સુપ્રીમની વાઘ સવારી .
સુપ્રીમ કોર્ટ પાસે કોર્બેટ ટાઈગર રિઝર્વ પાર્કમાં કંઇક શંકાસ્પદ ગતિવિધિઓ ચાલતી હોય તેનો કેસ આવ્યો. સુપ્રીમ કોર્ટે હાલપુરતું એવું નિવેદન આપ્યું કે આખા દેશમાં જેટલાં પણ વાઘ સંરક્ષણ કેન્દ્રો છે એ બધા માટે એક જ પોલિસી હોવી જોઈએ. જે જે જગ્યાએ વાઘનો વસવાટ છે ત્યાં એકસમાન કાયદાઓ, એકસમાન નિયમો અને એકસમાન સુરક્ષાના પગલાંઓ ભરવાનાં. આ કેસ તો હજુ લાંબો ચાલશે પણ સુપ્રીમ કોર્ટના આ નિવેદન સાથે સહમત થઈ શકાય એવું નથી, કારણ કે કુદરતી સંપદ્દા માટેના નિયમો જે તે પ્રદેશની ભૂગોળ આધારિત હોવા જોઈએ. બધાને એક લાકડીએ હંકારી શકાય નહિ. ભારત પાસે અત્યારે પોણા ચાર હજાર કરતાં વધુ વાઘ છે. વાઘની વસ્તી ભારતમાં પ્રમાણમાં વધુ છે અને વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે.
વાઘ ભારતના જે જે વિસ્તારોમાં વસવાટ કરે છે તે બધા વિસ્તારની કુલ જમીન ભારતની કુલ જમીનના બે પ્રતિશત છે. જેમાં નેશનલ પાર્ક, રિઝર્વ ફોરેસ્ટ અને અભ્યારણ્ય જેવી જગ્યાઓ પણ આવી ગઈ. ભારત વિશાળ દેશ છે માટે તેના બે ટકા જેટલી જમીન સંરક્ષણ અને સંવર્ધન હેઠળ આવતી હોય તો તે બહુ મોટો ભૂપ્રદેશ થયો. ભારતની ભૂગોળ બહુ વિવિધતા ધરાવે છે ને હવામાનમાં પણ બહુ પરિવર્તન જોઈ શકાય છે. માટે ઉત્તર ભારતમાં આવેલી કોઈ સંરક્ષિત જગ્યામાં રાખવામાં આવેલા વાઘનું હિત અલગ રીતે સચવાઈ શકે અને દક્ષિણ ભારતમાં વસવાટ કરતા વાઘ માટેના સુરક્ષા નિયમોની જરૂરિયાત અલગ હોય.
કોઈ દરિયાકિનારાનો પ્રદેશ હોય તો ક્યાંક પર્વતીય વિસ્તાર હોય. વાઘ સિવાયનાં પણ બીજાં ઘણાં પ્રાણીઓ છે જે ભારતીય કાયદાઓ દ્વારા સુરક્ષિત છે. તેનો શિકાર કરી શકાય નહીં કે સરકાર દ્વારા જાહેર કરાયેલા તેમના વિસ્તારમાં પ્રવેશી શકાય નહીં. વાતને વધુ સમજવા માટે નેશનલ પાર્ક અને અભયારણ્ય વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. નેશનલ પાર્ક એક મોટા વિસ્તારને આવરી લે જેમાં વનસ્પતિથી લઈને એકથી વધુ પ્રાણીઓને સુરક્ષા આપવામાં આવી હોય. અભ્યારણ્ય ફક્ત એક પ્રાણી પૂરતું બનાવવામાં આવ્યું હોય છે. પક્ષીઓના પણ અભ્યારણ્ય હોય શકે. ફરક એટલો કે નેશનલ પાર્કની કુદરતી સંપદા કે કોઈ પણ પ્રાણી-પક્ષીને નુકસાન પહોંચાડવામાં આવે તો વધુ કડક કાયદાની જોગવાઇ છે. અભ્યારણ્યમાં નિયમો થોડા ઢીલા છે.
