રિયલ એસ્ટેટમાં હલચલ .
રિયલ એસ્ટેટમાં રોકાણ માટે પૂરું થવા આવેલું આ વર્ષ ઘણું સારું સાબિત થઈ રહ્યું છે. નવી જંત્રીના દેકારા વચ્ચે વર્ષે, રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં સંસ્થાકીય રોકાણમાં ગયા વર્ષની સરખામણીએ જંગી વધારો નોંધાયો છે. એટલું જ નહીં, પરંતુ તે રોકાણ રેકોર્ડ સ્તરે પણ પહોંચી ગયું છે. વિદેશી રોકાણકારોએ આ વર્ષે રિયલ એસ્ટેટમાં વધુ રસ દાખવ્યો છે અને નવાઈની વાત એ છે કે આ વર્ષે રેસિડેન્શિયલ સેક્ટરમાં સંસ્થાકીય રોકાણ સૌથી વધુ રહ્યું છે. ૨૦૨૪માં રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં ૮.૯ બિલિયન ડોલરનું સંસ્થાકીય રોકાણ છે, જે ગયા વર્ષના ૫.૮ બિલિયન ડોલરના રોકાણ કરતાં ૫૧ ટકા વધુ છે. આ અત્યાર સુધીનું વિક્રમી સંસ્થાકીય રોકાણ પણ છે. અગાઉ ૨૦૦૭માં ૮.૪ બિલિયન ડોલરનું વિક્રમી રોકાણ થયું હતું. આ વર્ષે ૬ ટકા વધુ સંસ્થાકીય રોકાણ થયું છે. આ વર્ષે આ સેક્ટરમાં ૭૮ સોદા થયા છે, જે ગયા વર્ષ કરતા ૪૭ ટકા વધુ છે. આ વર્ષે, રિયલ એસ્ટેટમાં સંસ્થાકીય રોકાણમાં વિદેશી રોકાણનો સૌથી મોટો હિસ્સો છે. જેએલએલ ઈન્ડિયાના આ અહેવાલ મુજબ, આ વર્ષે કુલ સંસ્થાકીય રોકાણમાંથી ૬૩ ટકા રોકાણ વિદેશી રોકાણકારોનું છે, ૩૭ ટકા રોકાણ સ્થાનિક ઉદ્યોગ દ્વારા કરવામાં આવ્યું છે. મોટા ભાગનું વિદેશી રોકાણ અમેરિકામાંથી આવ્યું છે. કુલ રોકાણમાં અમેરિકાનો હિસ્સો ૨૬ ટકા નોંધાયો છે. સામાન્ય રીતે રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં સંસ્થાકીય રોકાણ ઓફિસ અને શો-રૂમ સેક્ટરમાં સૌથી વધુ હોય છે, પરંતુ આ વર્ષે આ મામલે પ્રથમ વખત રહેણાંક ક્ષેત્રે ઓફિસ સેક્ટરને પાછળ છોડી દીધું છે. આ રિપોર્ટ અનુસાર, કુલ સંસ્થાકીય રોકાણમાં રેસિડેન્શિયલ સેક્ટરનો હિસ્સો સૌથી વધુ ૪૫ ટકા હતો, જ્યારે ઓફિસ સેક્ટરનો હિસ્સો ૨૮ ટકા નોંધાયો હતો. વેરહાઉસિંગ અને ઇન્ડસ્ટ્રિયલ પ્લોટિંગ સેક્ટર ૨૩ ટકા હિસ્સા સાથે ત્રીજા સ્થાને છે.
