Get The App

પેરેડાઈઝ લોસ્ટ એન્જલસ

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
પેરેડાઈઝ લોસ્ટ એન્જલસ 1 - image


દુનિયાની સાથે ખુદ અમેરિકાએ પણ લોસ એન્જલસની આગ મૂક સાક્ષી બનીને જોયા કરવી પડે એ દશા આજે એ મહાસત્તાની થઈ છે. લોસ એન્જલસ હવે લેસ એન્જલસ તો થઈ જ ગયું છે અને લોસ્ટ એન્જલસ ન થાય એની ચિંતા અમેરિકન સરકારને સતાવી રહી છે. અમેરિકાનું આ એક સ્વર્ગ પ્રકૃતિના અગન તાંડવમાં ફસાઈ ગયું છે. લોસ એન્જલસમાં લાગેલી જંગલની અનિયંત્રિત આગ અને જાનમાલના મોટા પાયે થયેલા નુકસાનથી સાબિત થયું છે કે વિશ્વની નંબર વન મહાસત્તા પણ કુદરતના પ્રકોપ સામે વામન સાબિત થઈ છે. જંગલમાં આગ લાગ્યા પછી, તેણે ઘણા શહેરી વિસ્તારોને પોતાની લપેટમાં લઈ લીધા. અબજો રૂપિયાની મિલકત અને કુદરતી સંસાધનોના વિનાશ ઉપરાંત, લગભગ બે-ચાર લાખ લોકોને વિસ્થાપિત કરવા પડયા છે. દુનિયામાં ગમે ત્યારે ગમે ત્યાં દીવાસળી ચાંપનારા જગતકાજીના ઘરમાં આ અગન પલિતો કોણે ચાંપ્યો તે હજુ જોકે રહસ્ય જ છે.

સંખ્યાબંધ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જેમાં વૈભવી બંગલા, સરકારી માળખાકીય સુવિધાઓ અને નાગરિકી સુવિધાઓનો નાશ થયો છે. લાખો લોકોને પોતાના ઘર છોડવા માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. ફાયર વિભાગ અને સુરક્ષા દળોના તમામ પ્રયાસો છતાં, આગ કાબુ બહાર છે. લોકો લાચારીથી પોતાની જીવનભરની બચતનો નાશ થતો જોઈ રહ્યા છે. હવામાન પરિવર્તનને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થવાની આશંકા છે. આગ પછીનું દ્રશ્ય જોતાં એવું લાગે છે કે જાણે બોમ્બ ફેંકવામાં આવ્યો હોય. વિડંબના એ છે કે આ આફતમાં તકો શોધતા કેટલાક લોકો ખાલી કરાયેલા ઘરોને લૂંટવાનું પણ ટાળી રહ્યા નથી. હોલિવુડ હિલ્સ વિસ્તારમાં સાડા પાંચ હજારથી વધુ ઇમારતો નાશ પામી હોવાના અહેવાલ છે. ઘણી પ્રખ્યાત ફિલ્મ હસ્તીઓનાં ઘરો, વ્યાપારી ઇમારતો અને જાહેર સંસ્થાઓ આગનો ભોગ બન્યા છે.

આ જંગલની આગ અમેરિકાના ઇતિહાસમાં સૌથી વિનાશક સાબિત થઈ છે. ચિંતાજનક બાબત એ છે કે નજીકના ભવિષ્યમાં આ વિસ્તારમાં વરસાદની કોઈ શક્યતા નથી, જેના કારણે જંગલની આગને ઝડપથી કાબુમાં લઈ શકાતી નથી. મોટા વિસ્તારમાં વીજળી પુરવઠામાં વિક્ષેપ અને પાણી પુરવઠામાં વિક્ષેપ કટોકટીને વધુ વકરી રહ્યો છે. સલામત સ્થળોએ જવા માટે લોકોમાં અંધાધૂંધી હોવાને કારણે ઘણી જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. પાણીના દબાણ ઓછા હોવાને કારણે, અગ્નિશામકોને આગ ઓલવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાસ્તવમાં આ આગ લોસ એન્જલસના ઉત્તરીય ભાગમાં શરૂ થઈ હતી, જેણે પાછળથી ઘણાં મોટાં શહેરોને પોતાના સપાટામાં લઈ લીધા છે. ભારે પવન અને શુષ્ક હવામાનને કારણે આગ વધુ તીવ્ર બની છે. સૂકા વૃક્ષો અને છોડમાં ઝડપથી આગ લાગી.

વાસ્તવિકતા એ છે કે ૯૫ ટકા જંગલની આગ માણસો દ્વારા જ લાગે છે. જોકે, આબોહવા પરિવર્તનની અસરોને કારણે બદલાયેલી પરિસ્થિતિઓને કારણે, હવે આખા વર્ષ દરમિયાન ફરી ફરી આગ લાગવાની શક્યતા છે. વરસાદના અભાવે દુષ્કાળ અને ભારે પવન આગમાં ઘી ઉમેરે છે. ગરમ હવામાન અને વરસાદનો અભાવ પણ આગ માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવે છે. આ વખતે, ૧૨૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા સાન્ટા એના નામક ખતરનાક પવનોએ પણ આગને વધુ ભડકાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ વખતે આ પવન અસામાન્ય રીતે ફૂંકાઈ રહ્યા છે. આ વિસ્તારમાં રાખના સૂક્ષ્મ કણો અને ધુમાડાને કારણે બહુ મોટા સ્થાનિક વિસ્તારમાં આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે.

હજુ પણ જંગલોમાં આગ ભભૂકી રહી છે. ઊંચી જ્વાળાઓ એવી દેખાય છે જેવી આજ સુધી હોલિવુડની કોઈ ફિલ્મે બતાવી નથી. આકાશમાં કાળા ધુમાડાનાં વાદળ છવાયેલાં છે અને બધે અરાજકતા છે. કેલિફાર્નિયાના લોસ એન્જલસમાં વિકરાળ દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ચારે બાજુ વિનાશનાં દ્રશ્યો દેખાય છે. લોસ એન્જલસમાં લાગેલી ભીષણ આગ સામે મહાસત્તા આટલી નબળી કેમ પડી ગઈ? આખી દુનિયા કુદરતની વિનાશકતા જોઈ રહી છે. અમેરિકા સહિતના મોટાભાગના દેશોમાં ક્લાયમેટ ચેન્જના પરિસંવાદો જ ચાલે છે. એ સેમિનારો ને વ્યાખ્યાનોની કલ્પનાકથાઓની સામે આ આગ એક ભીષણ વાસ્તવિકતા છે, માણસજાત એટલી હદે બધિર થઈ ગઈ છે કે આ આગ પણ એને ઊંઘમાંથી જગાડી શકશે નહીં. હજુ વધુ વિનાશક દ્રશ્યો આ સદીમાં જોવામાં આવશે, કારણ કે કુદરતે હિસાબનો ચોપડો ખોલ્યો છે. આ 'ચોપડા'માં માણસ જાતના કેવા કેવા પ્રકૃતિ તરફના અપરાધો નોંધાયેલા છે તે સહુ જાણે છે.


Google NewsGoogle News