શેરબજારની હૈયાફાટ પછડાટ .
ભારતીય શેર બજારમાં વૈશ્ચિક આંચકાઓ અને ભારતીય ઘટનાક્રમોના પ્રત્યાઘાત પડતા રહે છે તેમાં ક્યારેક સેબી પોતે પણ નવા નિયમોના ચાબુક ફટકારીને દોડતા ઘોડાને વધુ દોડાવવાને બદલે લગામ ખેંચી લે છે. સેબી કે રોકાણકારોને ભાગ્યે જ અંદાજ હોય એવી રીતે બજાર કડડભુસ થઈ જાય છે. અગાઉ સેબીએ મ્યુચ્યુઅલ ફંડસના પુનઃ વર્ગીકરણના જે નિયમના અમલની તાકીદ કરી એનાથી સંખ્યાબંધ પોર્ટફોલિયો મેનેજર્સ અને એની કંપનીઓમાં ગભરાટ ફેલાઈ ગયો છે. દેશના આર્થિક દ્રષ્ટિએ વિકટકાળ કહેવાય તેવા સમયમાં એક સાથે ૫૦૦-૭૦૦ શેરના ભાવ ઝડપથી ગગડતા રોકાણકારોના કરોડો રૂપિયાનું અકારણ જ ધોવાણ થયું છે. આ સપ્તાહમાં પણ મંદીના સુસવાટા ચાલુ રહ્યા છે.
સ્મોલ અને મિડ-કેપ શેરોમાં થયેલા એકાએક ધોવાણનો કોઈ પૂર્વ અણસાર ખેરખાંઓને આવી શક્યો ન હતો. આ નવા કરેક્શનને કારણે દલાલ સ્ટ્રીટમાં એક પ્રકારની અફડાતફડી મચી ગઈ છે. રોકાણકારો પાસેથી હપ્તાવાર (એસઆઈપી) નાણાં લઈને જંગી ભંડોળ એકત્રિત કરી એને બજારમાં રોકનારા અને મધ્યમગાળામાં ઊંચો નફો લેવાનો ખ્યાલ ધરાવતા મ્યુચ્યુઅલ ફંડો પણ બજારને ઓળખવામાં આ વખતે ગોથું ખાઈ ગયા છે. નિર્મલા સીતારામનના આવ્યા પછી નાણાખાતાના અવનવા ફતવાઓ બહાર પડવાના બંધ થયા છે, પણ આઘાત તો ચાલુ જ છે. અરૂણ જેટલીએ પોતાના સત્તાકાળમાં જીએસટીનો ઘંટ વાગ્યા પછી એમાં પાંચસો સુધારાઓના નોટિફિકેશન બહાર પાડયા હતા. છેલ્લા થોડા વરસોથી નાણાં મંત્રાલયે એ અજબ ગજબ ફતવા બહાર પાડવાનો ક્રમ અટકાવ્યો છે.
નાણા સચિવ અને વડાપ્રધાન કાર્યાલય વચ્ચે અત્યારે વ્યક્તિગત આવકવેરાના ધોરણોમાં સુધારણા કરવાની ફાઈલો ફરી રહી છે અને નવા વરસના નવા બજેટ પહેલા એમાં સ્લેબ વધારાની, એટલે કે કર ઘટાડાની સંભાવના છે. મ્યુચ્યુઅલ ફંડોની આવક પર જેટલીએ ફટકારેલો નવો કરબોજ પણ પાછો ખેંચાવાની શક્યતા છે. જો કે અરૂણ જેટલીના છબરડાઓને સુધારવામાં જ બીજા ચાર-પાંચ વરસ લાગી રહ્યા છે અને સરકાર ગમે તેની હોય, એ કામ નાણા મંત્રાલયે જ કરવું પડે છે. ગત સપ્તાહાંતે કેટલાક શેરોમાં તો ચાલુ વર્ષની ટોચની સપાટીની તુલનાએ ૯૪ ટકા સુધી ભાવ નીચે જતા રહ્યા છે. સ્મોલ અને મિડ-કેપ શેરોમાં આવનારા દિવસોમાં હજુ વધુ આંચકાઓ આવવાની શક્યતા છે, કારણ કે સેબી સતત રોકાણકારોના હિતના બહાને મ્યુચ્યુઅલ ફંડોની રોકાણ પ્રણાલિકા પર કાતિલ નજર રાખે છે.
