ત્રીજી ટર્મના સો દિવસ .

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
ત્રીજી ટર્મના સો દિવસ                                  . 1 - image


ભાજપ જેનું એન્જિન છે એવી ત્રીજી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ની સરકારે તેના કાર્યકાળના પ્રથમ ૧૦૦ દિવસ પૂર્ણ કર્યા છે. ૨૦૨૪ની ચૂંટણીમાં અણધાર્યા આંચકાનો સામનો કર્યા બાદ સરકારે તેની ગતિ ગુમાવી દીધી છે અને દેશે તેની પ્રગતિ!  પરિણામ એ આવ્યું છે કે સરકાર તેનાં મૂળિયા સ્થાપિત કરવા માટે અને પોતાનું વજન વધુ મજબૂત બનાવે એ માટે સંઘર્ષ કરી રહી છે અને તડજોડની નીતિ અપનાવવી પડે તો એના માટે પણ તૈયાર થઈ રહી છે. શાસક પક્ષ અનેક મોરચે મૂંઝવણની સ્થિતિમાં છે. દરેક પસાર થતો દિવસ સ્પષ્ટ કરે છે કે આ વહીવટીતંત્રનો સુવર્ણ સમય તો પૂરો થઈ રહ્યો છે.

સામાન્ય ચૂંટણીઓ પછી તરત જ મુશ્કેલીના પ્રથમ સંકેતો આવ્યા. મોદીએ તેમના પક્ષના નવા ચૂંટાયેલા સંસદસભ્યો સાથે સામાન્ય સભામાં હાજરી આપી ન હતી, તેના બદલે તેમણે એનડીએની બેઠક બોલાવવા અને વડાપ્રધાન તરીકે તેમનું સ્થાન સુરક્ષિત કરવા માટે ઉતાવળ કરી હતી. આ પગલાએ મોદીના એક સમયે તેમના પોતાના પક્ષ અને વૈચારિક રીતે એક જ પરિવારના ગણાય એવા સંઘ સાથેના બટકણા સંબંધોને ઉજાગર કર્યા હતા.

બીજેપીના મૂળ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ પણ જાહેરમાં પાર્ટી નેતૃત્વની ટીકા કરવાનું શરૂ કરી દીધું છે અને તેના પર ઘમંડનો આરોપ લગાવ્યો છે. આરએસએસ તેની ૧૦૦મી વર્ષગાંઠ નજીક આવતાં જ પોતાનું વજન વધારવા અને પ્રભાવને વિસ્તારવા માટે પ્રયત્ન કરી રહ્યું હોય તે સંભવ છે. ભાજપ પક્ષ પોતે આંતરિક કલહથી ઝઝૂમી રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં ભાજપની પાર્ટીએ તેના પોતાના સભ્યોના વિરોધનો સામનો કર્યા પછી તેની ઉમેદવારોની સૂચિ પાછી ખેંચી લેવી પડી હતી. હરિયાણામાં આંતરિક વિભાજનથી પાર્ટીની સંભાવનાઓ નબળી પડી છે. એક સમયે ભાજપની લાક્ષણિકતા ધરાવતી પ્રખ્યાત શિસ્ત ઝાંખી પડી ગઈ છે.

લોકસભામાં સિંગલ લાર્જેસ્ટ બહુમતી ગુમાવ્યા બાદ આ પાર્ટી લક્ષ્યહીન લાગી રહી છે. સરકારનું છેલ્લું બજેટ તેની મુખ્ય સાબિતી છે. ટેકણલાકડી જેવા બે સાથીદાર પક્ષોના રાજ્યોને કેન્દ્ર સરકાર બજેટમાં તાબે થઈ ગઈ. બેરોજગારીની કટોકટીનો સામનો કરવા માટે કોર્પોરેશનો માટે રોજગાર સાથે જોડાયેલા પ્રોત્સાહનો અને મોટા પાયે ઈન્ટર્નશીપ કાર્યક્રમો જેવા પ્રસ્તાવો કોંગ્રેસના મેનિફેસ્ટોમાંથી લેવામાં આવ્યા હતા. તેમ છતાં, તેમની જાહેરાતના એક મહિના કરતાં વધુ સમય પછી, આ યોજનાઓનું કોઈ અમલીકરણ થયું નથી. નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ ઘટીને ૬.૭% થઈ. શેરમાર્કેટ ભલે વધે પણ મોંઘવારી અને મંદી સાથે અર્થતંત્ર સતત સંઘર્ષ કરી રહ્યું છે.

સરકારે ખોરાક અને ખાતર સહિતની આવશ્યક સબસિડીમાં ઘટાડો કર્યો છે. ગ્રામીણ ભારત માટે જીવનરેખા એવા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGS) જેવા કાર્યક્રમોમાં માંગ વધવા છતાં ભંડોળમાં કોઈ વધારો જોવા મળ્યો નથી. વધુમાં, વધુ ખેડૂતો સમર્થન માટે પાત્ર બન્યા હોવા છતાં, પાક વીમો, યુરિયા સબસિડી અને પીએમ કિસાન કાર્યક્રમ જેવી યોજનાઓમાં ફાળવણીમાં ઘટાડો જોવા મળ્યો છે.

NDA ૩.૦માં કદાચ સૌથી નોંધપાત્ર ફેરફાર એ પોલિસી યુ-ટર્નની સંખ્યા છે. જાહેર પ્રતિક્રિયા બાદ, સરકારે બજેટમાં શરૂઆતમાં તેમને દૂર કર્યા પછી ઇન્ડેક્સેશન લાભો પુનઃસ્થાપિત કર્યા. નવી વળતર યોજનાની ચર્ચા સાથે વિવાદાસ્પદ અગ્નિવીર યોજના પર પણ પુનર્વિચાર કરવામાં આવી રહ્યો છે. સિવિલ સર્વિસીસમાં લેટરલ એન્ટ્રીની પ્રક્રિયા પણ બંધ કરી દેવામાં આવી છે. સરકારે અગાઉ નવી પેન્શન યોજનાને શ્રેષ્ઠ વિકલ્પ તરીકે પ્રમોટ કર્યા હોવા છતાં, નવી યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) શરૂ કરવામાં આવી છે. આ સતત રિવર્સલ ગંભીર સુધારાઓ હાથ ધરવા માટે સરકારની અનીચ્છા દર્શાવે છે.

સરકારની આર્થિક નીતિઓ હજુ પણ ધનિકોની તરફેણમાં છે. ભારતીય અર્થવ્યવસ્થાને એવા ફેરફારોની સખત જરૂર છે જે સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપે. જો કે, આ સરકારના પ્રથમ ૧૦૦ દિવસમાં આવા ફેરફારો અને નક્કર બદલાવ લાવવાની ધગશ દેખાતી નથી. તેના બદલે મોદી સરકાર પોતાની રાજકીય તાકાત મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સરકાર પોતાનો ૧૦૦મો દિવસ ઉજવી રહી છે અને આજે વડાપ્રધાનનો જન્મદિવસ પણ છે. જનતા તેમને શુભકામનાઓ પાઠવે છે અને સાથે સાથે આશા રાખે છે કે સરકાર ટૂંક સમયમાં છેલ્લા દાયકાના કુશાસનમાંથી યુ-ટર્ન લેશે અને દેશ માટે અર્થપૂર્ણ પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરશે. 


Google NewsGoogle News