નેશનલ પાર્કમાં જરૂર વિના મનુષ્યના પ્રવેશ ઉપર પ્રતિબંધ હોય છે. અભ્યારણ્યમાં ઘણી માનવ પ્રવૃત્તિઓ થતી હોય છે. પ્રવાસીઓ માટે પણ અમુક નિયમો પાળવા ફરજિયાત હોય છે. સરકારે સંરક્ષણ બધા જીવોને આપવું રહ્યું. મગરથી લઈને શિકારી પક્ષી ગીધ સુધીના ઘણા બધા મનુષ્યેતર જીવો કાયદા હેઠળ સુરક્ષિત છે. પણ રાજસ્થાનમાં સારિસ્કા અભ્યારણ્ય આવેલું છે. જે સુક્કો પ્રદેશ છે. ત્યાં વરસાદ ભાગ્યે જ થાય છે. બીજી તરફ સુંદરવનના બંગાળના જંગલો ગીચ અને ભેજવાળા છે. ત્યાં પાણીની કમી નથી. રોયલ બેંગાલ ટાઈગર નામનો વાઘની જાતિ ત્યાં જ જોવા મળે. આ બંને ટાઈગર રિઝર્વ અલગ અલગ પોલિસી વડે જ સંચાલિત થઈ શકે.
છેલ્લા થોડા સમયથી વાઘ-દર્શનનું વલણ જોવા મળે છે. યુવાનોમાં વાઘને જોવાની ઈચ્છા વધતી જાય છે. માટે વાઘને જ્યાં સુરક્ષિત રાખવામાં આવ્યા હોય તે વિસ્તારમાં માણસોની અવરજવર વધી જાય. નીલગીરીની પર્વતમાળામાં નાગરહોલ ટાઈગર રિઝર્વ પણ છે અને અરૂણાચલ પ્રદેશમાં કમલંગ છે. બંને વિસ્તારમાં વસવાટ કરતા વાઘની જાતિ, વાઘનું કુળ ને વાઘની જરૂરિયાત અલગ, પણ ટાઈગર ટુરિઝમ દિવસે ને દિવસે વધતું જાય છે. પ્રવાસન એવું ખાતું છે કે જે તે રાજ્યની સરકારને સીધો ફાયદો કરાવે. માટે વાઘ જોવા આવતા અને જંગલમાં રોકાવા માંગતા પ્રવાસીઓને રોકી શકાય નહીં. ટાઈગર ટુરિઝમનું વલણ વધતા ઘણા દુષણો વધી રહ્યા છે. લાયસન્સ વિનાની હોટેલો ને ગેસ્ટ હાઉસની સંખ્યા સતત વધી રહી છે.
હોમ-સ્ટેની જેમ ફોરેસ્ટ-સ્ટેની નવી બ્રાન્ચ વિકસી રહી છે. રસ્તાઓની હાલત પણ સારી નથી. સુપ્રીમ કોર્ટ હવે એવું કહે કે આખા દેશમાં એક પોલિસી હોવી જોઈએ તો એ બધા વાઘ માટે ફાયદાકારક સાબિત નહી થાય. ભારત આમ તો વિવિધતાનો દેશ છે. ભારતની કુદરતી સંપતિ પણ વૈવિધ્યપૂર્ણ છે. કાશ્મીરથી કન્યાકુમારી અને દિવથી દિગ્બોઈ સુધી રહેતા કોઈ પણ ભારતીય નાગરિક માટે એકસમાન કાયદાઓ જ હોવા જોઈએ. વળી, પોલિસી એવી આવી જાય તેની ભીતિ પણ છે કે ટાઈગર ટુરિઝમના કારણે દેશને જે ફાયદો થાય છે તે બંધ ન થવો જોઈએ. એક જ પોલિસીને કારણે દેશના બધા વાઘનું ભલું નહી થાય.