ઝારખંડમાં કપરાં ચડાણ .
મહારાષ્ટ્રની બે તબક્કામાં અને ઝારખંડની એક તબક્કામાં ચૂંટણીની જાહેરાત ઇલેક્શન કમિશને કરી એને કારણે બન્ને રાજ્યોમાં નેતાઓની ઘડિયાળના કાંટા ઝડપથી ફરવા લાગ્યા છે. બંને રાજ્યોનું પરિણામ ત્રેવીસમી નવેમ્બરે આવશે. સાથે સાથે ચૂંટણી કમિશને પેટાચૂંટણીઓ પણ જાહેર કરી છે. ઝારખંડમાં સ્થિર સરકાર રહી નથી. તે પ્રદેશના ચૂંટણીલક્ષી સમીકરણો દેશનાં બીજાં રાજ્યો કરતાં અલગ છે. ભાજપનું નેતૃત્વ ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને જેએમએમના નેતા ચંપાઈ સોરેનને જીતાડવા માટે સખત મહેનત કરી રહ્યું છે, પરંતુ આ વખતે ભાજપે અલગ વ્યૂહરચના અપનાવવી પડશે. ભાજપ બિલકુલ પણ ભૂલ્યું નથી કે કેવી રીતે સીતા સોરેન અને ગીતા કોડા, જેઓ એમએમ અને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયાં હતાં, તેમને છેલ્લી ચૂંટણીઓમાં કારમી હારનો સામનો કરવો પડયો હતો.
ભાજપની પાર્ટીને ડર છે કે ચંપાઈને ખુલ્લેઆમ સામેલ કરવાથી વિપરીત અસર થઈ શકે છે. સીતા સોરેનના પ્રકરણમાંથી ભાજપે શીખ લીધી છે. તેમણે દુમકામાં તેમની હાર પછી ભાજપના નેતાઓ પર તેમની વિરુદ્ધ કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો હતો. તેવી જ રીતે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલાં ગીતા કોડાને પણ સિંહભૂમમાં હારનો સામનો કરવો પડયો હતો. પક્ષ બદલ્યા બાદ બંને મહિલાઓને ભારે નુકસાન થયું હતું અને આ પરિણામોના પડઘા ભાજપના મોવડી મંડળોની બેઠકોમાં ગુંજ્યા કરે છે. જોકે ભાજપ હજુ પણ બિન-આદિવાસી અને મહતોના મતો પર નિર્ભર છે. ઝારખંડ એક ટ્રાઈબલ સ્ટેટ છે. જેએમએમ - ઝારખંડ મુક્તિ મોરચા સામે ભાજપને ૨૦૧૯માં હાર મળી હતી. હજુ ગઈ કાલે હેમંત સોરને એવું વિધાન કર્યું કે - ભાજપે આ રાજ્યને વીસ વર્ષ સુધી લૂંટયું છે! ભાજપે ગમે તેમ કરીને હેમંત સોરનને પછાડવા પડે. ભાજપને કોઈ પણ એક નેતાને હરાવવો હોય તો તેની જૂની ફોર્મ્યુલા કામ ઉપર લગાડે છે. તે માણસને દેશદ્રોહી અથવા તો ભ્રષ્ટ જાહેર કરવો. ભાજપની અમુક સ્ટ્રેટેજીમાંથી આ મુખ્ય પ્લાન હશે કે હેમંત સોરેન ઉપર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને સાબિત કરવા.
