એરફોર્સ વડા નારાજ છે .
બેંગલુરુમાં આયોજિત એરો ઈન્ડિયા ૨૦૨૫ દરમિયાન એક વ્યાખ્યાનમાં ભારતના એર ચિફ માર્શલ એ. પી. સિંહે કહ્યું કે તેમને જાહેર ક્ષેત્રની સંરક્ષણ કંપની હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડની ક્ષમતા પર હવે કોઈ વિશ્વાસ નથી. જો કે તે કથન કોઈ ઓફિશિયલ બ્રીફિંગનો ભાગ ન હતો, પણ યુટયુબ પર રીલીઝ થયેલો વીડિયો એરો ઈન્ડિયા સાથે સંબંધિત ઈવેન્ટનો છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે દેશના વાયુસેના વડાએ HAL દ્વારા સપ્લાયમાં વિલંબનો મુદ્દો ઉઠાવ્યો હોય. પરંતુ જે રીતે અને જે પ્રસંગે આ નિવેદન આવ્યું તે સામાન્ય નથી. દેશની સંરક્ષણ સજ્જતાને લઈને આવા વિવાદો કોઈ સારો મેસેજ આપતા નથી.
આ નિવેદન પાછળ એરફોર્સ ચિફની ચિંતા સમજી શકાય છે. વાયુસેનાને ફાઇટર જેટ તેજસ (LCA MK1-A) મેળવવામાં એક વર્ષથી વધુનો વિલંબ થયો છે. આ પ્રકારનો વિલંબ ખૂબ જ ગંભીર છે. ઉત્પાદનની આ મંથર ગતિ વાયુસેનાની લડાયક ક્ષમતાને અસર કરે છે. એર ચિફ માર્શલની આ ફરિયાદને હળવાશથી ન લઈ શકાય કે વારંવાર વિનંતી કરવા છતાં અને નવી સમયમર્યાદા આપવા છતાં તેનું પાલન થતું નથી. આટલા વિલંબના કારણો શું છે તેવો પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક છે. HALએ કહ્યું છે કે જે પણ ટેકનિકલ અડચણો હતી તે હવે દૂર કરવામાં આવી છે અને તેથી આગામી ત્રણ વર્ષમાં ૮૩ તેજસ એરક્રાફ્ટ ભારતીય એરફોર્સને આપવામાં આવશે. વાસ્તવમાં, આ પ્રક્રિયા સાથે સંકળાયેલી ઘણી ગૂંચવણો છે. વિલંબનું મુખ્ય કારણ અમેરિકન કંપની GE એરોસ્પેસ સમયસર F404 એન્જિન સપ્લાય કરવામાં સક્ષમ ન હોવાનું છે. બંને દેશો વચ્ચે ટેક્નોલોજી ટ્રાન્સફર કરારની જટિલતા પણ આડે આવે છે.
ભારતના સરહદી પડકારોના સંબંધમાં એર ચિફ માર્શલના વિચારોને તાગવા પણ જરૂરી છે. ચીનની સૈન્ય ક્ષમતા ભારત કરતા ઘણી વધારે છે. તાજેતરમાં તેણે છઠ્ઠી પેઢીના J-36 ફાઈટર જેટનું પ્રદર્શન કર્યું હતું. આ જ સમયે, પાકિસ્તાન બે વર્ષમાં તેની પાસેથી સ્ટીલ્થ જેટ પણ મેળવવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ભારતીય વાયુસેનાએ કોઈપણ સંભવિત પડકારનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડે અને તે માટે તેજસની સમયસર સપ્લાય જરૂરી છે.
તેજસ એ હળવા અને બહુગામી રોલ જેટ ફાઇટર એરક્રાફ્ટ છે જે ભારત દ્વારા વિકસાવવામાં આવ્યા છે. તે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા વિકસિત સિંગલ-સીટ, સિંગલ-જેટ એન્જિન છે. તે એક હળવું પણ ખતરનાક લડાયક વિમાન છે જે બહુવિધ ભૂમિકાઓ કરવા સક્ષમ છે. તે પૂંછડી વિનાનું, ડેલ્ટા વિંગ એરક્રાફ્ટ છે. તેને લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ અથવા LCA નામના પ્રોગ્રામ હેઠળ વિકસાવવામાં આવ્યું છે જેનો આરંભ ઈ. સ. ૧૯૮૦ના દાયકામાં થયો હતો. તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા ૪ મે ૨૦૦૩ના રોજ વિમાનનું સત્તાવાર નામ તેજસ જાહેર થયું હતું.
તેજસનું મર્યાદિત શ્રેણીનું ઉત્પાદન ૨૦૦૭માં શરૂ થયું હતું. હવે બે-સીટ ટ્રેનર સંસ્કરણ પણ વિકસાવવામાં આવ્યું છે. કારણ કે તેનું નેવલ વર્ઝન ભારતીય નૌકાદળના એરક્રાફ્ટ કેરિયર્સથી ઉડવા માટે સક્ષમ છે. ભારતીય વાયુસેનાને અહેવાલ મુજબ ૨૦૦ સિંગલ-સીટ અને ૨૦ બે-સીટ કન્વર્ઝન ટ્રેનર્સની જરૂર છે, જ્યારે ભારતીય નૌકાદળ તેના સી હેરિયર્સને બદલવા માટે ૪૦ સિંગલ-સીટ એરક્રાફ્ટનો ઓર્ડર આપી શકે છે. જુલાઈ ૨૦૧૬ માં ભારતીય વાયુસેનાના પ્રથમ તેજસ યુનિટની રચના કરવામાં આવી હતી, જેનું નામ નંબર ૪૫ સ્ક્વોડ્રન IAF ફ્લાઈંગ ડ્રેગર્સ હતું. ભારતીય વાયુસેનાની બીજી તેજસ સ્ક્વોડ્રનની રચના ૧ એપ્રિલ ૨૦૨૦ના રોજ કરવામાં આવી હતી. આ સ્ક્વોડ્રનને નંબર ૧૮ સ્ક્વોડ્રન આઈએએફ ફ્લાઈંગ બુલેટ નામ આપવામાં આવ્યું હતું. આ બંને સ્ક્વોડ્રન કોઇમ્બતુર નજીક સુલુરમાં સ્થાપિત છે.