છેલ્લા બે વર્ષમાં, ભારતનું (નોમિનલ) રોકાણ કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)ના લગભગ ૩૩ ટકા હતું અને તે ૨૦૨૪-૨૫માં લગભગ સમાન સ્તરે રહેવાની સંભાવના છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં, તે ૩૩.૮ ટકા હતું. આ સ્તર રોગચાળા પહેલાંના વર્ષમાં ૩૧ ટકાના સ્તર કરતાં વધુ સારું હતું. વધુ મહત્ત્વની વાત એ છે કે દેશની ચાલુ ખાતાની ખાધ FY૨૪માં GDPના ૦.૭ ટકા હતી અને FY૨૫માં GDPના ૧.૬ ટકા થવાની ધારણા છે, જે FY૨૪માં લગભગ ૧.૨ ટકા હતી. FY૨૫માં ચાલુ ખાતાની ખાધ જીડીપીના એક ટકા જેટલી હતી. વર્ષ દરમિયાન ભારતની બચત જીડીપીના ૩૨ ટકા જેટલી હશે.
FY૨૪માં દેશની વાસ્તવિક GDP વૃદ્ધિ ૮.૨ ટકા હતી અને છેલ્લા ત્રણ વર્ષમાં તેની સરેરાશ ૮.૩ ટકા હતી. તો સરકારે કે પ્રજાએ બચત અને રોકાણની ચિંતા શા માટે કરવી જોઈએ? ચાલુ ખાતાની ખાધ એ રોકાણ અને ગ્રોસ ડોમેસ્ટિક સેવિંગ્સ (GDS) વચ્ચેનો તફાવત હોવાથી, દેશની બાહ્ય ખાધ અથવા ચાલુ ખાતાની ખાધમાં સ્થાનિક સહભાગીઓના હિસ્સાનું વિશ્લેષણ કરવું રસપ્રદ છે. કોઈપણ અર્થતંત્રમાં ત્રણ સહભાગીઓ હોય છે - કોર્પોરેટ ક્ષેત્ર (ખાનગી અને જાહેર નાણાકીય અને બિન-નાણાકીય કંપનીઓ સહિત), સરકાર (કેન્દ્ર અને રાજ્ય સરકારો) અને ઘરગથ્થુ ક્ષેત્ર. ચાલુ ખાતાની ખાધ આ ત્રણ સ્થાનિક સહભાગીઓની બચત અને રોકાણ વચ્ચેના તફાવત તરીકે માપી શકાય છે.
દેશનું વ્યાપાર ક્ષેત્ર મોટી ચોખ્ખી ઉધારી ધરાવતા ક્ષેત્રમાંથી સાધારણ ખોટવાળા ક્ષેત્રમાં પરિવર્તિત થયું છે. આનો અર્થ એ થયો કે છેલ્લા ઘણા વર્ષોથી, એટલે કે ૨૦૧૭ અને ૨૦૨૪ની વચ્ચે, વ્યવસાયિક રોકાણ કાં તો સેક્ટરની બચત કરતા બરાબર અથવા થોડું વધારે રહ્યું છે. અગાઉ, નાણાકીય વર્ષ ૨૦૦૬ અને ૨૦૧૧ વચ્ચે, નેટ બોરોઇંગનો દર જીડીપીના ૬-૮ ટકા હતો. આનું કારણ એ છે કે બિઝનેસ સેવિંગ્સ છેલ્લા દાયકામાં જીડીપીના ૧૩-૧૪ ટકાના ઉચ્ચતમ સ્તરે રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન, વ્યવસાયિક રોકાણ જીડીપીના ૧૪ ટકાની આસપાસ રહ્યું હતું. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૧૬ સુધી તે લગભગ ૧૭ ટકા હતું. આ જ સમયગાળા દરમિયાન સત્તાવાર ડેટા અનુસાર ૨૦૨૧ થી ચોખ્ખા ઉધારમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. આર્થિક સર્વે અનુસાર, સામાન્ય પરિવારોની નાણાકીય બચત ૨૦૨૩માં જીડીપીના ૫.૩ ટકાના નીચા સ્તરે આવી ગઈ છે. અમારું અનુમાન છે કે ૨૦૨૪માં તેમાં થોડો સુધારો થશે. એકંદરે, આ સૂચવે છે કે દેશની ચાલુ ખાતાની ખાધ તેથી નિયંત્રણ હેઠળ છે કારણ કે વેપાર ક્ષેત્ર સતર્ક છે. સરકારે સંકેત આપ્યો છે કે તે ડેટ-જીડીપી રેશિયો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે.