વાસંતિક પવનની મોસમ .
આ વરસે વસંત પંચમી વહેલી આવી ગઈ હોય એવું લાગે, કારણ કે હજુ રાત્રિનો શિયાળાનો ઘેરાવો ચાલુ રહ્યો છે. વસંત ઋતુનાં નક્ષત્રો મધ્યાકાશમાં દેખાવા લાગ્યાં છે. ફળિયામાં ખાટલે લાંબા થઈને રાતે આસમાનના સિતારાઓ સગી આંખે જોવાનું સુખ જેણે માણ્યું છે એ પેઢી હવે આથમવા આવી છે. છતાં વસંત પંચમી પછી હવામાં એક નવી ખુશનુમા તાજગી અનુભવાય છે. ગીરના જંગલ પર પસાર થઈને સૂસવાટા મારતા વાયુદેવ જ્યારે ગામેગામના પાદરના પીપળાને જગાડે છે ત્યારે દૂર પૂર્વમાં જરાક જેટલા અજવાળાની પ્રભાતી પ્રભા જોવા મળે છે. નવપલ્લવિત થવું એ દરેક વૃક્ષવેલના વસંતસંસ્કાર છે.
ભૌતિક સુખની તાણમાં કેસૂડાનું એક ફૂલ પણ આપણા સ્નાનગૃહમાં પગલાં પાડી શકતું નથી. વસંતઋતુનો બારમાસી રાજદૂત શિશુ છે. આપણા પરિવારોના આંગણે નિત્ય વસંતનો વિજયધ્વજ લઈ દોડાદોડ કરનારા શિશુઓ આપણી જિંદગીની ઉષા અને ઉષ્મા બન્ને છે. શાળાઓમાં આજકાલ જે બાળકો જોવા મળે છે તે માતૃત્વની ડેફિસિટ સાથેનાં બાળકો છે. કારણ કોઈ પણ હોય, પરંતુ આજની માતાઓ તેમના સંતાનોને પૂરતો સમય આપી શકતી નથી. લોકડાઉન વખતે પૂરો સમય બાળકોએ ઘર માથે લીધું એ તો એક યાદગાર અપવાદ છે.
કારકિર્દી, સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબની અલગ અલગ ભૂલભુલામણી અને વિશેષ તો માતાનું પોતાનું અજ્ઞાાન. બાળક જુનિયર કે. જી.માં જતું થાય એટલે માતાઓ હાશકારો અનુભવે છે. પછી બે-ત્રણ વરસ એને રાહ જોવી 'પડે' છે કે ક્યારે બાળક શાળાએ ફુલટાઈમ જતાં થાય. માતાની આ મનોવૃત્તિ ખરેખર તો બાળકની જિંદગીનું મહત્ દુર્ભાગ્ય છે. જે ઘરમાં શિશુઓને આપવાનો સમય સહુ પાસે છે એ ઘરનો ધર્મ વસંત ઋતુ છે, કારણ કે એક બાળક સાથે કામ પાડવામાં જે જે પ્રવૃત્તિઓ થાય તેનાથી સહુની જિંદગી અપડેટ થાય છે.
વસંત ઋતુ પ્રકૃતિની દર વરસે અપડેટ થતી રહેતી નવી આવૃત્તિ છે. દરેક બાળક હજારો અભિનવ જીવનકલા લઈને આવે છે. માતા-પિતાથી વિશેષ દાદા-દાદી કે નાના-નાની સાથે બાળકોને કેમ વધુ માયા બંધાઈ જાય છે? કારણ કે તેઓ તેમને ભરપુર સમય આપે છે. બાળકોની આંખમાં આ જગત વિશે પારાવાર કૌતુક છે. તેઓને પોતાના અસ્તિત્વ વિશે પણ કૌતુક છે. વળી, તેઓ એક સાથે આખું જગત આત્મસાત્ કરવા ચાહે છે અને એ પ્રવૃત્તિમાં એમને એક સાથી-સંગાથી જોઈએ છે. આજકાલ તો અનેક પરિવારોમાં દીકરો કે દીકરી એમ એક જ બાળક હોય છે. એવા સિંગલ ચાઈલ્ડ પેરેન્ટ જે હોય એમની જવાબદારી બાળકની સાથે રહી એની દરેક પ્રવૃત્તિમાં કંપની આપવાની છે.
