કર્ણાટકની કૂપમંડૂક નીતિ .
કર્ણાટક કેબિનેટે ખાનગી નોકરીઓમાં સ્થાનિક અનામતને ફરજિયાત બનાવીને આ વિવાદને નવો વળાંક આપ્યો છે. સંબંધિત બિલ વર્તમાન વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવનાર છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે સ્થાનિક કંપનીઓના રોજગારમાં, મેનેજમેન્ટ પોસ્ટ્સ પર ૫૦ ટકા અને નોન-મેનેજરિયલ પોસ્ટ્સ પર ૭૫ ટકા નિમણુકો સ્થાનિક લોકોની હશે. આશ્ચર્યની વાત નથી કે, આ કાયદા અંગે બેંગલુરુ, IT હબ, વૈશ્વિક સંસ્થાઓ અને ફાર્મા ઉદ્યોગની કંપનીઓ તરફથી તીવ્ર પ્રતિક્રિયા જોવા મળી છે. આ કંપનીઓ અને ક્ષેત્રો એ છે જે રાજ્યના અર્થતંત્રને ધબકતું રાખીને પ્રેગતિકારક બનાવે છે. રોજગાર પરના આવા પડકારરૂપ માળખાકીય નિયંત્રણો એવા સમયે રોકાણને આકર્ષી શકશે નહીં જ્યારે ખાનગી રોકાણ, ખાસ કરીને વિદેશી સીધા રોકાણ માટે રાજ્યો વચ્ચે તીવ્ર સ્પર્ધા હોય. સ્પર્ધાત્મક બજારોમાં કાર્યરત ખાનગી ઉદ્યોગોને શ્રેષ્ઠ પ્રતિભા પસંદ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ.
આવા આધારો પર પ્રતિભાની પસંદગી રોકવાથી કાર્યક્ષમતા અને ઉત્પાદકતા પર અસર થશે. અત્યાર સુધી દેશના રાજ્યોને દેશની સાંસ્કૃતિક વિવિધતાનો લાભ મળ્યો છે. હવે તેને સંકુચિત રાજકીય લોકશાહી સુધી સીમિત કરવું એ સોનાના ઈંડાં આપનાર મરઘીને મારવા જેવું છે. નેશનલ એસોસિયેશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસિસ કંપનીઝ (NASSCOM) એ પહેલાથી જ એક નિવેદન જારી કરીને તેની નિરાશા વ્યક્ત કરી છે અને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સ્થાનિક રોજગાર કાયદાની પ્રક્રિયા નવી નથી. મહારોષ્ટ્ર ઈસવીસન ૨૦૦૮માં સ્થાનિક લોકોને ૮૦ ટકા રોજગાર આપવા માટે કાયદો બનાવ્યો હતો. આંધ્ર પ્રદેશે ઈસવીસન ૨૦૧૯માં ૭૫ ટકા સ્થાનિક રોજગાર માટે કાયદો બનાવ્યો અને હરિયાણાએ ઈસવીસન ૨૦૨૦માં ૭૫ ટકા સ્થાનિક રોજગાર માટે કાયદો બનાવ્યો.
આ તમામ કાયદાઓને ઔદ્યોગિક સંગઠનો દ્વારા કોર્ટમાં પડકારવામાં આવ્યા હતા. નવેમ્બર ૨૦૨૩ માં કોર્ટે હરિયાણાના કાયદાને ફગાવી દીધો. હરિયાણાએ કાયદો બનાવ્યો હતો કે ખાનગી ક્ષેત્રની ૭૫ ટકા જગ્યાઓ ૩૦,૦૦૦ રૂપિયા અથવા તેનાથી ઓછા માસિક પગાર સાથે સ્થાનિક સ્તરે ભરવામાં આવશે. હાઇકોર્ટે તેને રદ કરતી વખતે બે કારણો આપ્યા હતા. પ્રથમ, ઓપન માર્કેટમાં નિમણુક કરવાનો એમ્પ્લોયરનો અધિકાર રાજ્ય સરકારના અધિકારની બહાર હતો. બીજું, સ્થાનિક રહેવાસીઓ માટે રોજગાર આરક્ષિત કરવાની ચેષ્ટા અન્યની વિરુદ્ધની હતી. કોર્ટે કહ્યું કે હરિયાણાની બહારના નાગરિકોને પાછળ ધકેલીને બંધારણીય નૈતિકતાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. અદાલતે એમ પણ કહ્યું કે આ તેમના ભારતના નાગરિક તરીકેના આજીવિકા મેળવવાના અધિકારનું ઉલ્લંઘન છે.
કોર્ટે કહ્યું કે આમ કરવાથી બંધારણના અનુચ્છેદ ૧૯નું ઉલ્લંઘન થાય છે જે તમામ નાગરિકોને કોઈ પણ વ્યવસાય અથવા વ્યવસાયને અનુસરવાની સ્વતંત્રતા આપે છે અને તેમને દેશભરમાં મુક્તપણે ફરવા દે છે. આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે કહ્યું કે રાજ્યનો ૨૦૧૯નો કાયદો ગેરબંધારણીય છે પરંતુ તે હવે આ કેસની વિગતવાર સુનાવણી કરશે. હરિયાણા સરકારે હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી જ્યાં ફેબુ્રઆરીમાં કેસની સુનાવણી શરૂ થઈ હતી. બંધારણીય ધોરણોના ઉલ્લંઘન સિવાય, આવી સંકુચિત માનસિકતા પાછળનો કોઈ આર્થિક તર્ક સમજવો મુશ્કેલ છે. કર્ણાટકના બિલમાં 'સ્થાનિક' એવી વ્યક્તિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે જે રાજ્યમાં જન્મે છે, ઓછામાં ઓછા ૧૫ વર્ષથી ત્યાં રહે છે અને કન્નડ ભાષા વાંચી, લખી અને બોલી શકે છે.
આ ઉપરાંત માધ્યમિક શાળાના શિક્ષણમાં કન્નડ ભાષા હોવી પણ જરૂરી છે. જેમણે માધ્યમિક શાળામાં કન્નડનો અભ્યાસ કર્યો નથી તેઓએ એ ભાષામાં તેમની નિપુણતા સાબિત કરવા માટે પરીક્ષા પાસ કરવી પડશે. આ વર્ર્ષની શરૂઆતમાં, બહુરાષ્ટ્રીય કંપનીઓને સરકાર દ્વારા પૂછવામાં આવ્યું હતું કે તેઓ કેટલા કન્નડ કર્મચારીઓને રોજગારી આપે છે. કર્ણાટક સરકારનો આ ખેલ કદાચ કાનૂની રીતે બહુ લાંબો ન ચાલે તો પણ એ આખા દેશના તમામ રાજ્યોની ઉદાર વિચારધારાને ડહોળી શકે છે. આ જ રીતે દરેક રાજ્યો વિચારશે તો અખંડ ભારતને લાગેલી સોનેરી કિનાર ઝાંખી પડી જશે. શત્રુઓ રાજી થાય એવી પ્રવૃત્તિઓથી રાજ્યોના નીતિ નિર્ણાયકોએ દૂરૂરહેવું જોઈએ. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ઉચ્ચારાયેલા શબ્દો - ભારત તેરે ટુકડે હોંગે - ને ખોટા પાડવા માટે પ્રજા અને રાજ્યોએ ભોગ તો આપવો પડશે. નર્યા સ્વાર્થથી ભારત અખંડ નહિ રહી શકે.