વર્ષાનો અંતિમ પડાવ .
હવામાનખાતાની આજ્ઞામાં તો આ વરસે ચોમાસુ રહ્યું નથી. આગાહીઓની ઉથલપાથલમાં ચોમાસાએ સરેરાશ ધમધોકાર જમાવટ કરી છે. રાજ્યમાં કપાસનો પાક અઢળક થવાનો છે. કપાસની બજાર હવે આંતરરાષ્ટ્રીય છે એટલે ભાવ પણ સારા મળવાના છે. પાછલા અધિક વરસાદથી તલ જેવા કેટલાક પાકને નુકસાન થયું છે. એ સિવાય નર્મદાના કમાન્ડ એરિયામાં ૧૪૭ ગ્રામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા જેને ઉતરતા હજુ એક સપ્તાહ લાગશે. એમાંથી મોટા ભાગનાં ગામ મધ્યપ્રદેશમાં આવેલાં છે. ગુજરાત સરકારે નર્મદા સંબંધિત પુનઃસ્થાપનમાં પ્રમાદ રાખ્યો છે અને એ પ્રકરણ વારંવાર ગાજેલું છે, પરંતુ આ વખતે ગુજરાતની હદનાં તમામ અસરગ્રસ્ત ગામોને બહુ અગાઉથી સલામત સ્થળે ખસેડી લીધેલાં છે. આ વખતે ઘણાં વરસો પછી બહુ વરસાદ પડયો છે. આમ તો ગુજરાતમાં ઘણી બધી ભોમકા પહાડી છે. ગીરના જંગલના પ્રદેશ સિવાય પણ ચોતરફ નાના-મોટા ડુંગરાઓ છે. ગુજરાતની ગિરિસંસ્કૃતિ ભવ્ય અને કુદરતના રળિયામણા પડાવ સરીખી છે. સર્વત્ર મેઘ મહેરને કારણે વસુંધરાનું યૌવન ઉડીને આંખે વળગે છે.
મિતિયાળાના ડુંગરની પાછળ આ વખતે તો તળેટીમાં એવાં સરોવર છલકાઈ ગયાં છે કે મોડી રાત્રે સ્વૈરવિહાર કરતાં કરતાં સિંહ દંપતી એના કિનારાની ઘાસ આચ્છાદિત જમીન પર શીતળતાનો અનુભવ લેવા નિંરાતે વિશ્રામ કરે છે. સિંહ અતિશય ઉર્જાવાન વન્યપ્રાણી છે. એના અસ્તિત્વમાં એક અદ્રશ્ય ધધખતો લાવા હોય છે. એ જ એની તાકાત છે, પરંતુ એને કારણે સિંહનું શારીરિક ઉષ્ણતામાન અન્ય પ્રાણીઓની તુલનામાં ઊંચું હોય છે. એટલે ટાઢકનો એ શોખીન હોય. સિંહને તકલીફ ઉનાળામાં જ પડે. આખા દિવસના તડકા પછી સિંહ રાતે ડણક દે તો એમાંય હાંફ સંભળાય છે, પરંતુ એનો ખરો પડકારો તો શિયાળાની ભાંગતી રાતે જ સાંભળવાની મઝા પડે. એમાંય મધરાતે વિખૂટા પડેલા સિંહ પરિવારની ગિરિકંદરાઓમાંથી સાસસામી સંભળાતી ડણક તો ગીરનું અજબ ધ્વન્યાભૂષણ છે. એ તો ક્યારેક જ કોઈના કાને પડે.
