માનવજાતને ઉગારવી પડશે .
દેશનું વાતાવરણ એકાએક અત્યંત તીવ્રતાથી વિષાક્ત બની ગયું છે. અહીં જોકે 'એકાએક' શબ્દ વાપરવો યોગ્ય છે કે નહીં તે અલગ ચર્ચા છે. પહેલાં દિલ્હીમાં જાહેરમાં નમાજ પઢી રહેલા મુસ્લિમ બિરાદરો પર એક પોલીસ અધિકારીની શારીરિક જબરદસ્તી, પછી અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાજ પઢવાના મુદ્દે જ વિદેશી મુસ્લિમ વિદ્યાર્થીઓ અને સ્થાનિકો વિદ્યાર્થીઓ વચ્ચે ઉધમપછાડ, ત્યાં જ વળી બેંગલુરુમાં પોતાની મોબાઇલ એક્સસરીઝની દુકાનમાં હનુમાન ચાલીસા વગાડી રહેલા યુવાન પર છ-સાત જુવાનિયાઓનું તૂટી પડવું... દિમાગ ખરાબ કરી નાખે એવી આ બધી ઘટનાઓ હતી. હજુ તેના તરંગો શાંત થયા નહોતા ત્યાં મંગળવારે ઉત્તરપ્રદેશના બદાયુમાં એવી આત્યંતિક ઘટના બની ગઈ કે આખો દેશ ખળભળી ઉઠયો છે.
બે નાનાં નાનાં માસૂમ સગા ભાઈઓ - તેર વર્ષનો આયુષ અને સાત વર્ષનો આહાન - એમની પાડોશમાં જ કેશકર્તનની દુકાન ચલાવતા સાજિદ નામના યુવાને, એમના જ ઘરમાં ઘૂસીને, ચાકુથી હત્યા કરી નાખી. ત્રીજો ભાઈ છ વર્ષીય પીયૂષ નસીબનો બળિયો કે એ જીવ બચાવીને નાસી છૂટયો, નહીં તો એક ઘરના ત્રણેય ચિરાગ એક સાથે બુઝાઈ ગયા હોત. છોકરાઓની મા સંગીતા તો બાપડી હત્યારા માટે કિચનમાં ચા બનાવી રહી હતી. પત્નીની ડિલીવરીના ખર્ચનું જુઠ્ઠાણું આગળ ધર્યું હતું એટલે ભલી સંગીતાએ એને પાંચ હજાર રૃપિયા પણ આપ્યા હતા... ને સાજિદ નામનો આ નરાધમ શું કરે છે? છોકરાઓને ફોસલાવીને ઘરના ઉપલા માળે ચાલતા મમ્મીના બ્યુટી પાર્લરમાં લઈ જઈને એમનાં ગળાં કાપી નાખે છે. અહેવાલો નોંધે છે કે, બબ્બે છોકરાઓને પતાવીને એ રાક્ષસ પાછો એની માતાને કહે છે: આજે મારું કામ પૂરું થયું... ને પછી બહાર બાઇક પર રાહ જોઈને ઊભેલા પોતાના ભાઈ જાવેદની પાછળ બેસીને નાસી જાય છે.
ના, વાત અહીં પણ પૂરી થતી નથી. પોલીસના માણસો એમને પકડવા ઘેરી વળ્યા તો એ સામે ગોળી ચલાવે છે ને એક પોલીસ અધિકારીને જખ્મી કરી નાખે છે. આ શેતાનનું એન્કાઉન્ટર થઈ જાય છે અને પોતે 'પૂરા કરેલા મહાન કામ'નું ઇનામ લેવા એ ૭૨ હૂરો પાસે પહોંચી જાય છે. 'સાજિદનું એન્કાઉન્ટર ગેરકાનૂની હતું... એને પકડીને જેલમાં કેમ ન નાખ્યો? એના પર કાનૂની રાહે કેસ કેમ ન ચલાવ્યો? જો સજા થવાની જ હોત તો તે કોર્ટ દ્વારા થવી જોઈતી હતી, યુપી પોલીસને કાયદો હાથમાં લેવાનો અધિકાર કોણે આપ્યો?' આવું કહેવાવાળા અને સાજિદના માનવઅધિકારો માટે છાતી પીટનારાઓ હવે બેશરમીથી મેદાનમાં આવી પડશે. આ પાછો અલગ મુદ્દો થયો.
