Get The App

દલાલ સ્ટ્રીટના આંચકા .

Updated: Mar 17th, 2023


Google NewsGoogle News
દલાલ સ્ટ્રીટના આંચકા                     . 1 - image


ભારતીય શેર બજારમાં વૈશ્ચિક આંચકાઓ અને ભારતીય ઘટનાક્રમોના પ્રત્યાઘાત પડતા રહે છે તેમાં ક્યારેક સેબી પોતે પણ નવા નિયમોના ચાબુક ફટકારીને દોડતા ઘોડાને વધુ દોડાવવાને બદલે લગામ ખેંચી લે છે. સેબીની ચતુર ચાલ વિશે સામાન્ય કે અદના રોકાણકારોને ભાગ્યે જ અંદાજ હોવાથી બજાર કડડભૂસ થઈ જાય છે. અગાઉ સેબીએ મ્યુચ્યુઅલ ફંડ્સના પુનઃ વર્ગીકરણના જે નિયમના અમલની તાકીદ કરી એનાથી સંખ્યાબંધ પોર્ટફોલિયો મેનેજર્સ અને એની કંપનીઓમાં ગભરાટ ફેલાઈ ગયો. દેશના આર્થિક દ્રષ્ટિએ વિકટકાળ કહેવાય તેવા સમયમાં એક સાથે ૫૦૦-૭૦૦ શેરના ભાવ ઝડપથી ગગડતા રોકાણકારોના કરોડો રૂપિયાનું અકારણ જ ધોવાણ થયું હતું. અમેરિકન અને કેટલીક યુરોપીયન બેન્કોના પડઘા પણ બજાર પર હાલ પડી રહ્યા છે.

સ્મોલ અને મિડ-કેપ શેરોમાં થયેલા એકાએક ધોવાણનો કોઈ પૂર્વ અણસાર ખેરખાંઓને આવી શક્યો ન હતો. આ નવા કરેક્શનને કારણે દલાલ સ્ટ્રીટમાં એક પ્રકારની અફડાતફડી મચી ગઈ છે. રોકાણકારો પાસેથી હપ્તાવાર (એસઆઈપી) નાણાં લઈને જંગી ભંડોળ એકત્રિત કરી એને બજારમાં રોકનારા અને મધ્યમગાળામાં ઊંચો નફો લેવાનો ખ્યાલ ધરાવતા મ્યુચ્યુઅલ ફંડો પણ બજારને ઓળખવામાં આ વખતે ગોથું ખાઈ ગયા છે. બજારમાં મોરેશિયસ પ્રકરણની ગંભીર ચર્ચા છે કે જેના છેડા અજાણ્યા વિદેશીઓને ભારતીય ડિફેન્સ ક્ષેત્ર સાથે વ્યાપારિક અનુબંધ રચી આપે છે. કેન્દ્ર સરકાર પ્રજાની વિસ્મૃતિ પર વિશ્વાસ ધરાવે છે કે ટૂંક સમયમાં લોકો ભૂલી જશે. છેલ્લા થોડા દિવસોથી નાણાં મંત્રાલયે અજબ ગજબ ફતવા બહાર પાડવાનો ક્રમ અટકાવ્યો છે.

નાણાં સચિવ અને વડાપ્રધાન કાર્યાલય વચ્ચે અત્યારે વ્યક્તિગત આવકવેરાનાં ધોરણોમાં સુધારણા કરવાની ફાઈલો ફરી રહી છે અને લોકસભાની ચૂંટણી પહેલાં એમાં હજુ સ્લેબ વધારાની એટલે કે કર ઘટાડાની સંભાવના છે. મ્યુચ્યુઅલ ફંડોની આવક પર નાણાંખાતાએ ફટકારેલો કેટલોક કરબોજ પણ પાછો ખેંચાવાની શક્યતા છે. જોકે અરૂણ જેટલીના છબરડાઓને સુધારવામાં જ પાછલાં ત્રણ વરસ લાગ્યાં છે અને સરકાર ગમે તેની હોય, એ કામ નાણાં મંત્રાલયે જ કરવું પડતું હોય છે. ગત  સપ્તાહાંતે કેટલાક શેરોમાં તો ચાલુ વર્ષની ટોચની સપાટીની તુલનાએ ૯૪ ટકા સુધી ભાવ નીચે જતા રહ્યા છે. સ્મોલ અને મિડ-કેપ શેરોમાં આવનારા દિવસોમાં હજુ વધુ આંચકાઓ આવવાની શક્યતા છે, કારણ કે સેબી સતત રોકાણકારોના હિતના બહાને મ્યુચ્યુઅલ ફંડોની રોકાણ પ્રણાલિકા પર કાતિલ નજર રાખે છે અને બીજી બાજુ અદાણી ફેક્ટર હવે બજારને જંપવા દે એમ નથી.

