દયાપાત્ર અફઘાન પ્રજા .
સમગ્ર અફઘાનિસ્તાનમાં તાલિબાનોના સમર્થક લોકોની સંખ્યા દેખાય તેના કરતા વધારે છે અને મોટાભાગના સમર્થકો એની સરકારમાં જ બેઠા છે. હવે ભાગેડૂ અશરફ ગની સરકારનું પતન થયું એટલે તાલિબાનોના શાસનમાં એ સમર્થકો દૂધમાં પાણી ભળે એમ હળીમળી ગયા છે. આ એ અધિકારીઓ છે જેણે તાલિબાનોને અત્યાર સુધી સરકારની તમામ ગુપ્ત માહિતીઓ પહોંચાડી છે. તાલિબાનો બહારથી લડવૈયા હતા, પરંતુ અંદરથી તેઓ રાજકીય કુનેહ ધરાવતા થયા હતા. દુનિયાના અનેક દેશોમાં આતંકવાદીઓનું રાજકીય રૂપાંતર થઈ રહ્યું છે અને અફઘાનિસ્તાન એનો છેલ્લામાં છેલ્લો નમૂનો છે. એક માન્યતા પ્રમાણે જે તાલિબાનો મૂળભૂત રીતે રશિયાના દુશ્મનો હતાં તે હવે રશિયાની ગુપ્તચર સંસ્થાઓના સંપર્કમાં છે અને તાલિબાનો પાસેના શસ્ત્રોમાંથી અનેક શસ્ત્રો એને રશિયન સૈન્ય પાસેથી પ્રાપ્ત થયેલા છે.
હાલના ઘટનાક્રમમાં સૌથી વધુ જો કોઈ સાયલન્ટ હોય તો રશિયા છે. એનો બીજો અર્થ એ છે કે વરસો પહેલા અફઘાનિસ્તાનમાંથી પીછેહઠ કરી ચૂકેલા રશિયાને હજુ પણ અફઘાનિસ્તાન ગળી જવાની મુરાદ છે. અફઘાનિસ્તાનમાં હવે અનેક લુચ્ચા દેશોનો જમેલો છે. અનેક દેશોના હિતો અહીં ટકરાઇ રહ્યા છે. ભવિષ્યમાં અફઘાનિસ્તાન એક નવું આંતરરાષ્ટ્રીય કુરુક્ષેત્ર બની જવાનું છે. તાલિબાનો સામે સૌથી મોટો પડકાર એ છે કે જેના પર એને શાસન કરવું છે એ પ્રજાનો સૌથી પહેલા વિશ્વાસ સંપાદન કરવો. એટલે બે દિવસથી તાલિબાનોએ સ્ત્રીઓની સુરક્ષા અને નાગરિકોના સુખ-શાંતિ અંગે વાતો કરવાની શરૂઆત કરી છે, પરંતુ આ વાતો પર કોઈ વિશ્વાસ રાખે એમ નથી. સમગ્ર અફઘાનિસ્તાનમાંથી સરહદી જમીનને રસ્તે અને હવાઈ માર્ગે પણ નાગરિકોની ભીષણ નાસભાગ મચી છે. આ દુર્ભાગી દેશમાં હવે કોઈ વસવા ચાહતું નથી.
પોતાના વતનને છોડવા ઉતાવળા થયેલા નાગરિકો તાલિબાનોને સખત ધિક્કારે છે. તાલિબાનોનું શાસન થોડા દિવસોમાં થાળે પડી જશે પછી પણ નાગરિકો છાને પગલે વિદેશ જવા ઉતાવળા રહેશે અને એ રીતે તબક્કાવાર આખો દેશ ખાલસા થઈ જશે. પછી જે રહેશે તે દયાપાત્ર, નિર્ધન અને નિર્બળ પ્રજા રહેશે. છેલ્લા કેટલાક સમયથી સમગ્ર અફઘાનિસ્તાન અને એની અશરફ ગની સરકાર માત્ર કાગળ ઉપર જ અસ્તિત્વ ધરાવતા હતા. ચારેબાજુ ભ્રષ્ટાચાર હતો. અફઘાન સૈન્યની સંખ્યા ઘણી મોટી હોવા છતાં બહુ ઓછી સંખ્યામાં લડતા તાલિબાનો સામે હારી જવા પાછળનું કારણ પણ મુખ્યત્વે તો ભ્રષ્ટાચાર જ છે.