બાળકોની પ્રમુખ જરૂરિયાત સમય છે. તમે એને જેટલો વધુ સમય આપો એટલો એનો શારીરિક, બૌદ્ધિક અને સંવેદના તંત્રનો વિકાસ વધુ ઝડપી અને સુગમ રહે છે. ઘરમાં દસ કલાક જાગૃત રહેનાર બાળકની સમયની ભૂખ ઓછામાં ઓછી દરરોજ પચાસ કલાકની હોય છે. એટલે કે કુટુંબના અને અન્ય લોકો પાસેથી કુલ પચાસ કલાક લેવા ચાહે છે. એટલો સમય સહુના તરફથી એને સરવાળે મળી રહે ત્યારે એને એક દિવસનું સામયિક પરિપોષણ મળ્યાની તૃપ્તિ એને થાય છે. શૈશવકાળમાં મનુષ્ય વન-ટુ-વન કોમ્યુનિકેશનની વ્યક્તિ નથી. એને સમૂહમાં ઉછેર વધુ માફક આવે છે. છતાં ઓછા કે અલ્પસંખ્ય પરિજનો વચ્ચે ઉછરતા બાળકો આ જગતમાં અધિક છે,
આગળ જતાં એ મનુષ્યને આ જગત સાથે અનુકૂલન સાધવામાં તકલીફ પડે છે. તેઓ વારંવાર ઓફટ્રેક થઈ જાય છે. તેઓ વધુ પડતા અંતર્મુખી થઈ શકે છે. અંતર્મુખી હોવું તે જિંદગીના પરમ ઉપાસકનું લક્ષણ છે, પરંતુ બહિર્જગતમાં બહિર્મુખતા અમુક હદે જરૂરી છે. સાવ સામાન્ય દૃષ્ટિએ જુઓ તો બાળક એકની ફરિયાદ બીજાને કરી શકે અને બીજાની ફરિયાદ ત્રીજાને કરી શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ. વધુ સમય એકલી માતા પાસે ઉછરતાં બાળકો વારંવાર અને તત્ક્ષણ માની ફરિયાદ કોને કરે? એમાં એને રિસાઈ જવાના ચાન્સ પણ ઓછા મળે. એટલે ક્રમશઃ જે છે એને સ્વીકારી લેવાની સ્થિતિ આવે જે તો માનવ ઉત્ક્રાન્તિથી તદૃન વિપરીત છે.
આપણે અહીં સુધી પહોંચ્યા એનું કારણ જ એ છે આપણા પૂર્વસૂરિઓએ જે હતું તે ન સ્વીકાર્યું અને એમાં ફેરફાર કર્યો અથવા કંઈક નવું કર્યું. એટલે જે છે તે સ્વીકારી લેવાની બાળકને ટેવ પડી જાય તો એ મનુષ્યના મૂળભુત ગુણસંપુટમાંથીય સહેજ હાંસિયામાં ધકેલાઈ જાય છે. વસંત ઋતુનો આહલાદક અનુભવ એટલે જ જરૂરી છે. દરેક વૃક્ષ ઘનઘોર તાજગીથી પોતાના અસ્તિત્વને સઘન બનાવે છે. વસંત દરેક વૃક્ષની હયાતીને સ્ટ્રોંગ બનાવે છે. પ્રકૃતિમાં એને પુનઃ પ્રવેશ મળે છે. વૃક્ષ ફરી મુખ્ય ધારામાં આવે છે.