મહારાષ્ટ્રના મતદારોની મુંઝવણ .
ભારતનું આર્થિક પાટનગર ધરાવતું મહારાષ્ટ્ર તમામ આયામોમાં સૌથી મહત્ત્વનું રાજ્ય સાબિત થાય છે. રાજકીય રીતે, સામાજિક રીતે, આર્થિક રીતે, સાંસ્કૃતિક રીતે અને પ્રભાવની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર ભારતની કરોડરજ્જુના સૌથી મહત્ત્વના મણકા ધરાવે છે. માટે રાષ્ટ્રીય સ્તરના રાજકીય પક્ષો માટે મહારાષ્ટ્ર અંકે કરવું ફરજિયાત હોય છે. મહારાષ્ટ્રની સત્તા હાંસલ કરવા માટે પક્ષો અને નેતાઓ અભૂતપૂર્વ આંટીઘૂંટી સાથેનું રાજકારણ ખેલવા તૈયાર હોય છે. મહારાષ્ટ્ર રાજકીય લેબોરેટરી પણ છે. અત્યારે મહારાષ્ટ્રની હવામાં સહેજ ભારેપણું છે. વીસમી નવેમ્બરે ૨૮૮ બેઠકો માટે મતદાન થવાનું છે. લોકસભામાં ૪૮ બેઠકો ધરાવતા મહારાષ્ટ્રના ભાવિનું ૨૩મી નવેમ્બરે રિઝલ્ટ આવશે. કયો પક્ષ દિવાળી મનાવશે અને કયા પક્ષના ફટાકડા ફૂટયા વિનાના રહેશે એ કળી શકાય એમ નથી.
મહારાષ્ટ્ર રાજ્યની અંદર ૩૮ ભાષા બોલાય છે એમાંથી ૧૨ પ્રકારની તો જુદી જુદી મરાઠી છે. જેટલી ભાષા એટલા સમુદાય. એ ઉપરાંત વર્ગ, ધર્મ, નાતજાત, પ્રદેશ, જાતિ કે જનજાતિ, ક્વોટા કે જનરલ વર્ગ, શહેરી કે ગ્રામ વિસ્તાર, ખેડૂત કે બિનખેતી વર્ગના માણસો, સ્થાનિક કે સ્થાનાંતરિત - એમ ઘણાં બધાં ખાનાંમાં જીવતા લાખો - કરોડો લોકો છે. દરેકની સમસ્યા જુદી છે, દરેકની અપેક્ષા અલગ છે અને દરેકનો વિશ્વાસ જીતવો ખૂબ અઘરો. મહારાષ્ટ્રમાં ખૂબ ધનિક લોકો વસે છે ને ખૂબ ગરીબ લોકોની ગંજાવર વસાહતો છે. મહારાષ્ટ્ર પોતાની અંદર એક ગ્લેમરની દુનિયા વસાવીને બેઠું છે તો બીજા છે છેવાડે ગરીબી રેખા નીચે જીવતા લોકોનો મોટો સમુદાય છે. નક્સલવાદના દૂષણને તો હજુ ધ્યાનમાં નથી લેતા.
મહારાષ્ટ્રની ધરતીએ ક્રાંતિઓ જોઈ છે, યુગ પ્રવર્તક સુધારણા પ્રવૃત્તિઓ જોઈ છે. અહી જ્યોતિબા ફૂલેથી લઈને આંબેડકર સાહેબ સુધીના સપૂતોએ દેશ કાજે યોગદાન આપ્યું છે. દેશભક્તિના પહોળા વ્યાપની અંદર બીજા પ્રકારની પ્રદેશ ભક્તિની આહલેક જગાડનાર બાલાસાહેબ ઠાકરેની આ ભૂમિનાં રાજકીય સમીકરણો હંમેશા અટપટા રહ્યાં છે. આ સંતોની ભૂમી છે, ઉદ્યોગોની ભૂમિ છે અને લેટેસ્ટ ટેકનોલોજીને પ્રોત્સાહન આપતી ભૂમિ છે. અહીંના લોકોનો વિશ્વાસ જીતવો અઘરો છે, કારણ કે અહીં અપાર વૈવિધ્ય છે. આવી સમૃદ્ધ ભૂમિ હોવા છતાં મરાઠી નાગરિક અત્યારે મૂંઝાયેલો છે. કોને મત આપવો એ પ્રશ્ન ગૌણ બન્યો છે. પણ આટલા બધા રાજકીય પક્ષો કે તે પક્ષોની યુતિ મહારાષ્ટ્ર ખાતે રચાઈ છે તો એમાંથી સૌથી ઓછો ખરાબ ઓપ્શન કયો છે - તે સવાલ મરાઠી પ્રજાને થઈ રહ્યો છે. મહારાષ્ટ્રના રાજકારણમાં કેઓસ પથરાયેલો છે.