આ ફંડ મેનેજરો ઈન્ડેક્સની એવરેજથી પણ વધુ નફો રળી લેવાની કાબેલિયત ધરાવતા હોય છે. રોકાણકારોનો એક મોટો વર્ગ હવે પોતાનો પોર્ટફોલિયો બીજાઓને સોંપે છે. બીજાઓ એટલે કે પોર્ટફોલિયો મેનેજરો પાસે પાંચ-દસ લાખની એવરેજનાં જથ્થાબંધ એકાઉન્ટ હોય છે. મુંબઈના મેનેજરો પાસે કરોડ-કરોડનાં પણ સંખ્યાબંધ એકાઉન્ટ હોય છે અને તે હવે સાવ સામાન્ય ક્રમ છે.
આવા મેનેજરો પોતાને ત્યાં ટેકનિકલ એનાલિસ્ટો, ચાર્ટિસ્ટો અને ફન્ડામેન્ટલ અભ્યાસ કરનારા વિશ્લેષકોને બહુ ઊંચા પગારે નોકરીમાં રાખતા હોય છે. સ્મોલ અને મિડ-કેપ શેરોએ આ વખતે શિખરથી તળેટી સુધીની જે પછડાટ ખાધી તેમાં પેલા નિષ્ણાતો પણ સ્તબ્ધ થઈ ગયા છે. તમામ મ્યુચ્યુઅલ ફંડો બજારમાં રોકાણોમાં ગયા સપ્તાહે સખત ધોવાયા છે. સેન્સેક્સ અને નિફ્ટી પોઝિટિવ રહ્યા હોવા છતાં થયેલું આ નુકસાન દલાલ સ્ટ્રીટના ઈતિહાસમાં એક લાજવાબ ઘટના છે.
ફંડના મેનેજરોને તકલીફ ક્યાં પડી? તેમણે રોકાણના બધા પાટા રાતોરાત બદલવા પડયા. સેબીના નવા વર્ગીકરણ પ્રમાણે લાર્જ-કેપ સ્કીમનું ઓછામાં ઓછું ૮૦ ટકા રોકાણ લાર્જ-કેપ શેરોમાં જ રોકાયેલું હોવું જોઈએ, એમ ન હોય તો સેબીના કાયદા પ્રમાણે ગુનો બને છે. એવું જ મિડ-કેપ ફંડનું છે. મિડ-કેપ ફંડનું ઓછામાં ઓછું ૬૫ ટકા રોકાણ મિડ-કેપ શેરોમાં જ હોવું ફરજિયાત છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જના મિડ-કેપ અને સ્મોલ-કેપ ઈન્ડેક્સમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં સેન્સેક્સને લેવલમાં લાવવાના તેઓ બે નંબરી નિષ્ણાતો છે. આ વખતે બીજા અનેક શેરોનું વોલ્યુમ ઊંચુ રહ્યું છે. આંખે પાટા બાંધીને બેસી રહેવાય એવી બજાર હવે રહી નથી. એટલે જ પોતાની આવડતને બદલે રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ અને પોર્ટફોલિયો મેનેજરો પર વિશ્વાસ રાખતા થયા છે. વીતેલા વરસ દરમિયાનની કેન્દ્ર સરકારની બજાર માટે સતત નકારાત્મક નીતિ અને દેશના અર્થતંત્ર પરત્વેની પ્રયોગખોર અણસમજને કારણે જે ધોવાણ થતું રહ્યું હતું તેનો આ આફ્ટરશોક હોય એમ માની શકાય, કારણ કે દરેક સુખી લોકોને સાણસામાં લેવાની ભાજપની કૂટનીતિ પ્રમાણે જ સેબીએ પુનઃ વર્ગીકરણનો ઢંઢેરો પીટીને સીધા રોકાણકારો અને મેનેજરોને નિરાંતની ઊંઘમાંથી જગાડીને ફરી દોડતા કરી મૂક્યા છે.