નવા ટ્રેડવોરની નોબત .
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ બનવાના સમાચારે વિશ્વ વેપારનું ભવિષ્ય અનિશ્ચિત બનાવી દીધું છે. ટ્રમ્પ લાંબા સમયથી સંરક્ષણવાદના સમર્થક છે. તેમને ખાતરી છે કે વિશ્વ વ્યાપાર વ્યવસ્થા એવી છે કે અમેરિકાને નુકસાન સહન કરવું પડે છે. આ બાબતોમાં તે ચીનને સૌથી મોટો ગુનેગાર માને છે પરંતુ તે ભારત અને અન્ય દેશો પર પણ અમેરિકાના ભોગે અન્યાયી નફો કમાતા હોવાનો આરોપ લગાવતા અચકાતા નથી. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન તેમની નીતિઓ થોડી નરમ હતી. તેમણે અમલમાં મૂકેલી નીતિઓ, જેમ કે સ્ટીલ પરના ટેરિફ અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં વિવાદના નિરાકરણમાં પ્રભાવક રીતે વીટો પ્રયોજવો, તે એવા પગલાં હતા જે ડેમોેક્રેટિક પાર્ટીના જો બિડેન દ્વારા પણ પછીથી અમલમાં મૂકવામાં આવ્યા હતા, જેઓ તેમના પછી રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા. કેટલીક રીતે, ટ્રમ્પની વૃત્તિ અને વિચારધારા વાસ્તવમાં વેપાર પર મુખ્ય પ્રવાહના અમેરિકન રાજકીય વર્ગના વર્તમાન મંતવ્યો રજૂ કરે છે. એટલે કે તેઓના મનમાં અમેરિકા ફર્સ્ટનું જે ભૂત સવાર છે એ વ્યાપાર ક્ષેત્રે પણ આખો લાડવો પોતે એકલાએ જ આરોગવાની લુચ્ચાઈનું પ્રદર્શન કરે છે.
આમ પણ ચીનનો સ્વભાવ એવો છે કે જે દૂધ તે પી ન શકે તે દૂધ ઢોળી નાંખે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં એક ઉદારમતવાદી નીતિ એવી છે કે પોતે કમાય અને બીજા દેશો પણ કમાઈ શકે એવા વાતાવરણનું નિર્માણ થતું રહે. દરેક દેશ અન્યના વાણિજ્યિક સુખનો સમર્થક હોય. જો એમ ન થાય તો વૈશ્વિક વાણિજ્ય વિભાવનાના પાયા હાલક ડોલક થઈ જાય. આજે ચીન સાથે ભારતને ગમે તેવા સંબંધો હોય પણ બન્ને દેશો પોતપોતાના વ્યાપારિક પરસ્પરાવલંબનને બહુ સારી રીતે સમજે છે અને એટલે વાંધા સાથે પણ લખો ટન માલની આયાત-નિકાસ ધમધોકાર ચાલે છે. ચીનના વિદેશ મંત્રાલયની એક ગાઈડ લાઈન છે કે ચીને આયાત કરવાની ચીજ વસ્તુઓ કે માલ-સામાન જ્યાં સુધી ભારત પૂરો પાડવા તૈયાર હોય ત્યાં સુધી ઈતર દેશોને ઓર્ડર ન આપવા. આને કારણે ભારત-ચીનના વાણિજ્યલક્ષી સંબંધોની ધુરા સારી રીતે સચવાય છે અને બન્ને દેશોએ સામસામી ડમ્પિંગ ડયુટીની તલવાર ખેંચવી પડતી નથી.
આની સામે અમેરિકા તો સ્વસામર્થ્યની ગર્જનાઓ સાથે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં પોતાનો સિંહભાગ આંચકી લેવાની દાદાગીરી સાથે કૂદી પડે છે. હવે આ અમેરિકાને પુનઃ ટ્રમ્પનું નેતૃત્વ પ્રાપ્ત થતાં ફરી આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રવાહો એવા ડહોળાશે કે ફરી નવેસરના ટ્રેડવોરની નોબત વાગશે. શક્ય છે કે બીજી ટર્મમાં ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિ પ્રથમ કરતાં વધુ કડક હોય. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખે તેમના પ્રચારમાં કહ્યું હતું કે ટેરિફ તેમનો પ્રિય શબ્દ છે. તેમણે ખાસ ભારપૂર્વક કહ્યું કે ચીનથી આવતા તમામ સામાન પર ૬૦ ટકા ડયૂટી અને અન્ય દેશોમાંથી આવતા સામાન પર ૧૦ ટકા ડયૂટી લગાવવામાં આવશે. આ એક ખતરનાક તરંગ છે અને ટ્રમ્પ પહેલેથી જ તરંગોના અધિપતિ છે. આ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના નિયમો અનુસાર છે કે નહીં તે અલગ બાબત છે. પ્રશ્ન એ છે કે જો આ શુલ્ક લાગુ કરવામાં આવે તો તેની અસર શું થશે. આંતરરાષ્ટ્રીય તખ્તા પર ચીન આવા પગલાઓ સામે ચૂપ બેસી રહે એવો દેશ નથી.
તો પણ ચીનની અર્થવ્યવસ્થા પર તેની તાત્કાલિક અસર પડશે, જે પહેલેથી જ વધારે ક્ષમતા સાથે સંઘર્ષ કરી રહી છે. અનુમાન મુજબ, આ ટેરિફ દરો લાગુ થયા પછીના વર્ષોમાં ચીનનો વિકાસ દર ૧ કે ૨ ટકા ઘટશે. એનો અર્થ નફામાં કરોડો ડોલરની ઘટ થાય છે. આ મંદી એશિયાના અર્થતંત્રોને અસર કરશે જે ચીનના ઉત્પાદન પુરવઠા સાથે જોડાયેલી છે. અર્થવ્યવસ્થાને બે રીતે અસર થશે ઃ પ્રથમ, સીધું કારણ કે ચીન હવે પહેલાની જેમ અમેરિકા તરફ નિકાસ કરી શકશે નહીં અને બીજું કારણ કે ચીનની વધુ ક્ષમતા એક ગંભીર સમસ્યા બની જશે અને અમેરિકન ઈશારે અનેક દેશો દ્વારા ચીની માલની આયાતો ઘટતા તેમના માલના ભરાવાની સમસ્યા વધુ ગંભીર બનશે. વેપાર યુદ્ધની અસરને કાબૂમાં લેવા માટે યુઆનને અવમૂલ્યન કરવાની મંજૂરી આપવા માટે ચીન માટે સંયોગો આકાર લેશે. બધા યુરોપીય દેશો આ દ્રશ્યથી વધુ પ્રભાવિત થશે નહીં કારણ કે તે ચીનની અર્થવ્યવસ્થા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા નથી.ચીનમાં નિકાસની બાબતમાં પણ તે દેશો પાછળ રહી ગયા છે. પ્રશ્ન એ છે કે શું ભારત ટ્રમ્પને સફળતાપૂર્વક સમજાવી શકે છે કે ભૌગોલિક, રાજકીય અને આર્થિક કારણોસર તેમની ટેરિફ એવી હોવી જોઈએ કે તેઓ અસરકારક રીતે ચીનની વિરુદ્ધ હોય પરંતુ અન્ય દેશો તે પગલાથી પ્રભાવિત ન થાય.