Get The App

કોંગ્રેસની કલહ ચિંતા .

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
કોંગ્રેસની કલહ ચિંતા                                                         . 1 - image


ચૂંટણીઓ નજીક આવે ત્યારે કેટલાક પક્ષો, કેટલીક પડતર વિચારધારાઓ અને કેટલાક મમી સજીવન થઈ જતા હોય છે. જોકે કોંગ્રેસ હવે કંઈ નિષ્પ્રાણ પક્ષ નથી અને રાજ્યવાર વિધાનસભાઓ પર નજર નાંખો તો ભાજપે કંઈ દિગ્વિજય કરી લીધો નથી, પરંતુ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય રાજનૈતિક વાતાવરણમાં જે છાજતા અને અણછાજતા એમ બન્ને પ્રકારનાં પરિવર્તનો આવવાના છે તેની શરૂઆત થઈ ગઈ છે. હમણાં હૈદરાબાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. દિવસભર ચાલેલી બેઠકમાં ઈન્ડિયા ગઠબંધનમાં એકતા જાળવવા પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો હોય તો તે સ્વાભાવિક હતું. આ બેઠકમાં સ્પષ્ટ જોવા મળ્યું કે કોંગ્રેસને હૈયે હજુ એ ફાળ પડી છે કે પત્તાનો મહેલ કડડભૂસ થતા વાર નહીં લાગે. નવા સંગઠનમાં આંતરકલહ ન થાય એ કોંગ્રેસ માટે મોટી ઉપાધિ છે.

મલ્લિકાર્જુન ખડગેના અધ્યક્ષ બન્યા પછી પુનઃગઠિત પાર્ટી વર્કિંગ કમિટીની આ પહેલી બેઠક છે, જ્યારે લોકસભા ચૂંટણીને માત્ર થોડા મહિના જ બાકી છે. બીજી મોટી વાત એ છે કે આ દરમિયાન વિપક્ષી પાર્ટીઓની એકતાના મોરચે એટલી પ્રગતિ થઈ છે કે થોડા સમય પહેલા સુધી તે લગભગ અશક્ય માનવામાં આવતું હતું. વિપક્ષી પાર્ટીઓના ઈન્ડિયા ગઠબંધનનું અસ્તિત્વમાં આવવું એ એક એવી બાબત છે જેણે તેમના ઉત્સાહ અને મનોબળમાં ઘણો વધારો કર્યો છે. કોંગ્રેસનું ધ્યાન અત્યારે જેટલું સ્વપક્ષનું બાહુબળ વધારવામાં નથી એટલું ધ્યાન ઈન્ડિયા ગઠબંધનનો સંપ જાળવવામાં છે. જોકે ધ્યાન રાખવું જરૂરી નથી, કારણ કે ઈન્ડિયા ગઠબંધનના તમામ ઘટક પક્ષોને ખબર છે કે તેઓ એકબીજાને ટેકે ઊભેલા છે. કોંગ્રેસને એવી પણ આશા છે કે એન્ટી-ઈન્કમ્બન્સીનો લાભ પણ ઈન્ડિયા ગઠબંધનને મળશે.

આવી સ્થિતિમાં, કોંગ્રેસ વકગ કમિટીની બેઠક દરમિયાન પણ, પાર્ટી નેતૃત્વએ આ ગઠબંધનના માર્ગને સરળ બનાવવા માટે તેના મુખ્ય પડકાર તરીકે યોગ્ય રીતે બૌદ્ધિક વ્યાયામનો આશ્રય લીધો. અલબત્ત, પંજાબ અને દિલ્હી જેવાં એકમોમાં આ ગઠબંધનને લઈને પાર્ટીની અંદર ઘણી અસ્વસ્થતા છે. પાર્ટી નેતૃત્વના આ પ્રયાસોને જમીન પર કેટલી સફળતા મળે છે તે જોવું રહ્યું. આ વર્ષે યોજાનારી વિવિધ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરવાનો સમય આવશે ત્યારે તેની ખરી કસોટી થશે.

ઈન્ડિયા ગઠબંધનના તમામ ખેલાડીઓ માટે પોતપોતાના રાજ્યના રાજકારણમાં કેવો અભિગમ રાખવો તે એક કોયડો છે, કારણ કે અનેક રાજ્યોમાં તેઓ પરસ્પર વિરોધી મોરચા ખોલીને બેઠા છે.

જોકે, સમયાંતરે એવું કહેવામાં આવે છે કે ઈન્ડિયા ગઠબંધન લોકસભાની ચૂંટણી માટે છે અને જો વિધાનસભાની ચૂંટણીમાં પણ કોઈ સમજૂતી નહીં થાય તો પણ તેનાથી બહુ ફરક નહીં પડે. પરંતુ જે પક્ષો અને નેતાઓએ સામાન્ય ચૂંટણીઓમાં સાથે મળીને લડવાની પ્રતિજ્ઞાા લીધી હોય તેઓ વિધાનસભાની ચૂંટણીમાં એકબીજાના લોહીના તરસ્યા જોવા મળે તો મતદારોના મન અને મૂડ પર તેની અસર ન થાય તે શક્ય નથી. કદાચ તેથી જ કોંગ્રેસ વર્કિંગ કમિટીએ નિર્ણય લીધો છે કે ઈન્ડિયા બ્લોક સાથે સીટ શેરિંગ વાટાઘાટો વહેલી તકે પૂર્ણ થવી જોઈએ, પરંતુ કોંગ્રેસે પણ પોતાની અંદર ઘણી સમસ્યાઓ ઉકેલવાની છે. કોંગ્રેસમાં આંતરવિગ્રહ એક સામાન્ય પ્રણાલિ છે. દરેક રાજ્યોમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયો એક આંતરવિગ્રહનો અખાડો છે. ગુજરાતમાં પણ એમ જ છે.

જ્યારે ખડગેએ પ્રદેશ પ્રમુખોને પૂછયું કે તેઓ બ્લોક સ્તરે કેવા પ્રકારની તૈયારીઓ કરી રહ્યા છે અને શું તેઓએ તેમની બાજુથી સારા ઉમેદવારોની યાદી તૈયાર કરી છે, ત્યારે તેઓ સંગઠનાત્મક તૈયારીઓ સંબંધિત આ પડકારો તરફ ઈશારો કરી રહ્યા હતા. કોંગ્રેસની નેતાગીરી આને કેટલી ગંભીરતાથી લઈ રહી છે તેનો અંદાજ બે બાબતો પરથી લગાવી શકાય છે. એક તો લાંબા સમય બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક દિલ્હીની બહાર અને તે પણ તેલંગાણામાં, જ્યાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યાં યોજવામાં આવી. બીજું, સંસદના શરૂ થઈ રહેલા વિશેષ સત્રને ધ્યાનમાં રાખીને બેઠકમાં હાજર રહેલા સાંસદો તરત જ દિલ્હી પરત ફર્યા હતા, પરંતુ બાકીના સભ્યોને તેલંગાણાના કેટલાક વિધાનસભા મતવિસ્તારમાં જઈને ત્યાંની તૈયારીઓનું નિરીક્ષણ કરવાનું કહેવામાં આવ્યું હતું. દેખીતી રીતે, કોંગ્રેસ સમજી રહી છે કે ઈન્ડિયા ગઠબંધનની એકતા આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેેસ તેની કેન્દ્રીય શક્તિ તરીકે કેટલી મજબૂત બને છે તેના પર ઘણી નિર્ભર રહેશે.


Google NewsGoogle News