સંપત્તિના ખરા સર્જકો .
આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવ્યાને ત્રણ દશક પસાર થઈ ગયા. એક મહત્વનો સવાલ નિરુત્તર રહે છે - આ દેશમાં ખરા અર્થમાં સંપત્તિ અને નોકરીઓનું સર્જન કોણ કરે છે? આના જવાબમાં મોટા ભાગે ભારતની મોટી કોર્પોરેટ કંપનીઓના નામ આપવામાં આવે છે. પણ સત્ય એટલું સરળ અને સહજ નથી. સત્યાન્વેષણ માટે ધીરજ જોઈએ અને ચોપાસ ધીરજનો અભાવ જોવા મળે છે.
કોર્પોરેટ સેક્ટરે એક ગુલાબી ચિત્ર ઊભું કર્યું છે કે તે રોજગારીના સર્જનમાં અગ્રીમ છે. હમણાં એક કોમેડિયન સાથે ટ્વીટના વિવાદમાં પડેલી કંપની ઓલા ઇલેક્ટ્રિકનું ઉદાહરણ લઈએ. તે કંપનીનું ટર્ન ઓવર પાંચ હજાર કરોડ છે છતાં પણ એક હજાર કરોડની ખોટ કરે છે. ગયા વર્ષે તે કંપનીએ લગભગ ચારસો જેટલા કર્મચારીઓની છટણી કરી. એ જ વર્ષે ગ્રાહકો તરફથી દસ હજાર કરતાં વધુ ફરિયાદો કંપનીને મળી હતી. ગ્રાહક અધિકાર કેન્દ્રએ અનેક વખત નોટિસો ફટકારવી પડી. છતાં પણ ઓલા ઇલેક્ટ્રિકનું પરફોર્મન્સ સુધર્યું નહી, માર્કેટમાં તેની શાખ ગગડતી રહી.
અદાણી ગૂ્રપ તો દુનિયાની સૌથી મોટી કંપનીઓમાંનું એક જૂથ છે. અદાણી ગ્રુપના આંકડાઓ જોઈએ તો પણ અમુક માન્યતાઓનું ખંડન થાય. જેમ કે ગૌતમ અદાણીની અંગત સંપત્તિમાં ૧૨૩% નો વાર્ષિક વધારો થઈ રહ્યો છે પણ આ ગુ્રપ દ્વારા મળતી વાર્ષિક રોજગારીનો દર ત્રણ ટકા કરતા વધ્યો નથી. છેતાલીસ હજાર કર્મચારીઓને રોજગાર આપતા આ મસમોટા કોર્પોરેટ જૂથે ગયા વર્ષે માત્ર ૧૦૪૭ નવી નોકરીઓ આપી. આની સામે સરખામણી કરીએ તો ભારતના પબ્લિક સેક્ટરમાં આવતી મિનિસ્ટર ઓફ ડિફેન્સ અને ઇન્ડિયન રેલવે વાર્ષિક વધુ નવી રોજગારીનું સર્જન કરે છે. ઈ. સ. ૨૦૨૨માં સરંક્ષણ ખાતાએ ઓગણત્રીસ લાખ લોકો માટે રોજગારીનું સર્જન કર્યું. ઇન્ડીયન રેલ્વેઝે બાર લાખ નવી નોકરીઓનું સર્જન કર્યું.
આની સામે પ્રાઇવેટ અને કોર્પોરેટ સેક્ટર કહેવાતા ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે મળીને કુલ છ લાખ ચાર હજાર નોકરીઓ આપી. આ આંકડાઓ એક મજબૂત સત્ય રજૂ કરે છે કે ખાનગી કંપનીઓ ગમે તેટલી નફાકારક કેમ ન હોય, રોજગારીના સર્જનના ક્ષેત્રે તેઓ અગ્રણી નથી. ભારતના ટોચના કોર્ર્પોેરેટ ગુ્રપ્સ જેવા કે ટાટા, રિલાયન્સ અને અદાણી સતત આર્થિક પ્રગતિ કરી રહ્યા છે. છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન તેઓની રેવન્યુ ૭.૩ ટકા કરતા વધી અને નફાનો દર ૨૨.૩ ટકા જેટલો વધ્યો. તેમનું કુલ માર્કેટ કેપીટલાઈઝેશન ૪૩.૮ ટકા જેટલી આસમાની ઊંચાઈ ધરાવે છે. પરંતુ રોજગારીનું સર્જન તેઓ કરી શક્યા નથી. આ કંપનીઓ તરફથી રોજગારીનો દર વાર્ષિક ૦.૨ ટકા ની આસપાસ છે !
નફાની કમાણી અને રોજગારીના સર્જનના આલેખ વચ્ચે સંધાન સ્થપાતું નથી. એનો સીધો અર્થ એ કે ભારતની સૌથી મોટી કંપનીઓના રોજગારી સર્જનમાં યોગદાનનો દર શૂન્યવત છે. બેરોજગારીનો મુદ્દો આપણે ત્યાં મોટો છે. શિક્ષિત બેકારોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. પ્રાઇવેટ કંપનીઓ નવી નોકરીઓ ઊભી કરી શકતી નથી અને ઘણા કર્મચારીઓ આવી કંપનીઓને સ્વેચ્છાએ છોડી રહ્યા છે. લેબર માર્કેટ પહેલેથી સેચ્યુરેટેડ છે. આવું જ ચાલુ રહેશે તો ભારતની સ્થિતિ ચીન જેવી થતાં વાર નહી લાગે. મજૂરોને બદલે વેઠિયાઓ મળશે જે નજીવા દરે પણ આખો દહાડો કામ કરવા તૈયાર હશે.
બીજી એક લોકપ્રિય દલીલ એ આવતી હોય છે કે આ મોટી કંપનીઓ ખૂબ કમાણી કરે છે તો સરકારને ટેકસ પણ મોટો આપે છે જે દેશનિર્માણમાં કામ આવે છે. પણ એ ટેકસની ચુકવણી ધર્માદો નથી, ફરજ છે. ટેક્સના પણ આંકડા જોતા આ ભ્રામક દલીલનો છેડ ઉદી જશે. છેલ્લે નાણાકીય વર્ષના આંકડા મુજબ સરકારને પર્સનલ ટેક્સથી વધુ આવક થઈ છે અને કોર્પોરેટ ટેકસ પાછળ છે. ઇન્કમટેક્સથી થયેલી આવક ૧૦.૨૨ લાખ કરોડ છે જ્યારે કોર્પોરેટ ટેક્સથી થયેલી આવક ૯.૨૨ લાખ કરોડ છે. ૨૦૧૯ માં તો કોર્પોરેટ ટેકસમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જેને કારણે સરકારને વાર્ષિક ૧.૪૪ લાખ કરોડની ઓછી આવક થઈ હતી. ટુંકમાં કોર્પોરેટ દુનિયા ટેકસ ચૂકવીને કોઈ મહાન કામ નથી કરતી. ઉલ્ટાનું મધ્યમ વર્ગનો નોકરિયાત ટેકસ ચૂકવીને હેરાન થઈ જાય છે.નિર્મલા મેડમના છેલ્લા બજેટ પછી મીડિયા અને સોશ્યલ મીડિયામાં સૌથી વધુ મિડલ ક્લાસ વર્ગે જ પોતાની હૈયાવરાળ ઠાલવી. શ્વાસ લેવા સિવાય દરેક વાત ઉપર મોટો ટેકસ સતત આપવો પડે છે.