તુલસીશ્યામ જતાં સાતપડાના ડુંગર ઉપર પણ સિંહ પરિવારના આંટાફેરા ચાલુ હોય છે. ગીર-સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના વિવિધ પ્રદેશોમાં પ્રકૃતિએ ચોતરફ હરિયાળી જાજમ બિછાવી દીધી છે. વહેલી સવારના કોઈ એકાદ ટેકરી કે ડુંગર ઉપર ચડી ને આંખો છલકાઇ જાય એટલો લીલા રંગનો આસવ હૃદયમાં ઘૂંટડે ઘૂંટડે પી લઈએ તો જિંદગીને પરમ શીતળતાનો ચિરંતન અનુભવ થાય છે. પરંતુ આ બધું સુખ તો એમને માટે છે, જેઓ રજાઓનો મેળ કરીને શનિ-રવિમાં કે અન્ય અનુકૂળતાએ પ્રકૃતિ તરફ ફરવા નીકળી શકે. ભલે ગીર પ્રવાસીઓ તો ઘણા હશે પરંતુ એમાં અલગારી તો કોઈક જ હોય. આ વખતે ગીરથી છેક શત્રુંજય સુધી ગ્રીન ચેનલ રચાઈ ગઈ છે. એટલે કે સિંહના મૂળ વતનથી દૂર દૂર સુધી ઊંચેરા ઘાસથી વસુંધરા શોભી રહી છે. એની આડશમાં થોડા દિવસોમાં જ સિંહ પરિવારોનું સ્થળાંતર થશે. આ વખતે ગુજરાતમાં અનેક નવાં સ્થળોએ સિંહ દેખાઈ જાય એવી શક્યતા છે.
આ ચોમાસામાં વારંવારના વરસાદને કારણે આપણી કેટલીક રાત્રિઓ તો એટલી સોહામણી બની ગઈ કે હૃદય પર ચોમાસાની ઘનઘોર ઘટા એક પડાવની જેમ બાઝી ગઇ. એક તો આકાશમાંથી વરસતા વરસાદનું ધોધમાર સંગીત અને બારી ખોલીને જુઓ તો ચોતરફ અંધકાર...! વરસાદનો અવાજ બે પ્રકારનો હોય છે, એક તો આકાશમાંથી વરસે છે એનો પોતાનો છેક દૂર નભ મંડપમાંથી આવતો વિશુદ્ધ જળધ્વનિ હોય છે. ઉપરાંત બીજો અવાજ એ વરસાદ પૃથ્વી પર જ્યાં પડે છે ત્યાંથી ઉઠતા અવાજના તરંગો. આ બધું મળીને જે સિમ્ફની રચાય છે તે વર્ષાઋતુના અનવરત ગાન છે. હવે એ ગાન અને એ સંગીત અવરોહણમાં વિદાય લેવાની તૈયારીમાં છે. દરિયા કિનારા સિવાયના ગુજરાતમાં આ શરદઋતુમાં વરસાદ હવે નહીં વરસે. દક્ષિણ ગુજરાતની વાડી અને વનરાઈમાં ચોમાસાએ ઘેરાવો કરેલો છે. સાપુતારામાં પણ પ્રવાસીઓની ભીડ વધી ગઈ છે. એક સાથે અનેક ઝરણાઓનાં નવાં નવાં સ્થળો શોધીને પ્રવાસીઓ કુદરતના રંગે ચડેલાં દેખાય છે.
ખરીફ મોસમ સારી પસાર થઈ રહી હોવાને કારણે હવે રવિપાક પણ સારો જ રહેશે. ઉપરાંત રવિપાક માટે સિંચાઈનો પ્રશ્ન પણ ઉકેલાઈ ગયો છે, પરંતુ પાછોતરા વરસાદને કારણે રવિ મોસમ મોડી શરૂ થશે. જ્યારે ચોતરફથી દેશમાં આર્થિક સંકટ, સમજણ વિનાની સરકારી સુધારણાઓ અને મંદીને કારણે પ્રજા મુંઝવણ અનુભવી રહી છે ત્યારે જ કુદરતે આકાશમાંથી વરસાવેલી અનંત અમૃતધારાઓને કારણે ભારત અને ભારતીય પ્રજાને બહુ મોટી રાહત થઈ છે.