ફંડ મેનેજરો ઈન્ડેક્સની એવરેજથી પણ વધુ નફો રળી લેવાની કાબેલિયત ધરાવતા હોય છે. રોકાણકારોનો એક મોટો વર્ગ હવે પોતાનો પોર્ટફોલિયો બીજાઓને સોંપે છે. બીજાઓ એટલે કે પોર્ટફોલિયો મેનેજરો પાસે પાંચ-દસ લાખની એવરેજના જથ્થાબંધ એકાઉન્ટ હોય છે. મુંબઈના મેનેજરો પાસે કરોડ-કરોડનાં પણ સંખ્યાબંધ એકાઉન્ટ હોય છે અને તે હવે સાવ સામાન્ય ક્રમ છે.આવા મેનેજરો પોતાને ત્યાં ટેકનિકલ એનેલિસ્ટો, ચાર્ટિસ્ટો અને ફન્ડામેન્ટલ અભ્યાસ કરનારા વિશ્લેષકોને બહુ ઊંચા પગારે નોકરીમાં રાખતા હોય છે. સ્મોલ અને મિડ-કેપ  શેરોએ આ વખતે શિખરથી તળેટી સુધીની જે પછડાટ ખાધી તેમાં પેલા નિષ્ણાતો પણ સ્તબ્ધ થઈ ગયા છે. તમામ મ્યુચ્યુઅલ ફંડો બજારમાં રોકાણોમાં ગયા સપ્તાહે સખત ધોવાયા છે. એલઆઈસીની પણ એ જ દશા છે. સેન્સેક્સ અને નિફ્ટી પોઝિટિવ રહ્યા હોવા છતાં થયેલું આ નુકસાન દલાલ સ્ટ્રીટના ઈતિહાસમાં એક લાજવાબ  ઘટના છે.

ફંડના મેનેજરોને તકલીફ ક્યાં પડી? તેમણે રોકાણના બધા પાટા રાતોરાત બદલવા પડયા. સેબીના નવા વર્ગીકરણ પ્રમાણે લાર્જ-કેપ સ્કીમનું ઓછામાં ઓછું ૮૦ ટકા રોકાણ લાર્જ-કેપ શેરોમાં જ રોકાયેલું હોવું જોઈએ, એમ ન હોય તો સેબીના કાયદા પ્રમાણે ગુનો બને છે. એવું જ મિડ-કેપ ફંડનું છે. મિડ-કેપ ફંડનું ઓછામાં ઓછું ૬૫ ટકા રોકાણ મિડ-કેપ શેરોમાં જ હોવું ફરજિયાત છે. આ વખતના ધોવાણનું એક કારણ શેરોનું અવાસ્તવિક વેલ્યુએશન પણ છે. ઉપરાંત  અદાલતે પ્રતિબંધ મૂક્યો હોય તેવા કેટલાક ખેલાડીઓએ ભાજપ સાથે અંતરંગ સંબંધ દાખવી પડદા પાછળથી ખેલ ચાલુ કર્યા હોવાની ગંધ પણ જૂના જોગીઓને આવે છે. વિવિધ સહકારી બેન્ક કૌભાંડોના એ કીમિયાગરોએ પોતાના પ્રતિનિધિરૂપ દલાલોની નવી રિંગ બજારમાં સક્રિય કરી હોવાનું દલાલ સ્ટ્રીટમાં સાંભળવા મળે છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના મિડ-કેપ અને સ્મોલ-કેપ ઈન્ડેક્સમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં સેન્સેક્સને બહુ આંચકો લાગ્યો નથી એનું કારણ બીજા અનેક શેરોનું વોલ્યુમ ઊંચુ રહ્યું છે.


Google NewsGoogle News