આકાશી ખેતીની વ્યાધિ .
ભારતમાં, ચોમાસાની ઋતુ ખેડૂતો માટે મહત્ત્વનો સમયગાળો છે, ખાસ કરીને એ ખેડૂતો માટે જે નાનાં કે સીમાંત ખેતરો ધરાવે છે. ઘણાં રાજ્યોમાં અપૂરતી સિંચાઈની સુવિધાને કારણે, આ ખેડૂતો તેમની આજીવિકા માટે ચોમાસાના વરસાદ પર ખૂબ નિર્ભર છે. વરસાદ સારો પડે તો પણ તેમની ચિંતા ઓછી થતી હોતી નથી, કારણ કે વરસાદી પાણીના સંગ્રહની સારી સુવિધા ભારતના ખેડૂતો પાસે નથી. ઈસવી સન ૧૯૫૦ના દાયકાની ફિલ્મ 'દો બીઘા જમીન'ના અમુક પ્રતીકાત્મક દ્રશ્યોેમાંથી એક સીનમાં એક સીમાંત ખેડૂતના પરિવારને આકાશ તરફ બેચેનીથી જોતા દર્શાવવામાં આવ્યા છે. તેઓ શું કામ આકાશ તરફ જોઈને લાચારી ભરી દ્રષ્ટિથી પ્રાર્થના કરે છે? જો વરસાદ નહી આવે તો તે ખેડૂતોની નાની જમીનને મકાનમાલિક કબ્જે કરી લેશે. તે એક કરૂણ દ્રશ્ય હતું.
તે ફિલ્મ હતી. આપણે વાસ્તવિકતાની વાત કરીએ છીએ. હકીકત એ છે કે આજે સાત દાયકા પછી પણ વાસ્તવિક પરિસ્થિતિ મોટા ભાગે યથાવત છે. ભારતના લાખો નાના ખેડૂતો, ખાસ કરીને જેઓ ખરીફ (ઉનાળુ) પાક પર આધાર રાખે છે તેમના અસ્તિત્ત્વ માટે સમયસર વરસાદ હજુ પણ નિર્ણાયક છે. પરિણામે, દર વર્ષે ચોમાસાની કાગડોળે રાહ જોવાય છે. એક પણ વર્ષ વરસાદ ઓછો આવ્યો તો ખેડૂતોને બહુ નુકસાન થઈ શકે. દેશના મહત્વના ભાગોમાં ચોમાસાની શરૂઆત મોડી થઈ હતી. સામાન્ય રીતે, ચોમાસુ દક્ષિણના રાજ્યોમાં ૧ જૂનની આસપાસ શરૂ થાય છે અને જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં સમગ્ર દેશમાં ફેલાય છે, જે ખેડૂતોને ચોખા, બાજરી, કપાસ, મકાઈ, કઠોળ, સોયાબીન અને શેરડી જેવા ખરીફ પાકની વાવણી કરવાની તક આપે છે. આ વર્ષે, ચોમાસું કેરળમાં બે દિવસ વહેલું પહોંચ્યું હોવા છતાં, તેની ઉત્તર દિશા તરફની પ્રગતિ નોંધપાત્ર રીતે ધીમી પડી, જેના કારણે જૂનના મધ્ય સુધી અપૂરતો કહી શકાય એવો વરસાદ થયો. ખરીફ પાકની વાવણીને અસર થઈ. શાકભાજી મોંઘાં થયાં.
