આકરા ઉનાળાની આગાહી .
દુનિયાના ૧૩૦ દેશોના પ્રતિનિધિઓ છેલ્લા દસ વરસમાં વિવિધ રીતે પંદરવાર ગ્લોબલ વોર્મિંગ સંબંધિત ચિંતાઓ કરી ચૂક્યા છે અને આવી ઉપાધિઓ માટે પેરિસ જ હવે તો જાણે ગ્લોબલ કેપિટલ બની ગયું છે. જે આગ અત્યારે અમેરિકન પ્રજા અનુભવે છે એ તો આપત્તિનો સાવ હળવો આરંભ છે. આ આગને ઓળખી લેવાની જરૂર છે. ટ્રમ્પના સત્તારોહણ પૂર્વે કુદરતે ચાંપેલો એ અગન પલિતો એ વાતની પણ યાદ અપાવે છે કે પર્યાવરણના દરેક કરારમાંથી ટ્રમ્પે તેમની પહેલી ઈનિંગમાં અમેરિકાને પારોઠના પગલા ભરાવ્યા હતા. એમનો જાજરમાન શપથોચ્ચાર સમારંભ સંપન્ન થઈ ગયો છે. હવે એક ધુની શાસક અમેરિકાના પુનરપિ સુકાની છે. ભારત સહિતના દેશોમાં આગામી ઉનાળો ધગધગતો હશે એવી આગાહી હવામાન શાસ્ત્રીઓએ કરી છે. ૩૫ સેન્ટિગ્રેડથી વધારાનું ઉષ્ણતામાન મનુષ્યના ચૈતસિક કોષો અને મસ્તિષ્કની સૂક્ષ્મ પ્રણાલિકાને કાયમી ધોરણે નુકસાન કરે છે. વધતા ઉષ્ણતામાનને કારણે કોઈ પણ દેશની બૌદ્ધિક સંપદામાં ઘટાડો થઈ શકે છે.
આગામી ઉનાળો મનુષ્યેતર જીવસૃષ્ટિ માટે ઘાતક છે. ચકલી અને કબુતર બે એવા પંખીઓ છે જેને ભારે ગરમીમાં ઉડ્ડયન વિના પણ હાંફ ચડી જાય છે અને પછી એકાએક જ તેઓ શ્વાસ ચૂકી જાય છે. કુદરતનું વ્યવસ્થાતંત્ર એવું છે કે જે આજે ઈતર જીવોએ ભોગવવાનું આવે તે જ આવતીકાલના વરસોમાં માનવજાતે વેઠવાનું આવે. ગ્લોબલ વોર્મિંગથી થઈ રહેલા જળવાયુ પરિવર્તનને કારણે છેલ્લા પચાસ વરસમાં દુનિયાના તમામ દેશોમાં આર્થિક અને સામાજિક ગતિમાં અવરોધ અથવા આશ્ચર્યજનક રીતે પ્ર-ગતિ નોંધાઈ છે.
છેલ્લી અરધી સદીમાં ગ્લોબલ વોર્મિંગને કારણે શ્રીમંત દેશો વધુ શ્રીમંત થયા છે અને ગરીબ પ્રજા વધુ ગરીબ બની છે. સ્ટેનફર્ડ યુનિવર્સિટીના સંશોધક પ્રાધ્યાપકોની એક ટુકડીએ અખંડ પરિશ્રમથી કરેલા અભ્યાસમાં સપાટી પર આવેલા તારણો એક રીતે વિકાસશીલ અને અવિકસિત દેશો માટે ચેતવણીની નવી ઘંટડી છે.
