Get The App

પિનકોડને ત્રેપનમું બેઠું .

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
પિનકોડને ત્રેપનમું બેઠું                                     . 1 - image


સરનામામાં પિનકોડ લખવાની પરંપરાને આપણે ત્યાં તાજેતરમાં બાવન વર્ષ પૂરાં થયાં. મોટી સંખ્યામાં લખવામાં આવતા પત્રો, આદેશો, સરકારી દસ્તાવેજો કે અન્ય પ્રકારની ટપાલો અને સામગ્રીઓને ચોક્કસ વિસ્તાર પ્રમાણે વહેંચવાની મુશ્કેલ કામગીરીને સરળ બનાવવા માટે ૧૫ ઓગસ્ટ ૧૯૭૨ના દિવસથી પિનકોડ લખવાની અને લાગુ કરવાની શરૂઆત કરવામાં આવી હતી.

પિનકોડમાં આંકડામાં છ અંક હોય છે. આ છ આંકડા એવી રીતે ગોઠવવામાં આવ્યા હોય છે કે જેથી દરેક પોસ્ટને તેના નિશ્ચિત વિસ્તારની પોસ્ટ ઓફિસ સુધી હેમખેમ અને ત્વરાથી પહોંચાડી શકાય. પિનકોડનો પહેલો આંકડો દેશના ચાર ભાગને રજૂ કરે છે. જેમ કે ઉત્તર ભારત માટે ૧-૨, પશ્ચિમ ભારત માટે ૩-૪, દક્ષિણ ભારત માટે ૫-૬, પૂર્વ ભારત માટે ૭-૮. જેમ કે, ગુજરાત ભારતના પશ્ચિમ ભાગમાં છે એટલે આપણે ત્યાં પિનકોડની શરૂઆત ૩થી થાય છે. 

ત્યાર પછીનો બીજો આંકડો રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશને અપાયેલો અંક હોય છે. ત્રીજો આંકડો પેટા વિસ્તાર, જિલ્લાને અપાયેલો અંક હોય છે. તેના આધારે દરેક જિલ્લાની પોસ્ટ ઓફિસ નક્કી થતી હોય છે. ત્યારબાદ અંતિમ ત્રણ આંકડા સરનામું જ્યાંનું હોય તેને લાગુ પડતી પોસ્ટ ઓફિસને દર્શાવતા હોય છે. તેના થકી જ કોઈપણ પોસ્ટ યોગ્ય રીતે યોગ્ય વ્યક્તિ અને સરનામા સુધી પહોંચતી હોય છે. 

પોસ્ટલ ઈન્ડેક્સ નંબર એટલે કે પિનકોડની શરૂઆત  ભારતમાં આઝાદીના ૨૫ વર્ષ બાદ કરવામાં આવી હતી. આ સિસ્ટમ લાગુ કરવામાં તત્કાલીન કેન્દ્રિય સંચાર મંત્રાલયના એડિશનલ સેક્રેટરી શ્રીરામ ભિકાજી વેલંકરનું યોગદાન છે. તેમણે આ સિસ્ટમ લાગુ કરાવી તેની પહેલાં ખાસ કરીને ટોચની પોસ્ટ ઓફિસોના કર્મચારીઓને ૪,૦૦૦ જેટલાં નામ યાદ રાખવા પડતા હતાં. તે સમયે જે કર્મચારીઓ આ ચારેક હજાર નામ યાદ રાખી શકતા એ જ તમામ ટપાલોને અલગ તારવી શકતા અને તે પ્રમાણે વહેંચણી કરી શકતા હતા.

 દેખીતું છે કે આ કામ ખૂબ જ મહેનત માગી લે તેવું હતું. તેમાંય અધૂરાં સરનામાં કે પછી એકસરખાં નામ અને વિસ્તાર ધરાવતાં સરનામાને કારણે ખૂબ મુશ્કેલી ઊભી થતી હતી. તે સમયે ઈન્દિરા ગાંધીની સરકારમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવાયા. તેમાંનો એક નિર્ણય પિનકોડ સંબંધિત હતો. તે વખતના સંચાર મંત્રી એચ.એન. બહુગુણાએ પોતાના સચિવો સાથે આ મુદ્દે વિચારણા કરી અને ટપાલ ખાતામાં પિનકોડનો યુગ શરૂ થયો. 

આજે વોટ્સએપ, સ્નેપચેટ, ઈન્સ્ટાગ્રામ કે ઈમેલ દ્વારા એકબીજા સાથે કનેક્ટેડ રહેતી આધુનિક પેઢીને પિનકોડ શા માટે જરૂરી છે તેની ખબર નથી અને તે જાણવામાં રસ પણ નથી. અલબત્ત, ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરતી વખતે, અમેઝોન જેવી વેબસાઇટ્સ પર ઓનલાઇન વસ્તુઓ ઓર્ડર કરતી વખતે તેમણે સરનામામાં પિનકોડ નંબર તો લખવો જ પડે છે. વેબસાઈટ ઉપર ખરીદી કરતી વખતે પિનકોડ એન્ટર કરીને કોઈ વસ્તુ તમારા વિસ્તારમાં ડિલીવર થાય છે કે નહીં તે જાણી શકાય છે. આજના ઈ-કોમર્સ યુગમાં આપણે જે લોકેશનનો ઉપયોગ કરીએ છીએ તેમાં જે એડ્રેસ આવે છે તેમાં પણ પિનકોડનો ઉપયોગ કરવામાં આવે છે.   

આપણે જ્યારે આપણું સરનામું કોઈને આપતા હોઈએ છીએ અથવા તો કોઈ ફોર્મ ભરતા હોઈએ ત્યારે એડ્રેસમાં પિનકોડ શા માટે લખવો પડે છે તેની આપણને ખબર હોવી જોઈએ. દુનિયાભરમાં પોસ્ટલ સિસ્ટમ ખૂબ જ જૂની અને જાણીતી કોમ્યુનિકેશન સિસ્ટમ છે.  પત્રલેખન પણ એક કળા છે. આજના સોશિયલ મીડિયાના, ખાસ તો વોટ્સએપના જમાનામાં લોકો પત્રો લખતા ભૂલી ગયા છે. આપણે ભલે ડિજિટલ યુગમાં જીવતા હોઈએ, પણ પિનકોડ નંબર વગર આપણો છૂટકારો નથી. 

આપણે ગમે તે કહીએ કે દુનિયા ટેક્નોલોજીની બુલેટ ટ્રેનની સવારી કરી રહી છે, પણ જે-તે વસ્તુને સાચા એડ્રેસ ઉપર પહોંચાડવા માટે તો પિનકોડ જરૂરી છે જ. પિનકોડ વગરના એડ્રેસથી કેવી ગરબડ થઈ શકે છે તેની કલ્પના કરી જૂઓ. ટપાલ જ શા માટે, કુરિયર મોકલવું હોય તો પણ પિનકોડ સાથેનું એડ્રેસ જરૂરી છે. ભલે પિનકોડ લાગુ થયાના પાંચ દાયકા વીતી ગયા હોય પણ પિનકોડ છેવટે તો તમામ એડ્રેસનું મૂળ અને કુળ છે. 


Google NewsGoogle News