IMDના તાજેતરના મૂલ્યાંકન મુજબ, દેશમાં ૧૮ જૂન સુધી ૬૪.૫ mm વરસાદ નોંધાયો હતો, જે ૮૦.૬ mm ની લાંબા ગાળાની સરેરાશ કરતાં ૨૦ ટકા ઓછો હતો. જુલાઈનો વરસાદ પણ ઓછો છે. દક્ષિણનાં રાજ્યોને બાદ કરતાં અન્ય તમામ પ્રદેશોમાં મધ્યમથી ઉચ્ચ સ્તરના વરસાદની ઉણપ જોવા મળી રહી છે. ઉત્તર-પશ્ચિમ ક્ષેત્ર સૌથી વધુ અસરગ્રસ્ત છે, જેમાં ૭૦ ટકા વરસાદ ઓછો છે, જ્યારે મધ્ય ભારતમાં વરસાદની ૩૧ ટકાની અછતનો સામનો કરવાનો વખત આવ્યો છે. આ વિસ્તારોમાં માત્ર અત્યંત ઓછો વરસાદ જ થયો નથી, પરંતુ ભારે ગરમીનો પણ અનુભવ થયો છે, જે ખેડૂતો માટે વરસાદના આગમન પછી વાવેતર શરૂ કરવા માટેના પડકારોમાં વધારો કરે છે. શુષ્કતા અને ગરમીનું આ મિશ્રણ કૃષિ ક્ષેત્ર માટે ગંભીર ચિંતાનો વિષય છે. આ વખતે સમગ્ર ભારતમાં રેકોર્ડ બ્રેક ગરમી અને બફારો રહ્યા છે.
પાંચ દાયકા પહેલા શરૂ થયેલી હરિયાળી ક્રાંતિ હોવા છતાં, ભારતના ખેડૂતોનો એક મોટો વર્ગ ઘણા રાજ્યોમાં અપૂરતી સિંચાઈ સુવિધાઓને કારણે ચોમાસા પર ભારે નિર્ભર રહે છે. ૨૦૧૯-૨૦માં ચોખાનું ૬૫% ઉત્પાદન સિંચાઈ હેઠળ હતું. જોકે, સિંચાઈની ઉપલબ્ધતામાં રાજ્યોમાં નોંધપાત્ર તફાવતને કારણે આ આંકડો ગેરમાર્ગે દોરનારો છે. ઉદાહરણ તરીકે, સૌથી વધુ ચોખા ઉત્પાદક રાજ્ય પશ્ચિમ બંગાળમાં માત્ર ૫૧ ટકા ચોખાની ખેતી સિંચાઈ હેઠળ છે, જ્યારે છત્તીસગઢ અને ઓડિશામાં સિંચાઈ હેઠળની ટકાવારી અનુક્રમે ૩૭ અને ૩૨ ટકા છે. NDA સરકાર દ્વારા બાજરીના વપરાશને લોકપ્રિય બનાવવાના પ્રયાસો પણ પડકારોનો સામનો કરી રહ્યા છે, કારણ કે જુવાર અને બાજરી જેવી મોટી બાજરીની જાતોમાં વ્યાપક સિંચાઈનો અભાવ છે. ૨૦૧૯-૨૦માં, માત્ર ૧૧ ટકા જુવાર અને ૧૫ ટકા બાજરીનું ઉત્પાદન સિંચાઈ હેઠળ હતું. સિંચાઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ એ કૃષિમાં દાયકાઓની ઉપેક્ષા અને અપૂરતા રોકાણનું પરિણામ છે.
૧૯૫૦ના દાયકામાં દેશના કુલ મૂડીરોકાણના લગભગ ૨૫ ટકા કૃષિને પ્રાપ્ત થયું હતું, પરંતુ આગામી ચાર દાયકામાં આ હિસ્સો અડધો થઈ ગયો હતો. ૧૯૯૧થી, કૃષિમાં રોકાણ સતત સિંગલ ડિજિટમાં રહ્યું છે, જે ૨૦૨૧-૨૨માં છ ટકાથી નીચે આવી ગયું છે. ખેડૂતોની આર્થિક સુખાકારી પર ચોમાસાની અનિશ્ચિતતાઓની પ્રતિકૂળ અસરોને ઘટાડવા માટે, સરકારે વ્યાપક સિંચાઈ સુવિધાઓ અને પર્યાપ્ત ડ્રેનેજ સિસ્ટમ્સ સુનિશ્ચિત કરીને કૃષિ વિકાસને પ્રાથમિકતા આપવાની જરૂર છે. આ રાજકીય ઇચ્છા વિના, ભારતના નાના ખેડૂતો પસાર થતી દરેક ચોમાસાની ઋતુ સાથે ચિંતા અને અનિશ્ચિતતાનો સામનો કરવાનું ચાલુ રાખશે. આપણો ખેડૂત ઉર્ફે જગતનો તાત રાહતનો શ્વાસ લેવાનું ક્યારે શરૂ કરશે તે જોવાનું રહ્યું.