જીએસટી કંઈ લૂંટ છે? .
જૂન ૨૦૨૪માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) નું કુલ કલેક્શન રૂ. ૧.૭૪ લાખ કરોડ હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં ૭.૭ ટકા વધુ છે, પરંતુ આ વખતે આ માહિતી સામાન્ય રીતે એટલે કે વિગતો સાથે અખબારી યાદીની મદદથી જાહેર કરવામાં આવી નથી. આ વખતે ટેક્સ કલેક્શનના આંકડા પત્રકારોને અનૌપચારિક રીતે જણાવવામાં આવ્યા હતા. સમાચાર એવા પણ છે કે હવેથી તેને આ રીતે જ રિલીઝ કરવામાં આવશે. આ ફેરફાર મુશ્કેલીકારક છે અને તેનાથી બચવું જોઈએ. એવા સમયે જ્યારે પારદર્શિતા અને માહિતીનું સમયસર પ્રકાશન નિર્ણાયક બની ગયું છે, ખાસ કરીને જ્યારે ભારત વધુ વિદેશી રોકાણ આકર્ષવા ચાહે છે, જે નિયમિત પ્રક્રિયા બની ગઈ છે તેને નકારી કાઢવી ખોટી સાબિત થઈ શકે છે. વળી, કેન્દ્ર સરકાર આ આંકડાઓને અલ્પ પ્રસારિત રાખવા ત્યારે ઇચ્છે છે કે જ્યારે થોડા દિવસ પહેલાં જ ભારત સરકારના બોન્ડને પ્રથમ વખત વૈશ્વિક ઇન્ડેક્સમાં સામેલ કરવામાં આવ્યા છે.
જીએસટી પ્રણાલિકાને હજુ પણ ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરવા માટે કેટલાક સુધારાની જરૂર છે, પરંતુ તે સુધારાઓ સરકાર કરે એમ હવે લાગતું નથી, કારણ કે છેક અરૂણ જેટલીના જમાનાથી જે વાત સરકાર માનતી નથી તે હવે માને એવો કોઈ અણસાર દેખાતો નથી. નાણાંકીય બજારના વિશ્લેષકો અને રોકાણકારો સહિત ઘણા લોકો તેના પર નિયમિત નજર રાખે છે. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) જેવા સત્તાવાર ડેટા, વિલંબ પછી બહાર પાડવામાં આવતા હોવાથી, GST સંપાદન દ્વારા અર્થતંત્ર કેવી રીતે કાર્ય કરી રહ્યું છે તેની વ્યાપક સમજ મેળવવામાં પણ વિલંબ થાય છે. એનડીએ સરકારની તકલીફ એ છે કે ગ્લોબલ રેટિંગ વધારવું છે, પરંતુ જિદ્દી થઈને કેટલાક સુધારા તો નથી જ કરવા. ભાજપના નેતાઓમાં આમ પણ એક ભૂત ભરાયેલું છે કે સુધારો કરીએ એનો અર્થ ભૂલની કબૂલાત થાય. તો સુધારો જ ન કરવો. આ અજ્ઞાાની મનોદશા છે.
પ્રેસ રિલીઝ બંધ કરવા પાછળનું એક કારણ એ છે કે તેનાથી એવું વાતાવરણ ઊભું થાય છે કે જાણે સરકાર વધુ પડતો ટેક્સ વસૂલ કરી રહી છે. સરકારની જેવી છે તેવી પણ આ માન્યતા સાચી છે. દેખીતી રીતે, માસિક આંકડાઓ જાહેર કરવાનું બંધ કરવા પાછળનું સત્તાવાર કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ કર વસૂલાતનું સ્તર તેનું કારણ હોઈ શકે નહીં. આ ઘણાં સ્તરો પર ખોટું છે. પ્રથમ, જીએસટી કલેક્શન એકલા કેન્દ્ર સરકારનું નથી. આમાં રાજ્યોનો પણ હિસ્સો છે. તેમાં વળતર ઉપકરની વસૂલાતનો પણ સમાવેશ થાય છે, જેનો ઉપયોગ રોગચાળા દરમિયાન રાજ્યોની આવકની ઘટને પહોંચી વળવા માટે લેવામાં આવેલી લોનની ચૂકવણી કરવા માટે થાય છે.
બીજું, સરકારની સામાન્ય બજેટ ખાધ પણ ઉચ્ચ સ્તરે રહે છે અને વર્તમાન વર્ષમાં જીડીપીના ૭.૫થી ૮ ટકાની વચ્ચે હોઈ શકે છે. આનો અર્થ એ થયો કે સરકાર તેના ખર્ચને પહોંચી વળવા માટે પૂરતું ભંડોળ એકત્ર કરી શકતી નથી. આવી સ્થિતિમાં કાં તો ટેક્સ કલેક્શન વધારવું પડશે અથવા ખર્ચ ઘટાડવો પડશે. છેલ્લી અને સૌથી અગત્યની બાબત એ છે કે જીએસટી સિસ્ટમ મહેસૂલ વસૂલાતની બાબતમાં પાછળ રહી ગઈ છે. ગયા નાણાંકીય વર્ષમાં, રિફંડ પછી જીએસટી કલેક્શન GDPના ૬.૧ ટકા જેટલું હતું, જ્યારે ૨૦૧૬-૧૭માં જીએસટીમાં સમાવિષ્ટ કર ય્ઘઁના ૬.૩ ટકા જેટલો હતો. એ પણ નોંધવું યોગ્ય છે કે કુલ જીએસટી કરસંપાદનમાં વળતર ઉપકરનો સમાવેશ થાય છે, જે પાંચ વર્ષ પછી સમાપ્ત થવાનો હતો.
સરકાર જીએસટી દ્વારા પહેલા કરતા ઓછો ટેક્સ વસૂલ કરી રહી છે એમ માને છે. આ સિવાય અર્થશાસ્ત્રી અરવિંદ પનાગરિયા અને અન્યોએ દર્શાવ્યું છે કે GST લાગુ થયા બાદ કેન્દ્ર સરકારને રેવન્યુ મોરચે મોટી તંગીનો સામનો કરવો પડયો છે. આવી સ્થિતિમાં જીએસટી સિસ્ટમમાં મહત્ત્વપૂર્ણ સુધારાની જરૂર છે. તેના દર અને સ્લેબમાં સુધારો કરવાથી ટેક્સ કલેક્શનમાં સુધારો કરવામાં મદદ મળશે. સરકારનું તાત્કાલિક ધ્યાન રાજ્યો સાથે કામ કરવા અને GST પ્રણાલીમાં સુધારા પર હોવું જોઈએ. જો જીએસટીને લઈને સામાન્ય લોકોમાં ખરેખર કોઈ અસ્વસ્થતા કે ગેરસમજ છે, તો સરકારે પ્રત્યાયન સુધારવા માટે કામ કરવું જોઈએ. અધિકૃત પ્રેસ રિલીઝ બંધ કરવાથી માત્ર સંચારનો અભાવ વધશે. જીએસટી કંઈ ચોરી કે લૂંટ તો નથી કે સરકારે લૂંટના માલ અંગેની વિગતો છુપાવવી પડે.