મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન
મણિપુરમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી એન. બિરેન સિંહના ઉત્તરાધિકારી મળી શક્યા નથી અને છેલ્લી વિધાનસભા બેઠકના છ મહિના પછી પણ ધારાસભા બોલાવવામાં આવી નથી. આને ધ્યાનમાં રાખીને, વિધાનસભાને સ્થગિત કરવામાં આવી અને રાજ્યમાં રાષ્ટ્રતિ શાસન લાગુ કરવામાં આવ્યું. જો કે, ઈ. સ. ૨૦૨૩ના મધ્યભાગથી, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કાયદો અને વ્યવસ્થાનું નિયંત્રણ સંભાળી લેતા મોટી સંખ્યામાં કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે, પરંતુ મે ૨૦૨૩માં વંશીય અથડામણ તરીકે શરૂ થયેલા આ સંઘર્ષના શાંત થવાના અદ્યાપિ કોઈ સંકેત નથી. રાષ્ટ્રતિ શાસન લાગુ કર્યા પછી હવે કેન્દ્ર સરકાર માટે અધિક કસોટીકારક સાબિત થશે. કેન્દ્ર સરકાર પાસે હજુ પણ સ્વયશ કાજે રાજ્યમાં તણાવ ઓછો કરાવવાની તક છે પરંતુ કેન્દ્રની વિચારધારામાં સંકલ્પનો અભાવ છે. આટલા લાંબા સમયથી મણિપુરના નાગરિકોની જિંદગી ઠેબે ચડી છે છતાં વડાપ્રધાન કાર્યાલયની નિષ્ક્રિયતા અને ચૂપકિદી આખા દેશને ખટકે છે.
કદાચ કેન્દ્ર પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો. દોઢ વર્ષથી વધુ સમયથી મુખ્યમંત્રી બિરેન સિંહને હટાવવાની રજૂઆત કરવામાં આવી રહી હતી, પરંતુ જ્યારે NDAના સાથી પક્ષ NPPએ સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો ત્યારે તેમના પર દબાણ વધ્યું. આ પછી, મુખ્યમંત્રી પર નૈતિક દબાણ વધ્યું અને તેમણે રાજીનામું આપી દીધું. પરંતુ દુઃખની વાત છે કે ત્યાં સુધીમાં મણિપુરના રાજકીય અને સામાજિક માળખાને ખૂબ જ નુકસાન થયું છે. રાજીનામા પછી પણ બિરેન સિંહના કાર્યકારી મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવાથી ઘણા ધારાસભ્યો નારાજ હતા.તે જ સમયે, જ્યારે નવા મુખ્યમંત્રીની પસંદગી પર કોઈ સર્વસંમતિ ન હતી, ત્યારે કેન્દ્ર પાસે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. પરંતુ એવું અનુભવાયું છે કે રાષ્ટ્રપતિ શાસન લાદીને કોઈપણ રાજ્યમાં લોકશાહી વ્યવસ્થા સ્થાપિત થઈ શકતી નથી. તેથી, કેન્દ્રએ શક્ય તેટલી વહેલી તકે મણિપુરમાં પારદર્શક અને નિષ્પક્ષ સરકાર બનાવવી જોઈએ. ગમે તે હોય, રાજ્યમાં વિધાનસભાનો પૂરતો કાર્યકાળ બાકી છે. તેથી હજુ સુધી વિસર્જન થયું નથી.
છેલ્લા અગિયાર વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે કેન્દ્રની NDA સરકારે પૂર્ણ બહુમતી ધરાવતા ભાજપ શાસિત રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન દાખલ કરવું પડયું છે. મણિપુરમાં વિધાનસભા હાલમાં સ્થગિત છે. આનો અર્થ એ થયો કે હવે રાજ્યપાલ ત્યાંના તમામ વહીવટી કામકાજ સંભાળશે. આનાથી રાજ્યમાં લોકશાહી પ્રક્રિયામાં અવરોધ આવશે તેમાં કોઈ શંકા નથી. પ્રશ્ન એ છે કે મણિપુરની વર્તમાન પરિસ્થિતિ માટે કોણ જવાબદાર છે? અગાઉ, અનેક કુકી સંગઠનોએ બિરેન સિંહ પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો. પણ કોઈએ તેમની વાત સાંભળી નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સંગઠનોએ શાંતિ મંત્રણા માટે મુખ્યમંત્રીને હટાવવાની શરત મૂકી હતી. આ દરમિયાન ભાજપના ધારાસભ્યો પણ તેમનાથી નારાજ થઈ ગયા હતા. એવું લાગે છે કે કેન્દ્રએ રાષ્ટ્રપતિ શાસન લાદીને આ અસંતોષને રોકવાનો પ્રયાસ કર્યો છે. એથી એક રીતે તો હવે બિરેન સિંહને હટાવવાથી, રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે વાટાઘાટોની આશા વધી ગઈ છે.
૬૦,૦૦૦ થી વધુ લોકોના વિસ્થાપન જેવા સળગતા મુદ્દાઓ પર પણ કેન્દ્ર સરકાર તેમના પોતાના શાસન દરમિયાન કામ કરી શકે છે. અહેવાલો સૂચવે છે કે વિસ્થાપિતોમાંના ઘણા હજુ પણ ગંભીર આઘાત અને આજીવિકા ગુમાવવાથી પીડાઈ રહ્યા છે, જેનો સરકારે તાત્કાલિક ઉકેલ લાવવાની જરૂર છે. રાષ્ટ્રપતિ શાસન સંઘર્ષમાં સામેલ બે સમુદાયોના પ્રતિનિધિઓ વચ્ચે, ખાસ કરીને શાંતિ માટે પ્રતિબદ્ધ લોકો વચ્ચે વાતચીતની શક્યતા પણ ઊભી કરે છે. સમાધાનની આ કવાયતમાં ધારાસભ્યો પણ ભૂમિકા ભજવી શકે છે. બીજો મોટો મુદ્દો નાગરિકોના સમાજનું લશ્કરીકરણ છે. બંને સમુદાયોમાં સશસ્ત્ર જૂથો ઉભરી આવ્યા છે. પોલીસ પાસેથી લૂંટાયેલા હથિયારો ધારણ કરીને આ લોકોએ પોતાને ગ્રામ સ્વયંસેવક નામ આપ્યું છે. આ શસ્ત્રો મેળવવા અને લૂંટારાઓ સામે કાર્યવાહી કરવાના અગાઉના પ્રયાસો સફળ સાબિત થયા નથી.
આ નવા વંશીય સંઘર્ષમાં લશ્કરીકરણ પણ ભારતીય રાજ્ય સામે લડી રહેલા અથવા મ્યાનમારના ગૃહયુદ્ધમાં રોકાયેલા બળવાખોરોની વિસ્તૃત ભૂમિકાને કારણે જટિલ બન્યું છે. ગામડાના સ્વયંસેવકોને ઓળખવા, શક્તિ અને પ્રોત્સાહનોનો ઉપયોગ કરીને તેમને નિઃશસ્ત્ર કરવા અને પછી બળવાખોરોનો સામનો કરવાના રસ્તાઓ શોધવા માટે સરકાર, સશસ્ત્ર દળો અને ઇતર નાગરિક સમાજ દ્વારા સંકલિત પ્રયાસની જરૂર પડશે.