Get The App

રિયલ એસ્ટેટની હલચલ .

Updated: Aug 18th, 2021


Google NewsGoogle News
રિયલ એસ્ટેટની હલચલ                  . 1 - image


બીજી અને ત્રીજી લહેર વચ્ચેના આ સમયગાળામાં ભારતીય જનજીવનમાં આશાઓનો સાગર લહેરાય છે. બહાર સંક્રમણનો ભય અને ભીતર આર્થિક ચિંતાઓ ! વિવિધ બજારોમાં સુધારા તરફી વલણ જોવા મળે છે. દિવાળી ઉપર સામાન્ય તેજીનો અણસાર લોકોને જોવા મળશે પણ એને તેજી ન કહેવાય, એ તો પ્રાસંગિક ડિમાન્ડ જ કહેવાય. છેલ્લા બે વરસથી સ્થગિત થઈ ગયેલા શોપિંગ કામકાજ એક સાથે દેખાતા બજાર છલકાય એ સ્વાભાવિક છે. વધતી જતી મોંઘવારી અને નબળું પડી જતું અર્થતંત્ર દાઝયા પર ડામ જેવું સાબિત થઈ રહ્યું છે. તેની સીધી અસર રિયલ એસ્ટેટ પર પડી રહી છે.

મકાનોના ખરીદ-વેચાણ ઉપર પણ ભારે અસર પડી છે. તાજેતરના સર્વેક્ષણ મુજબ છેલ્લા વર્ષમાં મકાનના ખરીદ વેચાણમાં પચાસ ટકાની પડતી આવી છે. જો કે નોઈડા, ગુરુગ્રામ અને કલકત્તામાં રિયલ એસ્ટેટમાં થોડોક વધારો જોવા મળે છે. પણ દેશના બીજા મહાનગરોમાં જમીન-મકાનની પડતી ચિંતાજનક છે. આ પરિસ્થિતિ માટે રિયલ એસ્ટેટને લગતા જે કડક નિયમો બનાવવામાં આવ્યા છે એ પણ કારણભૂત છે. બે નંબરની સંપત્તિની ખરીદી ઉપર બ્રેક અને તરાપ મારવાના સરકારના ઈરાદાની અસર જમીન-મકાનના વેચાણ પર પણ થઈ છે.

સામાન્ય રીતે આ ચાતુર્માસ દરમિયાન જમીન મકાનમાં નવી લેવાલી નીકળતી હોય છે. ચોમાસુ સારું જશે એમ લાગે છે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ ખેંચાયેલો છે ને કિસાનો ઉદગ્રીવ દ્રષ્ટિએ આભને જોયા કરે છે. ઠંડક જ બાંધકામ ક્ષેત્રમાં ઘર કરી ગઈ છે. સરકારે આ ક્ષેત્રમાં કરોડો રૂપિયા ઠાલવ્યા છે જેનો લાભ ચપટીક લોકોને જ મળ્યો છે. નાણાં અને પોલિસીનો ભેદ એનડીએ સરકાર હજુ સમજી શકી નથી. આ બધાના લીધે રિયલ એસ્ટેટમાં એકદમ મંદી આવી ગઈ છે. ગયા વર્ષના આંકડા મુજબ જુદા જુદા શહેરોમાં હજારો મકાન રેડી પઝેશનમાં તૈયાર બેઠા છે, પણ ખરીદનારું કોઈ મળી રહ્યું નથી.

સેલ્સ કોલનું પ્રમાણ તો ધૂમ છે પણ એક વાર સ્કીમ જોઈ ગયા પછી ગ્રાહકને ક્લોઝ કરવામાં બિલ્ડરોને નાકે દમ આવી જાય છે. બેન્કોના લોનના ધોરણો પણ ઉદાર છે તો પણ ભાડાના ઘરમાંથી ઘરના ઘરમાં જવાનો ઉત્સાહ નામશેષ થઈ ગયેલો દેખાય છે. જે લોકો રોકાણ કરવા માટે મકાન ખરીદતા એ લોકોએ પણ પાછીપાની કરી લીધી છે.

