Get The App

ભારતીય બાઝારના રંગપલટા .

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News
ભારતીય બાઝારના રંગપલટા                     . 1 - image


દેશના બાંધકામ ક્ષેત્રમાં ઘણા લાંબા સમયથી મંદીનો માહોલ છે. એમાં હવે બિલ્ડરોને પોતાની જૂની મૂડી સામાન્ય નફા સાથે છૂટી થતી જોવા મળે છે. એનાથી હવે નવા પ્રોજેક્ટના આરંભ પણ દેખાવા લાગ્યા છે. દેશના મોટા ભાગના બિલ્ડરો કોસ્ટકટિંગની નાગચૂડમાં ફસાયેલા છે. મંદીની આ એક વિશેષ લાક્ષણિકતા છે, જે આગળ જતાં ખુદ બિલ્ડરોને બજારમાં નિષ્ફળ બનાવે છે. પડતર નીચે લાવવાના પ્રયત્નો બાંધકામ અને તત્ સંબંધિત મેનેજમેન્ટની આભા ખલાસ કરે છે. દેશનાં મહાનગરો અને મધ્યમ કક્ષાનાં શહેરો પણ હવે નવા નવા રિંગ રોડથી વીંટળાવા લાગ્યાં છે. એનો અર્થ એ છે કે આ રિંગ રોડ નામની અભિનવ માર્ગ સંસ્કૃતિ દરિયા કિનારા સિવાયના દેશના તમામ શહેરોને ભવિષ્યમાં વર્તુળાકારમાં રૂપાંતરિત કરી દેશે. આપણાં શહેરો તબક્કાવાર એક બાઝારમાં રૂપાંતરિત થઈ રહ્યા છે અને એને કોઈ અટકાવી શકે એમ નથી. બજારનો એક ફાયદો એ છે કે એમાં સ્વતંત્રતાનું હવામાન હોય છે જેનો લાભ સમજણ ધરાવતા ગ્રાહકોને મળે છે.

ગુજરાતના ગ્રામવિસ્તારોમાંથી શહેરમાં આવવાનો પ્રવાહ અવિરત ચાલુ હતો અને એ જ બાંધકામ ક્ષેત્ર માટે વસંત ઋતુનાં પગલાં હતાં. પરંતુ જીએસટી અને નોટબંધી પછી દેશમાં જે લોકો ચાલુ નોકરીએ હતા ને એમાંથી વિસ્થાપિત થઈ ગયા તેવા નવા બેરોજગારો અઢળક સર્જાયા. તેને કારણે શહેર તરફ જવાની દોડ ધીમી પડી ગઈ છે. આ ધીમી દોડને કારણે જ દેશનાં શહેરોમાં બાંધકામ ક્ષેત્રે મંદી આવી છે. આજે મુંબઈ, સુરત અને વાપી-વલસાડમાં એવા અનેક પરિવારો છે જેઓ વતનમાં પાછા આવી ગયા છે અથવા પાછા ફરવાનું વિચારી રહ્યા છે. વતનમાં પણ કોઈ રોજગારીના અવસરો નથી એટલે અત્યારે તો હજુય ફરી નવી નોકરી ઝંખતા અનેક લોકો આવતીકાલની આશાએ જ્યાં છે ત્યાં ટકી રહ્યા છે. હવે જો ખરેખર જ બજાર ધમધમતી ન થાય તો તે પરિવારો અને ગૃહસ્થો માટે મોટું સંકટ સાબિત થશે. તેમની સ્થિતિ જાયે તો જાયે કહાં જેવી થઈ શકે છે.

