી પરિષદો આવનારા વૈશ્વિક ભવિષ્ય માટે હિતકારિણી સાબિત થઈ શકતી નથી. કારણ કે દાંત પડી ગયા પછીનો નખશૂન્ય વાઘ અને જેના ડંખમાં ઝેર નથી એવા સાપની અવદશા આ સંગઠનો ભોગવે છે.

છતાં આ પરિષદો અને શિખર સભાઓના ઠાઠમાઠ હજુ ઓછા થયા નથી. કમ સે કમ તેઓ વૈશ્વિક મીડિયામાં પોતે કંઈક સકારાત્મક પ્રવૃત્તિ કરતા હોવાની આછી મુદ્રા ઉપસાવી શકે છે. કંઈક વિરોધી આલાપ-પ્રલાપ વચ્ચેની આવી સત્તાહીન સ્થિતિમાં પણ મેનિફેસ્ટોની ભાષા દર્શાવે છે કે ય્૨૦માં ઘણા મુદ્દાઓ પર સહમતિ છે. પરંતુ પરિણામ એ આવ્યું કે જે મેનિફેસ્ટોનું જે ફોર્મેટ ઉભરી આવ્યું તે સામાન્ય હતું અને તેમાં નાવીન્યનો અભાવ હતો. એટલે કે આ પરિષદે જે આગે કદમ લેવા જોઈએ એમાં કોઈ દમ ન હતો. આવી પરિષદો જો એક પછી એક વિફળતાને વરે તો વિશ્વ સમુદાયનું વૈચારિક નેતૃત્વ ખાડે પડે અથવા તો આડે પાટે ચડે. જોકે છેલ્લા દિવસના ક્લોઝિંગ કરારે બ્રાઝિલિયન વડા લુલાને અંતિમ ઘોષણા પર વાટાઘાટો કરવામાં નિષ્ફળ જતા બચાવી લીધા, ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત યુએસના રાષ્ટ્રપ્રમુખ બને તે પહેલા રિયો ઘોષણામાં એજન્ડાને અર્થપૂર્ણ રીતે આગળ વધારવાની તક ઝડપવામાં બ્રાઝિલ સરકારના નેતૃત્વનો પ્રમાદ સપાટી પર દેખાઈ આવ્યો.

મિસ્ટર લુલાને બે સફળતા મળી. પ્રથમ, વૈશ્વિક અબજોપતિઓ પર બે ટકા ટેક્સની દરખાસ્તનો ઉલ્લેખ. આ મુદ્દા પર વાટાઘાટો ખોરવાઈ ગઈ હતી, કારણ કે આર્જેન્ટિનાએ તેનો સખત વિરોધ કર્યો હતો. બીજી વાત કે ભૂખ અને ગરીબી સામે વૈશ્વિક ગઠબંધનનું નેતૃત્વ કરવાની તેમની વધુ મોટી સિદ્ધિ હતી. તેને ક્લોઝિંગ મેનિફેસ્ટોમાં પણ સ્થાન મળ્યું છે. અત્યાર સુધીમાં ૮૨ દેશોએ આ યોજના પર હસ્તાક્ષર કર્યા છે. ઉદાહરણ તરીકે, ર્ભંઁ ૨૯ કોન્ફરન્સ (બાકુ)માં ક્લાઈમેટ ફાઇનાન્સ પરની વાટાઘાટોમાં ક્લાઈમેટ ચેન્જ પરની ઘોષણાથી કેટલીક પ્રગતિ થવાની અપેક્ષા હતી. આબોહવા ફાઇનાન્સની રકમ 'બિલિયન્સથી ટ્રિલિયન' સુધી વધારવા અંગે દિલ્હીમાં ગયા વર્ષની ચર્ચાને પુનરાવર્તિત કરવા ઉપરાંત, આ નાણાં ક્યાંથી આવશે તે અંગે રિયોમાં કોઈ ઉલ્લેખ નથી થયો. 

ગત વર્ષે દુબઈમાં યોજાયેલી ર્ભંઁ૨૮માં વિવિધ દેશો વચ્ચે કરવામાં આવેલી પ્રતિબદ્ધતાઓનો આ મેનિફેસ્ટોએ લાભ લીધો નથી. ત્યાં એવું કહેવામાં આવ્યું હતું કે અશ્મિભૂત ઇંધણથી પોતાને દૂર રાખવાની જરૂર છે. આ ફેરફાર માટે ટાર્ગેટ નક્કી કરવા અથવા હાઈડ્રોકાર્બન રોકાણને મર્યાદિત કરવાની વાત થઈ હતી. યુક્રેન-રશિયા અને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષો અંગેનાં અસ્પષ્ટ નિવેદનો પણ ચિંતાજનક હતાં. પ્રથમ નિવેદનમાં યુક્રેનની મુશ્કેલીઓ વિશે વાત કરવામાં આવી હતી અને યુદ્ધની નકારાત્મક અસર વિશે ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ રશિયાના હુમલાનો કોઈ ઉલ્લેખ થયો નહી. રશિયન વડા વ્લાદિમીર પુતિન ગેરહાજર રહ્યા, કારણ કે તેમની સામે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતમાંથી વોરંટ છે અને તેમનું પ્રતિનિધિત્વ રશિયન વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવ દ્વારા કરવામાં આવ્યું. ઈઝરાયેલ-હમાસના મુદ્દામાં ગાઝા અને લેબનોનમાં સાર્વત્રિક યુદ્ધ વિરામની વાત થઈ અને ગાઝામાં માનવીય સંકટ અને લેબનોનમાં ઉશ્કેરણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો.

દ્વિ-રાષ્ટ્ર ઉકેલનો પુનરોચ્ચાર કરતી વખતે, એ વાતને અવગણવામાં આવી કે ઇઝરાયલે હવે પશ્ચિમ કાંઠે પેલેસ્ટિનિયન જમીન પર મોટા પ્રમાણમાં કબજો કરી લીધો છે. ટ્રમ્પના ઝુંબેશના ભાષણો અને એક્ઝિક્યુટિવ ઓફિસમાં નિમણુકો સૂચવે છે કે આ રિયો ઘોષણાના મુખ્ય મુદ્દાઓથી તેઓ બહુ દૂર છે, જેમાં ક્લાયમેટ ચેન્જ અને અતિ સમૃદ્ધ લોકો પર ટેક્સ લગાવવાનો સમાવેશ થાય છે. પુતિન સાથેની તેમની અંગત નિકટતા યુક્રેનના યુદ્ધને લઈને યુએસ અને તેના યુરોપિયન ભાગીદારો વચ્ચેનું અંતર વધારી શકે છે. ઈઝરાયેલના નેતા બેન્જામિન નેતન્યાહુ સાથેના તેમના ગાઢ સંબંધો પણ પેલેસ્ટાઈન માટે સારા સંકેત નથી. 


Google NewsGoogle News