આને લીધે અર્થવ્યવસ્થાને સારો ફટકો પડયો છે માટે રિયલ એસ્ટેટને પ્રોત્સાહન આપવા માટે સરકારે તજવીજ શરૂ કરી દીધી છે. પણ એનું કોઈ નક્કર પરિણામ મળી નથી રહ્યું. રિયલ એસ્ટેટની મંદી લાંબા ગાળાની અર્થવ્યવસ્થા માટે પણ ચિંતાજનક છે. લોકડાઉન અને કોરોનાએ આ સેક્ટરને ગંભીર નુકસાન કર્યું છે.

રિયલ એસ્ટેટનું ક્ષેત્ર લાખો લોકો માટે રોજગારી પેદા કરી આપે છે. કારીગર, એન્જિનિયર, માલસમાન બનાવતા ઉત્પાદકો સહિત હજારો એકમોને રિયલ એસ્ટેટ રોજગારી આપતું હોય છે. મકાન બની જાય પછી પણ તેના નિભાવ માટે સિક્યોરિટી સહિત ઘણી સેવાઓમાં રોજગારની તકો ઉભી થતી હોય છે. હવે અહીં મંદી આવે માટે બધા એકમોને ખરાબ અસર પડે જે અર્થતંત્રને સીધી અસર કરે. એવું નથી કે લોકોને નવું ઘર ખરીદવાની જરૂર નથી, પણ પ્રજાની ખરીદશક્તિ જ રહી નથી. મોંઘવારી વધી તેને કારણે લોકો કરકસર તરફ વળ્યાં છે અને મોટી ખરીદીને પાછળ ઠેલી રહ્યા છે.

એની અસર જમીન-મકાન સિવાય વાહનના ઉદ્યોગ પર પણ પડી છે. આ વિષચક્ર ઘણા સમયથી ચાલતું આવ્યું છે. કોરોના પહેલા જેમ ઓટો ઉદ્યોગ માટે મંદીના વાયરા ચોતરફ વાતા હતા તેમ હવે કેટલાક બિલ્ડરો મંદીથી ઘેરાઈ ગયા છે. સરકારની ઘણી આર્થિક નીતિઓ આ દુર્વ્યવસ્થા માટે જવાબદાર છે. નોટબંધી અને જીએસટીની અણઘડ નીતિનો માર હજુ અર્થવ્યવસ્થાને અસર કરી રહ્યો છે.

લોકોના હાથમાંથી પૈસો ગાયબ થઈ રહ્યો છે અને રોજગાર છીનવાઈ રહી છે. માર્કેટમાં એક અસુરક્ષાનો માહોલ ફેલાઈ ગયો છે. માટે હવે કોઈ નવા રોકાણનું જોખમ ઉઠાવતા નથી. રિયલ એસ્ટેટમાં એક સમયે બહુ તેજી હતી, માટે તે સમયે તે ક્ષેત્રનું પણ અર્થતંત્રને બેકઅપ મળતું રહેતું. બે નંબરના નાણાંને સાચવવાની એક જગ જાહેર તિજોરી તરીકે રિયલ એસ્ટેટની ગુપ્ત ઓળખ હતી. સરકારે નોટબંધી પછી જે ફફડાટ ફેલાવ્યો એમાં રોકાણ કરનારા લાખો પંખીઓ ઉડી ગયા. એ રોકાણકારોએ પોતાના માળા ક્યાં ક્યાં બાંધ્યા તે તો અલગ વિષય છે પરંતુ બાંધકામમાંથી તો તેઓ ખસી ગયા. ઉપરાંત કેટલાક જૂના રોકાણકારો પણ અધવચ્ચે ફસાઈ ગયેલા છે.


Google NewsGoogle News