Get The App

ચીની માલનો પુન: બહિષ્કાર .

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
ચીની માલનો પુન: બહિષ્કાર                         . 1 - image


ચીન લદ્દાખની સરહદે ભારતીય સેનાની સાથે અથડામણમાં ઉતર્યું તે પહેલાથી જ ચીની માલનો વપરાશ ઘડાડવાની જરૂર પ્રજાના બહોળા વર્ગને અને વેપારીઓને લગતી હતી પણ તેને દિશાદોર નહોતો મળતો તેથી તેની સફળતા વિષે વ્યાપક શંકા સેવાતી હતી. પરંતુ  સરહદે અરૂણચાલની વિવિધ ઘટનાઓ પછી પ્રજાનો ચીની માલ સામે આક્રોશ વધી ગયો છે. અગાઉની જેમ જાહેરમાં ચીની માલની હોળી ભલે ન થતી હોય પરંતુ ઘણા લોકોએ સ્વયંભૂ તેમના મોબાઇલમાંથી ચીની એપ્સને દૂર કરી છે. આ સાથે વેપારીઓના દેશવ્યાપી સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સએ અને આરએસએસની પાંખ સ્વદેશી જાગરણ મંચે ક્યા ચીની ઉત્પાદનોનો વપરાશ ટાળી તેને સ્થાને જે ભારતીય માલ વાપરી શકાય તેની વિસ્તૃત યાદી પ્રગટ કરી છે.

આપણે ત્યાં બે-ત્રણ વરસ પહેલા ચીની ફટાકડાનો બહિષ્કાર કરવાનો વાયરો ઉપડયો હતો પણ તે બહુ ચાલ્યો ન હતો. દસ ટકા ફેર પડયો હતો. પરંતુ હવે આવતી દિવાળીમાં તો જેઓ ચીની ફટાકડા વેચશે એ વેપારીઓનો જ બહિષ્કાર કરવાનું એલાન અત્યારથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કરેલું છે એટલે કોઈ પણ વેપારી ચીની ફટાકડા વેચશે જ નહિ. દેશના મોટા શહેરોમાં દુકાનદારો જે માલ ભરેલો છે એ વેચે છે પણ નવો કોઈ ચીની માલ તેઓ હવે પોતાની શોપમાં દાખલ કરતા નથી. દેશના અનેક વેપારી મંડળો અને મહામંડળોએ ઠરાવ કરી નાંખ્યા છે કે હવે ચીની માલનો વેપાર કરવો નહિ તથા ઉત્પાદકોએ કાચો માલ પણ ચીનથી આયાત કરવો નહિ.

વપરાશકારોનો એક વ્યાપક વર્ગ કહી રહ્યો છે કે ભારતીય ઉત્પાદનોની કિંમત વધુ છે પણ ચીનના માલની ગુણવત્તા નબળી હોવાથી તેઓ વધુ કિંમત ચૂકવીને પણ ભારતીય ઉત્પાદનો ખરીદશે. નિરાશાવાદીઓએ એ વાતની નોંધ લેવાની જરૂર છે કે અત્યારની લોકલાગણી એ માત્ર જુવાળ નથી જે સમય જતા ઓસરી જાય. ચીની માલનો વપરાશ ઘટે તે આપણા વેપારીઓ અને ઉદ્યોગો માટે ફાવતી વાત છે પણ હવે સરકારનો સાથ મળવાથી બહિષ્કારની ઝુંબેશને દિશાદોર મળી રહ્યો છે અને તે વાસ્તવિકતા બની શકે  છે. ચીનના માલના બહિષ્કારની હિલચાલના ઉગ્ર પ્રત્યાઘાત એ દેશમાં પડયા છે. ભારત આ પડકારને ઝીલી શકે છે તેને ચીન સમજે છે. ભારતને ચીનના માલ વિના ચાલશે નહીં તેવી ગ્લોબલ ટાઇમ્સની શેખી જ તેનો ઉકળાટ બતાવે છે.  

આપણી સરકાર ચીની બનાવટની ૩૭૧ આઇટમની આયાત અંકુશિત બનાવી રહી છે. માત્ર ચીની માલ જ નહીં, દેશના માળખાકીય વિકાસમાં પણ તેનું અવલંબન ઘટે તે માટે પગલાં લેવાનું શરૂ થયું છે પણ રસ્તો લાંબો અને કઠિન છે. ચીનથી આવતા કેટલાક રસાયણો ઉપરની એન્ટી ડમ્પિગ ડયુટી વધારવાની ભારતની હિલચાલ સામે તેણે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુટીઓ)માં ''માર્કેટ ઈકોનોમી સ્ટેટ્સ'' હોવાનો દાવો કર્યો છે. ભારત સહિત અન્ય દેશોએ તેના આ દાવાને સ્વીકાર્યો નથી તે જુદી વાત છે, પણ ચીનનું આર્થિક સ્વાસ્થ્ય કથળ્યું હોવા છતાં તે ભારતીયોનું સ્વાસ્થ્ય બગાડવા ઔષધોના કાચા માલ એપીઆઈ અને તેના કેમિકલ્સની નિકાસ અંકુશિત કરે તો તેના આકરા પ્રત્યાઘાતો અહીં પડે. તેથી ચીન શાંત બેસી રહેશે તેવું માની લેવાય નહીં. કોમ્પ્યુટર હાર્ડવેર બનાવવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા ભારતમાં વિકસાવવાનું મુશ્કેલ છે પણ અશક્ય નથી. 

ઈલિક્ટ્રિકલ ઉપકરણો, મશિનરી, ખાતર, પ્લાસ્ટિક આઇટમોની આયાત વધુ પ્રમાણમાં થાય છે. સરકારના પ્રોત્સાહનોથી ઉદ્યોગો તેમાં આત્મનિર્ભર બને તો પણ તેમના પોતાના આગવા પ્રયાસો હોવા જરૂરી છે. ભારતના મોટર સાઇકલ અને ટેક્સ્ટાઇલ ઉદ્યોગે વિશ્વ બજારમાં કાઠું કાઢયું છે. ભારતીય બનાવટની મોટર સાઇકલ ચીનની સસ્તી બનાવટની જ નહીં જાપાનની અદ્યતન મોટર સાઈકલને પણ ટક્કર મારી રહી છે. આપણી મોટર સાઇકલોએ અનેક દેશોમાંથી ચીનની મોટર સાઇક્લનો એકડો કાઢી નાખ્યો છે. કેટલીક ઓટોમોબાઇલ કંપનીઓએ કોરોના વાઇરસ સામેનો પડકાર ઝીલીને તેના પ્લાન્ટમાં સસ્તા અને અસરકારક વેન્ટિલેટર બનાવ્યા હતા. મોટર સાઈકલના ઉત્પાદનમાં ઉદ્યોગે જે સિદ્ધિ મેળવી તે અન્ય ઉદ્યોગો માટે પ્રેરણાસ્રોત બનવો જોઈએ.


Google NewsGoogle News