ઝારખંડના ઔદ્યોગિક ભાગ એવા દક્ષિણના પ્રદેશમાં જેએમએમને મજબૂત કરવામાં તેમની ભૂમિકા બદલ ચંપાઈ સોરેન, જેને ઘણીવાર કોલ્હન ટાઈગર કહેવામાં આવે છે, તે હેમંત સોરેનની ધરપકડ પછી મુખ્ય પ્રધાન બન્યા હતા. જોકે હેમંતને જામીન મળ્યા બાદ તેમણે પદ છોડયું હતું, તેમ છતાં તેઓ જેએમએમમાં પ્રભાવશાળી રહ્યા છે અને મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી. ભાજપ ચંપાઈને મુખ્યમંત્રી પદ માટે લાલચ આપીને જેએમએમને વિભાજિત કરવાની આશા રાખે છે, પરંતુ ચંપાઈ પહેલેથી જ તેમની પાર્ટીમાં મજબૂત સ્થાન ધરાવે છે. ભાજપની મુસીબતો અહીં જ અટકતી નથી. ૨૦૧૪ની જીત બાદ બિન-આદિવાસી રઘુબર દાસને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા બાદ પાર્ટીએ આદિવાસી સમર્થન ગુમાવ્યું હતું. દાસની નીતિઓએ આદિવાસી સમુદાયોને નારાજ કર્યા, જેના કારણે ભારે વિરોધ થયો હતો. ઈ. સ. ૨૦૨૦માં, ભાજપ, બાબુલાલ મરાંડીને પાછા લાવ્યા, પરંતુ હવે મરાંડીનું રાજકીય ભાવિ અનિશ્ચિત છે, કારણ કે ચંપાઈને સંભવિત ભસ્ ઉમેદવાર તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. આગામી ચૂંટણી પહેલા જેએમએમ અને કોંગ્રેસને તોડવા માટે ભાજપ પાસે સમય નથી અને મરાંડી તેમની યોજનામાં કેવી રીતે ફિટ થશે તે સ્પષ્ટ નથી.
ભાજપ તેના સ્ટાર પ્રચારકોને ઝારખંડના મેદાનોમાં ઉતારશે. ઝારખંડ ખાતે મોદી પછી જો કોઈ બીજી વ્યક્તિનો ગજ વાગી શકે એમ હોય તો તે છે આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વા. આ બંને નેતાઓએ ઝારખંડની જનતાને વેલફેર સ્કીમનું વચન આપ્યું છે. ભાજપ હેમંત સોરેનને જેલના માજી કેદી કહે છે, કારણ કે મની લોન્ડરીંગના કેસમાં તે પાંચ મહિના જેલમાં રહી આવ્યા છે. પણ ઝારખંડની જનતાને આ રીતે ભરમાવવી અઘરી છે. ભાજપના સ્થાનિક નેતાઓ વચ્ચે પણ મજબૂત સંધાન નથી જે પક્ષને ભારે પડી શકે એમ છે. જોકે છેલ્લી બે ચૂંટણીઓમાં ભાજપની હાર થઈ હોવા છતાં તેને મળેલા વોટ-શેરની ટકાવારી ખૂબ સારી હતી. માટે ભાજપ ઝારખંડનો ગઢ જીતવાની આશા રાખે કે ખરેખર જીતી જાય તો તેમાં કોઈ આશ્ચર્ય થવું ન જોઈએ. પણ બીજી તરફ જેએમએમ અને કોંગ્રેસની યુતિ છે. આ બંને પક્ષો અત્યારે પ્રજાના દિલની વધુ નજીક છે. ઝારખંડના 'સરના' લોકોને અલગ ધર્મનો દરજ્જો અપાવનાર પણ આ સોરેન સરકાર હતી. વધુમાં ૧૯૩૨ નો ખતિયા કાયદો - જમીન અધિવાસના કાયદાને લઈને પણ ભાજપ અને સત્તાપક્ષ આમને સામને છે. પતિની ધરપકડ પછી ઝારખંડ ખાતે કલ્પના સોરેનનું કદ મોટું થઈ ગયું છે અને પ્રજાની સહાનુભૂતિ તેને મળી છે. કોઈ પણ પક્ષ જીતે તો આશ્ચર્ય નહી થાય પણ ઝારખંડ જીતવું આ વખતે કોઈના પણ માટે આસાન નથી.