અફઘાની સૈન્યમાં રાષ્ટ્રપ્રેમ શૂન્ય ડિગ્રી પર હતો. ઉપરાંત સૈન્યમાં પણ વરિષ્ઠ પદાધિકારીઓ તાલિબાનો સાથે મળેલા હતા. હવે તાલિબાનો અને સૈન્ય બંને મળીને એક નવા લશ્કરી વ્યવસ્થા તંત્રની રચના કરશે પરંતુ એને લડાયક બનાવવા જતા અને યુદ્ધ લડી શકે તેવી ક્ષમતા સુધી પહોંચાડતા નવા શાસકોને વર્ષો લાગી જશે. સમગ્ર અફઘાનિસ્તાનની હાલત સદ્દામ હુસેનના જમાનાના ઈરાક જેવી જ નીવડી છે.
અમેરિકી સૈન્યએ જ્યારે બગદાદ પર હુમલો કર્યો ત્યારે ત્યાં કેમિકલ વેપન્સ તો ન મળ્યા પરંતુ અમેરિકી સૈન્ય સામે ટકી શકે એવા સામાન્ય શસ્ત્ર પણ ઈરાકી સૈનિકો પાસે ન હતા. જે રીતે અત્યારે અફઘાન નાગરિકો ભાગે છે એ જ રીતે ઈરાકના સૈન્યમાં નાસભાગ મચી હતી અને તેમાંથી જ અબુ બકર અલ બગદાદીએ આઈએસઆઈ જૂથ માટે પોતાના લડવૈયાઓ તારવી લીધા હતા. સીરિયામાં અબુ બકરનું જે સૈન્ય તૈયાર થયું તેમાં ઈરાકમાંથી ભાગી છૂટેલા સંખ્યાબંધ સૈનિકો હતા.
અફઘાનિસ્તાનના સૈનિકોમાં પણ હજુ નાસભાગ થવાની દહેશત છે. તાલિબાનોના ભયને કારણે તે થોડી મોડી શરૂ થશે એટલું જ. બ્રિટન સહિતના યુરોપીય દેશોએ અફઘાન નિરાશ્રિતોને પોતાનામાં સમાવી લેવા માટેની ઉદારતા જાહેર કરી છે અને દર વર્ષે ક્રમશઃ થોડા થોડા અફઘાન નાગરિકોને પોતાને ત્યાં આશ્રય આપશે. જો કે આ પ્રક્રિયા બહુ લાંબી છે. સમગ્ર અફઘાનિસ્તાનની સભ્યતા અને સંસ્કૃતિનું પતન થયું છે અને હવે અફઘાનિસ્તાન એવા લોકોના હાથમાં છે જેને સભ્યતા અને સંસ્કૃતિ સાથે કોઇ નિસબત નથી.
કષ્ટરતાના મૂળમાં સત્તાના સ્વાર્થ સિવાય કંઈ હોતું નથી. દુનિયાભરની ટેલિવિઝન ચેનલો પર તાલિબાનો દ્વારા ઉજવાતો જે વિજયોત્સવ બતાવવામાં આવ્યો તે સાબિત કરે છે કે એમની બૌદ્ધિક ઉંમર દસ વર્ષથી વધારે નથી. એને કારણે જે તાલિબાનો સત્તા પર આવ્યા છે એની પાસે શસ્ત્રસંપન્નતા છે, પરંતુ બુદ્ધિધનનો કારમો દુકાળ રહેવાનો છે અને એને કારણે અફઘાનિસ્તાનનું હજુ વધુ પતન થવાનું છે. ધાર્મિક કટ્ટરતા એક એવો રાજરોગ છે જે આખરે પ્રજાને છિન્નભિન્ન કરી નાખે છે. છતાં એ એક એવું શસ્ત્ર પણ છે જેનાથી પ્રજાના દિલોદિમાગને બહેકાવી શકાય છે.
તાલિબાનોએ નવયુવાન અફઘાની મુસ્લિમોને તરંગી કલ્પનાઓ અને જન્નતના સપનાઓ બતાવીને પોતાના સૈન્યમાં સામેલ કર્યા હતા. હવે જ્યારે તાલિબાનો પાસે સત્તા આવી ગઈ છે ત્યારે એના લડાયક યુવાનોની ડિમાન્ડ પણ એવી છે કે જેને કોઈ પહોંચી વળે એમ નથી. એને કારણે એમાં પણ ભવિષ્યમાં વિદ્રોહ થવાની શક્યતા છે. આંતરિક અફઘાન યુદ્ધ પૂરું થઈ ગયું છે અને એને કારણે યુદ્ધ જીતવાની જે સફળતા મળી એમાં એ લડાયક યુવાનો પોતાનો ભાગ ચાહી રહયા છે.