ટ્રમ્પના તરંગોનો ફફડાટ .
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ટ્રમ્પે એમની બીજી ઈનિંગમાં એવા સમયે એ દેશની ધુરા સંભાળી છે જ્યારે અમેરિકાના ડોલરની ચડતી અને વર્ચસ્વની અધોગતિ ચાલુ છે. દુનિયાના અનેક દેશોની સરહદ રક્તરંજિત છે અને અનેક દેશોની ભીતર એના નિર્દોષ નાગરિકોની જિંદગી ઠેબે ચડી ગયેલી છે. ટ્રમ્પ ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે જીતા જાગતા વન પીસ જેમ તખ્તેનશિન છે. ટ્રમ્પના પાછા ફરવાથી ત્યાંના શિક્ષણ ક્ષેત્રમાં મોટા ફેરફારોની શક્યતા છે. જેમ વિઝા પોલિસી સંદર્ભે ભારતીય મૂળની પ્રજામાં ફફડાટ છે તે રીતે વિદ્યાક્ષેત્રમાં પણ ભૂકંપ જેવા ભણકારા સંભળાય છે. મોટાભાગની ચર્ચાઓ શિક્ષણ ક્ષેત્રમાં કેવા પ્રકારના ફેરફારો થઈ શકે છે તે અંગે થઈ રહી છે. પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે શિક્ષણ વિભાગ બંધ કરવાનું જોખમી વચન પણ આપ્યું હતું.
હવે તેઓ વ્હાઈટ હાઉસમાં પ્રગટ થતાં મંત્રાલય અને લોકોમાં ચિંતા ફેલાઈ છે. શિક્ષણ મંત્રાલય બંધ થવાને કારણે વિવિધ કાર્યક્રમો, વિદ્યાર્થી લોન માફી અને શૈક્ષણિક સ્વતંત્રતા જોખમમાં મુકાશે. તેની ઊંડી અસર કોલેજો અને યુનિવર્સિટીઓ પર પણ જોવા મળશે. આવી સ્થિતિમાં, ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી અમેરિકાના શિક્ષણ ક્ષેત્રમાં હવે કેટલાક મોટા ફેરફારો જોવા મળી શકે છે. એવી પૂરી શક્યતા છે કે ટ્રમ્પ પોતાની અગાઉના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેનના શાસન દરમિયાન લાગુ કરાયેલા નિયમોમાં ફેરફાર કરશે. જો આવું થશે, તો કોલેજો માટે નિયમોનું પાલન કરવું સરળ બનશે, પરંતુ તે જવાબદારી અને પારદર્શિતા પર પ્રશ્નો ઊભા કરશે.
બાઈડેન સરકારમાં, કોલેજોએ નોંધણી ડેટા, કોર્સ ફી અને ખાનગી લોન જેવી વિગતો પૂરી પાડવાની ફરજ પડી હતી. તેનો હેતુ કોલેજોને જવાબદાર બનાવવાનો હતો. પરંતુ ટ્રમ્પના શાસનમાં, કોલેજોને કોઈપણ કડક નિયમો વિના પ્રયોગ કરવાની સ્વતંત્રતા મળશે. ટ્રમ્પના શ્રમ અને વેતન નીતિઓ પરના વલણથી શૈક્ષણિક સંસ્થાઓને ફાયદો થઈ શકે છે. ટ્રમ્પ હાલના ઓવરટાઇમ નિયમને નાબૂદ કરી શકે છે, જેણે ઓવરટાઇમ મુક્તિ માટે પગાર મર્યાદા વધારી હતી. આ ફેરફારથી એવી કોલેજોને ફાયદો થશે જે પહેલાથી જ ઓછા બજેટમાં ચાલી રહી છે.
જોકે, ઉચ્ચ શિક્ષણ માટેની વધતી ફીને કારણે, હાલમાં શંકા છે કે ટ્રમ્પના નિર્ણયો વધુ ફાયદાકારક રહેશે કે નહીં. ટ્રમ્પ સરકાર કંપનીઓ/નોકરીદાતાઓના ફાયદા માટે નવી શ્રમ નીતિઓ બનાવી શકે છે, જેની સીધી અસર કોલેજ કેમ્પસ યુનિયન પર પડશે. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન, તેમના રાષ્ટ્રીય શ્રમ સંબંધોના બોર્ડ (NLRB) એ ખાનગી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના યુનિયન બનાવવાના અધિકારોને પ્રતિબંધિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આવી નીતિઓ તેઓ ફરીથી લાવી શકે છે. યુનિયનો હંમેશા સારી કાર્યકારક પરિસ્થિતિઓની હિમાયત કરતા આવ્યા છે.
ઉદ્યોગ વિશ્લેષકોનું માનવું હોય તો, ટ્રમ્પ વહીવટીતંત્ર ઓનલાઈન શિક્ષણ પ્રત્યે વધુ અનુકૂળ વલણ અપનાવી શકે છે. બાઈડેન વહીવટીતંત્રમાં વર્ચ્યુઅલ પ્રોગ્રામ્સ પર કડક નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્ર ઓનલાઈન શિક્ષણને પ્રોત્સાહન આપી શકે છે, જે પરંપરાગત શિક્ષણ પ્રણાલી કરતાં સસ્તું અને સુગમ છે. આ ફેરફાર નવીન અભ્યાસક્રમ માળખાને અપનાવવામાં વેગ આપી શકે છે અને ખાસ કરીને બિન-પરંપરાગત વિદ્યાર્થીઓ માટે શિક્ષણની પહોંચને વિસ્તૃત કરી શકે છે.
ટ્રમ્પના સૌથી વિવાદાસ્પદ પાસાઓમાંનો એક વિવિધતા, સમાનતા અને સમાવેશ (DEI) આમ તો અમેરિકા માટેનો એક અખતરો છે. કારણ કે ટ્રમ્પ વહીવટીતંત્રના ભૂતકાળમાં DEI કાર્યક્રમોના વિરોધને કારણે એવી આશંકા જાગી છે કે આવા પ્રયાસોમાં ભારે ઘટાડો થઈ શકે છે અથવા તેને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય છે. આ સંભાવના પર ઘણા અધ્યાપકો ચિંતા કરે છે.