મહારાષ્ટ્રની ચૂંટણીની જાહેરાત થઈ પછી પક્ષ અને વિપક્ષોના આત્મવિશ્વાસનો ગ્રાફ સતત બદલાતો રહે છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને ધાર્યા મુજબ સીટ ન મળતાં કોંગ્રેસ અને સાથીપક્ષો થોડા ગેલમાં આવી ગયા હતા, પણ હરિયાણામાં જીત થતાં ભાજપે આત્મવિશ્વાસ પાછો મેળવ્યો છે. હવે ઝારખંડ અને મહારાષ્ટ્ર જીતવું અશક્ય નથી તે અભિગમ કેસરિયા ખેસધારી કાર્યકર્તાઓમાં આવ્યો છે. બીજેપી - શિવસેના અને એનસીપીની મહાયુતી કોંગ્રેસ - શિવસેના (યુબીટી) - શરદ પવારના એનસીપી વચ્ચે વોટબેંક અંકે કરવાની ખેંચતાણ મોટાપાયે શરૂ થઈ છે, પણ મતદારો આસાનીથી રીઝે એમ નથી, કારણ કે મહારાષ્ટ્રનો વિકાસ માત્ર મુંબઈના બ્રિજ/મેટ્રો અને પુણે સુધી સીમિત રહી ગયો છે એવું મહારાષ્ટ્રની પ્રજા માનવા લાગી છે. રાજકીય સ્થિરતા કે મોટી બહુમતી આ રાજ્યે ખાસ્સા સમયથી જોઇ નથી. મુંબઈ તેની રોનક ગુમાવી રહ્યું છે.
અતિશય શહેરીકરણ હવે તેના ગેરફાયદા બતાવી રહ્યું છે. જાહેરાતના મોટા હોર્ડિંગ માથે પડે અને લોકોના મૃત્યુ થાય, અતિવૃષ્ટિને કારણે વાહન વ્યવહાર ખોરવાઈ જાય જેવા કારણો તો ખરા જ. પણ પર્યાવરણીય પતન દેખાઈ રહ્યું છે. આર્થિક સમૃદ્ધિ ઘટી રહી છે. મહારાષ્ટ્રમાં આટલા બધા ઉદ્યોગો હોવા છતાં મહારાષ્ટ્ર સરેરાશ વાર્ષિક આવકના સર્વેમાં આખા દેશમાં છેક અગિયારમાં ક્રમે આવે છે. મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટો આવી રહ્યા છે પણ તેના કારણે રાજ્યનો ખાસ વિકાસ થતો નથી. જેમ કે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવી સિકલ બદલી નાખવાનો ગંજાવર પ્રોજેક્ટ સરકારી મંથર ગતિએ ચાલી રહ્યો છે. પ્રજાને રાજકરણીઓ ઉપર બહુ ભરોસો રહ્યો નથી. મરાઠી માનુસનું દિલ જીતવું સહેલું નથી. મહારાષ્ટ્રમાં બિન મરાઠી લોકો લાખોની સંખ્યામાં છે. ગુજરાતીઓ સિવાયના પણ બીજા રાજ્યમાંથી આવેલા લોકોનો મોટો વર્ગ છે. તે બધાનો મત પણ મહારાષ્ટ્રની ચૂંટણીમાં નિર્ણાયક બની શકે.