બીજી તરફ ઘણા લાંબા સમય પછી દેશના શિક્ષિત બેરોજગારો એવા વળાંક પર આવી પહોંચ્યા છે કે જ્યાં કોઈ પણ પ્રકારનું કામ કરવામાં હવે તેમને સંકોચ થવાનો નથી, કોઈ પણ કામ તેમણે હાથમાં લેવું પડશે. હવે યુવા વર્ગને આખું પકોડા પ્રકરણ સમજાઈ ગયું છે. તેમને ખ્યાલ આવી ગયો છે કે તેમના ઉદ્ધારક તેઓ પોતે જ છે. આ દેશના કોઈ પણ રાજનેતાની કોઈપણ વારતાઓ સાંભળવાથી તેમનું કલ્યાણ થવાનું નથી. એન્જિનીયરો ખાનગી પ્રાથમિક શાળામાં ટૂંકા પગારે ભણાવે છે અને આઠમા પગારપંચના સમાચારો વાંચે છે. એમ. એ., એમ. ફિલ. થયેલાઓ તલાટી થવાની કસોટી આપે છે. આ તો માત્ર શરૂઆત છે. દરેક નાની પોસ્ટમાં અતિલાયકાત ધરાવતા લોકોની રેસ જોવા મળે છે. કેળવણી જ ન હોય અને માત્ર ડિગ્રી અને ટકા હોય એવો મોટો સમુદાય આ બેરોજગારોમાં છે. તેઓ હજુય વોટ્સએપ, યુટયુબ અને ફેસબુકમાં રમે છે. તેઓ જાણતા જ નથી કે કેવો મહામૂલો સમય તેઓ અન્યત્ર આપે છે. નજરોનજર દેખાય છે કે ઘર માટે કરિયાણું કમાઈ લેવાના સમયમાં તેઓ સોશિયલ મીડિયામાં રમતરાળા કે ચેનચાળા કરતા હોય છે. રોજીરોટી કમાવાના વિકલ્પમાં મનોરંજનની મહેફિલ શું પરિણામ લાવે? એવા વિનીપાતથી નવી પેઢીએ પોતે જ પોતાને ઉગારી લેવાની છે.

ભારતમાં ચૂંટણીઓ આવે ત્યારે બજારમાં નવો રૂપિયો ફરતો થાય છે ને એનો લાભ પણ બજારને મળે છે. કેન્દ્ર સરકારે અથાક પ્રયત્નો કરીને છેલ્લાં પાંચ વરસમાં ભારતીય બજારને ડહોળવાની પૂરેપૂરી કોશિશ કરી છે અને એનો મુખ્ય યશ તો દિવંગત અરૂણ જેટલીને ફાળે જાય છે ! નિર્મલા પણ એ જ પરંપરામાં આગળ વધે છે. શેરબજાર હજુ વધુ સુધારો બતાવી ઊંચા મથાળે પહોંચે એવી કોઈ સંભાવના નથી. અમેરિકામાં નવી સરકારના પ્રતિષ્ઠાપન સુધી તો ભારતીય શેર બજાર અનેક આંચકાઓ સહન કરશે. એટલે કે અત્યારે જેમણે બજારમાં નવું રોકાણ કરવાનું હોય એમણે જો ખરેખર સારું રિટર્ન જોઈતું હોય તો રોકાણ કરીને મૂકી રાખવાના છે. બજારમાં હજુ ફરી વાર મંદીની સર્કિટ લાગી શકે છે. રોકાણકારોના એક સાથે અબજો રૂપિયાનું ધોવાણ ન થાય તેની સાવધાની રોકાણકારે જ રાખવી પડે. છતાં બજાર વચગાળામાં તેજી બતાવવા કૂદકા પણ લગાવતી રહેશે. ઓનલાઈન ટ્રેડિંગ કરનારાઓ ટૂંકા પને મોટા ખેલ પાડીને નફો અંકે કરી શકે છે. વિદેશી રોકાણકારોની નજર ટ્રમ્પની બીજી ઈનિંગ્સ પર છે.

નાના વેપારીઓ બેઠાં થતા જોવા મળે છે અને એ જ રીતે લઘુ ઉદ્યોગોમાં પણ નવચેતનાનો સંચાર થયો છે. એ ડિમાન્ડનાં સકારાત્મક પરિણામો છે. સમાજના દરેક વર્ગને સર્વ પ્રસન્નોસ્તુની પ્રાર્થના કરતા બજેટમાં રાજકોષીય ખાધની ગણતરી સરકાર પોતાની આગવી રીતે કરતી થઈ છે અને આ વખતે પણ એ જ ચાલાકી જોવા મળશે જેથી સાચું ચિત્ર દેખાવાનું નથી. 


Google NewsGoogle News