આ સંશોધન કહે છે તે પ્રમાણે વધતા ઉષ્ણતામાનને કારણે ભારતીય અર્થતંત્રને એકત્રીસ ટકા નુકસાન જઈ રહ્યું છે. એટલે કે ગ્લોબલ વોર્મિંગની ભયાનક નકારાત્મક અસરો ભારત પર ન પડી હોત તો આપણું અર્થતંત્ર હજુ તેત્રીસ ટકા વધુ આગળ વધી ગયું હોત. આપણે વિકાસની જે કલ્પના કરીએ છીએ તે તો ક્યારનીય સાકાર થઈ ગઈ હોત. આનો અર્થ એ છે કે આપણે હવે કુદરતનું સંતુલન વેરવિખેર કરવાની આકરી કિંમત ચૂકવવા લાગ્યા છીએ. અને તોય આ માત્ર ઘેરી કરૂણતાનો પ્રથમ અધ્યાય જ છે. આગળના ખતરનાક વળાંક માટે નાછૂટકે સહુએ તૈયાર રહેવાનું છે. દુનિયાના દેશો વચ્ચે જળ યુદ્ધ શરૂ થવાને ઝાઝાં વરસોની વાર નથી. કારણ કે પર્યાવરણને આપણે વાતોના વડા તરીકેનો વિષય બનાવેલો છે. એમાં વિચાર હિમાલય જેવડા છે અને અમલવારીમાં શૂન્યાવકાશ પ્રવર્તે છે.
સ્ટેનફર્ડ યુનિવર્સિટીના આ નૂતન સંશોધન પ્રમાણે સુદાનને ૩૬ ટકા, નાઈજિરિયાને ૨૯ ટકા, ઇન્ડોનેશિયાને ૨૭ અને બ્રાઝિલને ૨૫ ટકાનું નુકસાન ગયું છે. એટલે કે ગ્લોબલ વોર્મિંગ તરફની ઉદાસીને કારણે એ દેશોનો આર્થિક વિકાસ એટલો પાછો પડયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈ. સ. ૧૯૧૦ થી ઈ. સ. ૨૦૨૪ દરમિયાનના દરેક દેશો વચ્ચેના આર્થિક વિકાસ વચ્ચેના ભેદના કારણોમાં ૨૫ ટકા યોગદાન તો પર્યાવરણીય અસમતુલાથી વધતું જતું ઉષ્ણતામાન જ છે. કારણ કે તાપમાનની સીધી અસર કુદરતી અને ઔદ્યોગિક એમ બન્ને પ્રકારની ઉત્પાદકતા પર થાય છે. એ રીતે છેલ્લા પચાસ વરસના ૧૬૫ દેશોના ઉષ્ણતામાન અને એના રાષ્ટ્રીય વિકાસ દરની તુલનાત્મક વિવેચના કરવામાં આવી છે.
નવાઈની વાત એ છે કે ગ્લોબલ વોર્મિંગથી જે ઠંડા દેશોનું ઉષ્ણતામાન વધ્યું છે એને આનો લાભ પણ થયો છે. જેમ કે નોર્વેનું ઉષ્ણતામાન વધીને સામાન્યની નજીક પહોંચી ગયું છે. તો એનો રાષ્ટ્રીય વિકાસ દર ઊંચે ને ઊંચે જવા લાગ્યો છે. એનાથી વિપરીત ભારત જેવા સમશીતોષ્ણ કહેવાતા પણ અનુભવે ખરેખર ઉષ્ણ બની ગયેલા દેશનું તાપમાન વધવાથી આર્થિક વિકાસનો ઘટાડો આપણે ભોગવવાનો આવ્યો છે. વધતા જતા ઉષ્ણતામાને જૈવવૈવિધ્ય પર પણ ગંભીર અસર કરી છે. અંદાજે વિવિધ જીવસૃષ્ટિની દસ લાખ પ્રજાતિઓ સંપૂર્ણ નામશેષ થવાના આરે છે. વરસાદી જંગલોનો નાશ થતો જાય છે અને બાકીના જંગલો પણ ઝાંખા થઈ ગયા છે. પડતર જમીનો તો દરેક દેશ પાસે લાખો અને કરોડો હેક્ટરની છે પણ એના પર નવા જંગલો વિકસાવવામાં કોઈ પણ દેશના કોઈ રાજકર્તાને રસ નથી.