સમતોલ બજેટની મથામણ .
આગામી કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫ હવે એના આખરી તબક્કામાં છે. લગભગ તૈયાર છે. આમ તો નાણાંપ્રધાન ખુદ આજકાલ અનેક મુંઝવણમાંથી પસાર થઈ રહ્યાં છે. કરવેરા ઘટાડવા અને રાજકોષીય ખાધ વધવા ન દેવી એવો ઈલમ તેઓ શોધી રહ્યાં છે. જો કે જનમાનસમાં પ્રજાને કોઈ પણ બહાને ખંખેરતા રહેવાની ભાજપની જે ઈમેજ છે એ આગામી બજેટથી તૂટી શકે એમ નથી અને એવો કોઈ ભાજપનો એજન્ડા પણ નથી. અગાઉ નિર્મલા સીતારામને વિવિધ ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી હતી. ભાજપ કોઈની વાત પણ સાંભળી શકે એમ હોય તો એ નવાઈ છે. શાસન કરો અને કાન બંધ રાખો - એવી તેમની પોલિસી હોય એવો પ્રજાનો અનુભવ છે. નિર્મલા સીતારામન, પીયૂષ ગોયલ અને નીતિન ગડકરી આ ત્રણ પ્રધાનોએ તો ફુગાવાને અંકુશમાં રાખવાનો કસબ શીખવો જોઈએ. કારણ કે મોદીના પ્રધાનમંડળની આ ત્રિપુટી પર સરકારનું જહાજ કઈ દિશામાં તરશે એનો મહત્ આધાર રહેલો છે.
રિઝર્વ બેન્કે તબક્કાવાર વ્યાજદરને નીચે લઈ જવાનો વ્યાયામ ચાલુ રાખ્યો છે જે હવે સ્થિર છે. ઘટાડો કર્યા પછી પણ રિઝર્વ બેન્કના અર્થશાસ્ત્રીઓને સંતોષ નથી. તેઓ થોડો સમય પસાર થયા પછી હજુ કંઈક ઘટાડો કરે એવી દહેશત છે. ભાજપના સત્તારોહણના પ્રથમ પંચવાર્ષિક સમયગાળામાં નાની બચતોનું તો જાણે કે પ્રાણ પંખેરું જ ઉડી ગયું. બીજા પંચકમાં બાકીની તમામ બચતોના વ્યાજ ઘટાડવાની મુરાદ એનડીએ સરકાર ધરાવતી હતી. હવે આ ચાલુ થયેલા ત્રીજા પંચમાં એવી હવા છે કે નાની બચતોના વ્યાજદર કંઈક વધશે. વિકાસ દરનો અંદાજ પણ રિઝર્વ બેન્કે સતત ઘટાડવો પડયો છે. પાછલા બજેટ પાસેથી પ્રજાની અપેક્ષાની તુલનામાં બજારોની અપેક્ષા બહુ ઊંચી છે.
જ્યારે પણ સીતારામનને બોલવાનો મોકો મળ્યો છે ત્યારે તેમણે ફેરવી ફેરવીને એક જ વાત કહી છે કે આ જે વિકાસદર ઘટે છે એ તો વચગાળાનો સામાન્ય અને થોડા સમય માટેનો જ આંચકો છે. તેમણે એક વાર તો એમ કહ્યું કે વિકાસદર બતાવે છે એના કરતાં દેશ વધુ પ્રગતિ કરી રહ્યો છે! દુનિયાના કોઈ નાણાંપ્રધાન આવા હાસ્યાસ્પદ વિધાનો ન કરે. સહુ ભાજપની દ્વિમૂર્તિને રાજી રાખવા માટે અસત્યના આંગણે આળોટે છે અને એમાં નિર્મલા પણ બાકાત શાને હોય? પાયાની હકીકતો ન સ્વીકારવાની ભાજપને જે ગળથૂથી ટેવો પડેલી છે એના પ્રભાવથી સૌથી વધુ જો કોઈ મુક્ત હોય તો નીતિન ગડકરી છે. સીતારામનની એ તાકાત નથી કે જે દેખાય કે અનુભવાય છે એ બોલી શકે.
જુદા જુદા ઉદ્યોગપતિઓ સાથેની અને વિધવિધ ઔદ્યોગિક - વેપારી મહામંડળો સાથેની બેઠકોથી નિર્મલાજીને કેટલું બ્રહ્મજ્ઞાન લાધ્યું તે તો કોઈ જાણતું નથી, પરંતુ અરૂણ જેટલીએ દાખલ કરેલી પક્ષના ઓર્ડર પ્રમાણે બજેટ બનાવવાની પ્રથાને જ સીતારામન અનુસરતા આવ્યાં છે. ખરો ખ્યાલ નવા નાણાંકીય વરસના પ્રથમ ત્રિમાસિક ગાળા પછી એટલે કે હવે આવનારા બીજા ત્રિમાસિક ગાળા પછી આવશે. એ આકરી કસોટી છે, કારણ કે સરકારે અનેક રીતે અર્થતંત્રમાં પુનઃ પ્રાણસંચાર કરવા માટે જે હજારો કરોડ રૂપિયા બજારમાં યોગ્ય ચેનલોથી ઠાલવશે એની અસલી અસર પણ હવેના નાણાંકીય વરસના બીજા ત્રિમાસિક ગાળાના અંતે ખબર પડશે. રાહ જોઈને થાકી ગયેલા નોકરિયાત વફાદાર કરદાતાઓને આ વખતે આવકવેરો ઘટાડવાનો લાભ આપવો પડશે. પીયૂષ ગોયલ જ્યારે થોડા સમય માટે નાણાં પ્રધાન તરીકે ચાર્જમાં હતા ત્યારે તેમણે મથામણ કરેલી પણ આંશિક જ અને પરોક્ષ લાભ જ આપી શક્યા. એમણે કરદાતાઓનો પહેલીવાર સરકાર તરફથી જાહેર આભાર માનીને મન મનાવી લેવું પડયું હતું.
હજુ પાટનગર નવી દિલ્હીમાં વરસાદી પવન સાથે જ વહેતી થયેલી અફવા કે પિયુષ ગોયલને નાણાં પ્રધાન બનાવવામાં આવશે, એ અફવા શમી નથી. એનું એક કારણ એ પણ છે કે બજેટના કેટલાક વિભાગમાં તેઓ અનિયુક્ત સલાહકાર છે અને ગડકરી પણ અનિયુક્ત વત્તા આપડહાપણ સલાહકાર છે. બજેટ ભારતીય જનજીવનની બહુ ઉચ્ચ દરજ્જાની સમૃદ્ધિ તરફ દોરી જશે એવી આશા રાખવા ખાતર રાખી શકાય. પરંતુ સંપત્તિનું સર્જન, મૂડીવાદી વ્યાપારિક અભિગમ અને નવા ઔદ્યોગિક સાહસોની આ સરકાર તરફેણ કરે છે એવું જોવા મળતું નથી. આગામી બજેટથી સરકારની પસંદગીના ઉદ્યોગપતિઓની પ્રગતિ ધમધોકાર રહેશે એ એક જ આગાહી કરી શકાય એમ છે કે જે સાચી પડવાની હોય છે. છતાં નિર્મલા સીતારામન સામાન્ય નાગરિકની સમસ્યાઓને કેટલી હળવી કરી શકે છે એ જાણવાની જિજ્ઞાસા રાખીએ.