હૃદયમાં ટીસ ઉઠે એવું તથ્ય આ છે: દિલ્હીની ઘટના, અમદાવાદની ઘટના, બેંગલોરની ઘટના અને બદાયુંની ઘટના - આ ચારેયનો સંબંધ 'ધર્મ' સાથે છે. એક પક્ષ જાહેરમાં પરવરદિગારને બંદગી કરવા માગે છે ને બીજો પક્ષ જે-તે કારણસર એનો વિરોધ કરે છે, એક પક્ષ સ્પીકર પર પોતાના ભગવાન (હનુમાન)ની પ્રાર્થના વગાડે છે ને બીજો પક્ષ એનો વિરોધ કરે છે. બદાયુંમાં મૃતક બાળકોના પરિવાર સાથે સાજિદની કોઈ જૂની અદાવત હતી કે કેમ તે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં સ્પષ્ટ થયું નથી. પણ જૂની અદાવત હોય તો સાજિદ શા માટે 'ભાભી... ભાભી...' કરતો એમના ઘરે જાય? શા માટે મૃતક બચ્ચાંઓની મા એને આર્થિક મદદ કરે? શા માટે એના માટે ચા બનાવે? સાજિદ પાસે આ કૃત્ય કરાવનારી તાકાત સંભવત: 'ધાર્મિક' જ છે. એ કદાચ માનતો હતો કે કાફિરના છોકરાઓના ગળા કાપીને એણે પોતાના ભગવાન ખુશ કરી દીધા છે.
ધર્મનું, ધાર્મિક શિક્ષણનું, ધાર્મિક આદેશોનું આ તો કેવું ભયાનક વિકૃત સ્વરૃપ છે? કેવું હીન અર્થઘટન છે? ધર્મ આપણને વધુ માનવીય, વધુ સંવેદનશીલ, વધુ કરૃણાસભર બનાવે કે આપણને અવિચારી પશુ બનાવી મૂકે? જે શિક્ષણ માણસની વિચારક્ષમતાને જડ કરી નાખે, એને કટ્ટર ઝોમ્બીમાં પરિવર્તિત કરી દે એને ધાર્મિક શિક્ષણ કેવી રીતે કહેવાય? અહીં આ ધર્મ કે પેલા ધર્મની વાત નથી, આ વાત તમામ ઓર્ગેનાઇઝ્ડ રિલિજન્સને લાગુ પડે છે. જે ધર્મ તમને સત્ય તરફ દોરી જતો નથી તે ધર્મ નથી. જે ધર્મ તમારામાં આત્મબોધના ઉઘાડ કરતો નથી, તમારામાં આંતરિક પ્રકાશ પેદા કરતો નથી તે ધર્મ નથી. એ બીજું કંઈ પણ હશે, ધર્મ તો નથી જ. ધર્મના વાઘા પહેરીને આવી જતી નિકૃષ્ટ પરંપરાઓને ઓળખવી પડશે. ધર્મનો સ્વાંગ સજીને પોતાને જસ્ટિફાય કરતી આદિમ વૃત્તિઓને પારખવી પડશે. ધર્મના સાવ સાચા અને શુદ્ધ સ્વરૃપની નિકટ જવું પડશે અને બાકીનું બધું જ, કે જે ધર્મને નામે સદીઓથી થતું આવ્યું છે, તેને ત્યજવું પડશે. માનવજાતનો ઉગારવા માટે આના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.