નગરપાલિકાઓનું રાષ્ટ્રીય મૂલ્યાંકન
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સ્થાનિક સંસ્થાઓની નાણાંકીય સ્થિતિ પર અભ્યાસ હાથ ધરીને અને તેના તારણો પ્રકાશિત કરીને નવી શરૂઆત કરી છે. આમ તો આ એક અઘરો અધ્યાય છે. મ્યુનિસિપલ સંસ્થાઓની નાણાંકીય સ્થિતિ અંગેનો આવો પ્રથમ અહેવાલ નવેમ્બર ૨૦૨૨માં પ્રકાશિત થયો હતો. જે બાદ પંચાયતી રાજની એટલે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની નાણાંકીય સ્થિતિ અંગેનો અભ્યાસ ફરી રજૂ કરવામાં આવ્યો હતો. રિઝર્વ બેંકે હવે ૨૦૧૯-૨૦ થી ૨૦૨૩-૨૪ માટેના અંદાજપત્રના અંદાજના આધારે મ્યુનિસિપલ સંસ્થાઓની નાણાકીય સ્થિતિ પર એક વિશેષ અહેવાલ હમણાં જ પ્રકાશિત કર્યો છે. આ અભ્યાસમાં દેશભરની ૨૩૨ મહાપાલિકાઓ અને નગરપાલિકાઓને આવરી લેવામાં આવી છે. ભારતમાં, સ્થાનિક સંસ્થાઓ તરફ ઘણીવાર મર્યાદિત નીતિગત ધ્યાન જાય છે.
કારણ કે ડેટા તુલનાત્મક ફોર્મેટમાં ઉપલબ્ધ ન હોય. એવી પણ આશા છે કે આરબીઆઈનો આ અભ્યાસ જરૂરી નીતિગત ધ્યાન આકર્ષિત કરશે અને જાહેર ચર્ચાને સમૃદ્ધ બનાવશે. સ્થાનિક સંસ્થાઓને મજબૂત કરવી અત્યંત જરૂરી છે. મ્યુનિસિપલ સંસ્થાઓના સંદર્ભમાં, ભારતમાં ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે અને ત્યાં નાગરિક ક્ષમતાઓ વિકસાવવાની જરૂર છે. વર્તમાન પરિસ્થિતિ અનુસાર, ભારતના કુલ ઘરેલું ઉત્પાદન (જીડીપી)ના લગભગ ૬૦ ટકા શહેરી વિસ્તારોમાં ઉત્પન્ન થાય છે અને ઈ. સ. ૨૦૫૦ સુધીમાં, દેશની લગભગ ૫૦ ટકા વસ્તી શહેરી વિસ્તારોમાં રહેવાનું શરૂ કરશે. જો કે, મોટાભાગની મ્યુનિસિપલ સંસ્થાઓ આ પરિવર્તનનો સામનો કરવા તૈયાર નથી, કારણ કે તેમની પાસે સંસાધનો નથી. આરબીઆઈના અહેવાલો બતાવે છે તેમ, મ્યુનિસિપલ સંસ્થાઓની આવક જીડીપીના માત્ર ૦.૬ ટકા છે.
આ સાધારણ આંકડો પણ પસંદગીની મ્યુનિસિપલ સંસ્થાઓને આધારે ઘડાયો છે. કુલ મહેસૂલી આવકમાં માત્ર ૧૦ મહાપાલિકાઓનો હિસ્સો ૬૦ ટકા છે. ઈ. સ. ૨૦૨૩-૨૪ના બજેટ અંદાજમાં મહેસૂલ અને મૂડી ખર્ચ સહિત મ્યુનિસિપલ સંસ્થાઓનો કુલ ખર્ચ જીડીપીના ૧.૩ ટકા હતો. મ્યુનિસિપલ સંસ્થાઓની આવકમાં મિલકત વેરો, કેટલીક ફી અને વપરાશ શુલ્ક વગેરેનો સમાવેશ થાય છે. પ્રોપર્ટી ટેક્સ તેની કુલ આવકના લગભગ ૬૦ ટકા હિસ્સો ધરાવે છે. મ્યુનિસિપલ સંસ્થાઓ કેન્દ્ર અને રાજ્ય સરકારોના અનુદાન પર સંપૂર્ણપણે નિર્ભર છે. જો આપણે રાજ્ય સરકારો, રાજ્ય નાણાં પંચની અનુદાન અને અન્ય સ્રોતોમાંથી આવતી રકમ વિશે વાત કરીએ, તો તે ઈ. સ. ૨૦૧૯-૨૦ અને ૨૦૨૨-૨૩માં તેની આવકના ૩૦ ટકા હિસ્સો ધરાવે છે.
કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાન્સફર અનુદાન તેની આવકના ૨.૫ ટકા હિસ્સો ધરાવે છે. મ્યુનિસિપલ સંસ્થાઓ પણ બજારમાંથી ઉધાર લે છે, જો કે આ તેની જીડીપીના માત્ર ૦.૦૫ ટકા છે. મ્યુનિસિપલ સંસ્થાઓની નાણાંકીય સ્થિતિ સુધારવાની જરૂર છે. તેને વધુ સારું પ્રદર્શન કરવા સક્ષમ બનાવવી પડશે. મોટાભાગના વિકસિત અને વિકાસશીલ દેશોમાં સામાન્ય સરકારી આવક અને ખર્ચમાં સ્થાનિક સંસ્થાઓનો હિસ્સો ઘણો ઊંચો છે. ઉન્નત નાણાંકીય સત્તાઓ અને સામાજિક જવાબદારી આર્થિક અને સામાજિક પરિણામોને સુધારવામાં મદદ કરશે. લોકશાહી પ્રણાલીમાં મતદારો માટે તેમના સ્થાનિક રાજકીય નેતૃત્વને જવાબદાર ઠેરવવાનું હંમેશા સરળ હોય છે. મ્યુનિસિપલ સંસ્થાઓની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે વિવિધ સ્તરે હસ્તક્ષેપની જરૂર પડશે. સૌથી અગત્યનું, નાગરિક સંસ્થાઓએ પોતે જ સામે ચાલીને તેની આવક વધારવા માટે કામ કરવું પડશે.
ઉદાહરણ તરીકે, પ્રોપર્ટી ટેક્સમાં સુધારાની જરૂર છે કારણ કે પ્રોપર્ટીનું મૂલ્યાંકન વધી રહ્યું છે. ટેક્સેશનનો વ્યાપ વધારવા માટે પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો પડશે. આ સંસ્થાઓએ યુઝર ચાર્જને પણ વ્યાજબી બનાવવા પડશે. એકંદરે, સરકારના ઉચ્ચસ્તરો પર નિર્ભરતા ઘટાડવાની જરૂર છે જેથી આવક અંગે અંદાજ લગાવી શકાય. જરૂરી કાયદાકીય ફેરફારો પછી સ્થાનિક સંસ્થાઓને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં હિસ્સો આપવાની એક શક્યતા છે. આનાથી આ સંસ્થાઓને બહેતર વિકાસ પરિયોજનાઓ હાથ ધરવામાં મદદ મળશે એટલું જ નહીં પરંતુ તેમને વધુ સાનુકૂળ શરતો પર લોન એકત્ર કરવામાં પણ સક્ષમ બનાવશે.