ચિકનગુનિયાનું પુનરાગમન
છેલ્લા ત્રણેક માસથી ગુજરાતના જન-જીવનમાં ચિકનગુનિયાનું અભૂતપૂર્વ આક્રમણ થયું છે અને રાજ્ય સરકારનો શાસક પક્ષ પોતાના વિવિધ સાંધાના અને વાંધાના દુ:ખાવાને દૂર કરવામાંથી ઊંચો આવ્યો નથી. આમ તો અત્યારે આ મહારોગ ઠેરઠેર જોવા મળે છે પરંતુ એનો વ્યાપ અને ઝડપ એટલા છે કે જો હજુ પણ સરકાર એના નિયંત્રણ પર સીધું ધ્યાન નહિ આપે તો ઈ. સ. ૨૦૧૭ની જેમ ફરી ઘેર ઘેર ચિકનગુનિયા જોવા મળશે. સૌથી મોટું સંકટ જે તબીબો ઉચ્ચારે છે તે એ કે આની સીધી કોઈ દવા નથી. પૂર્વ આફ્રિકાના દેશ તાન્ઝાનિયાથી આમ તો આ રોગ લાંબો પ્રવાસ કરીને ભારતમાં આવેલો છે.
મૂળભૂત રીતે આ એક પશુરોગ છે. ગુજરાતના પશુપાલકો એક જમાનામાં પશુઓને થતા આ રોગને 'વલો' તરીકે ઓળખતા હતા અને પશુ ચિકિત્સકો સારવાર કરતા હતા. આ રોગ તાન્ઝાનિયાના જંગલોમાંથી પહેલા ભારતીય પશુઓમાં આવ્યો અને એને ગંભીરતાથી ન લેવાતા આગળ વધીને હવે એ જનસમૂહને પોતાના ભરડામાં લેવા લાગ્યો છે. મચ્છરો જ આ રોગના વાહક છે.
કેરળમાં એક તરફ કોરોનાના નવા કેસોએ ભયનું સામ્રાજ્ય ફેલાવ્યું છે અને બીજી તરફ ચિકન ગુનિયા અત્યારે પરાકાષ્ઠાએ છે. ઉપરાંત ત્યાં તો ઉંમર લાયક નાગરિકો મૃત્યુ પામવા લાગ્યા છે અને એ સંખ્યા પણ વધારે છે. ગુજરાતમાં પણ છેલ્લા બે-ત્રણ માસમાં જે વૃદ્ધજનોના એકાએક મૃત્યુ થવા લાગ્યા છે તેમાંના પણ ઘણા ચિકનગુનિયાનો જ શિકાર બનેલા છે.
અત્યારે જ ગુજરાતમાં હજારો પરિવારો એવા છે કે જેના આખા ઘરને ચિકનગુનિયાની યાતનામાંથી પસાર થવાનો પ્રસંગ આવ્યો હોય. રાજ્ય સરકારે મહામારી કક્ષાએ જઈ રહેલા આ રોગના સર્વેક્ષણ-સંશોધન પણ કરાવ્યા નથી અને કોરોનાની ત્રીજી લહેરની ચિંતામાં હતપ્રભ બની ગયેલા સરકારી વ્યવસ્થાતંત્રો પણ પ્રજાની આ યાતનામાં આશ્વાસન આપવા કામે લાગ્યા નથી.
ગુજરાતના તબીબો બહુ શરૂઆતમાં ચિકનગુનિયા અને ડેંગ્યુ વચ્ચેનો ભેદ પારખી શકતા ન હતા પરંતુ આજે તો આ રોગના લક્ષણો જ એટલા લોકખ્યાત થઈ ગયા છે કે એના સાવ પ્રાથમિક ચિહ્નથી જ એને ઓળખી લેવાય છે, બીજી તકલીફ એ છે કે આ રોગના હુમલાની સમગ્ર પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી એને રોકી શકાતો નથી.
ગુજરાતમાં આયુર્વેદ સહિતની જેટલી એલોપથીની વૈકલ્પિક તબીબી વિદ્યાઓ છે તે તમામ અત્યારે તો પ્રાયોગિક ધોરણે કામે લાગેલી છે. રાજ્ય સરકારના કોઈ પણ આરોગ્ય કેન્દ્રમાં આની રાહત કરનારી દવાઓ પણ ઉપલબ્ધ નથી તો ઉપચારક ઔષધિની તો વાત જ ક્યાં કરવાની ! ચિકન ગુનિયામાં આખું શરીર જકડાઈ જાય છે ને પછી મહદઅંશે પગના સાંધાઓમાં લાંબા ગાળાનો દુ:ખાવો એવી રીતે પડાવ નાંખે છે કે કાયમી અસર છોડી જાય છે.
આ રોગ નિર્મૂળ થાય છે ખરો પણ લાંબો સમય લાગે છે ને તેમાં પણ દર્દી જો પરેજી ન પાળે તો ફરીથી એની એ જ સ્થિતિ થતા વાર લાગતી નથી. એટલે કે એકવાર ચિકનગુનિયા થાય પછી લાંબા ગાળા સુધી એના આફ્ટરશોક આવતા રહે છે. દર્દી જકડાઈ જાય છે ત્યારે એની પીડા ખૂબ હોય છે પરંતુ સામે પક્ષે દર્શકોને સકરૂણા હાસ્ય ઉત્પન્ન થાય છે. વળી આ દર્શકો સ્વયં પણ થોડા સમયમાં એવી જ હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં મૂકાઈ જાય છે. પ્રજાના હાથપગ કોઈ પણ અકસ્માત વિના જ ભાંગી ગયા જેવી સ્થિતિ સર્જનારા આ રોગ સામે સરકાર હાથપગ જોડીને જે બેસી રહી છે તે પ્રજા માટે આ રોગ જેવી જ એક વધારાની યાતના છે.
આ રોગ સામે લડવા માટે જેઓ ચાલવા જતા ન હતા તેઓ હવે ચાલતા થઈ ગયા છે. ઉપરાંત રાજ્યના ગ્રામ વિસ્તારોમાં તો ઘરગથ્થુ ઉપચાર તરીકે વિવિધ પ્રકારના ઉકાળાઓ અને પ્રાત:કાળે એના પરબ પણ સેવાભાવી લોકોએ શરૂ કર્યા છે. આટલા ઊહાપોહ વચ્ચે અંધશ્રદ્ધા થોડી છાની બેસી રહે ? એનાય ખેલ અંતરિયાળ વિસ્તારોમાં શરૂ થઈ ગયા છે ને એના પ્રકારો અને વિકારોની યાદી બહુ લાંબી છે.
એકાદ નમૂનો યાદ કરવો હોય તો - એક ગામમાં ચિકનગુનિયા 'ઉતારવા' માટે દર્દીને ચાબુક મારવામાં આવે છે ! એક તો રોગની પીડા ને એના પર ચાબુકનો બેરહમ અભિષેક ! આપણા દેશમાં તો સામાજિક, ધાર્મિક, આર્થિક અને હવે તો રાજકીય અંધશ્રદ્ધાઓ સાથે તબીબી અંધશ્રદ્ધાના પણ હજારો દ્રષ્ટાન્ત જોવા મળે છે. આ આપણી અનુઆધુનિકતા (પોસ્ટ મૉડર્નિઝમ)નો બીજો કૌતુક પ્રેરક છેડો છે જ્યાં બુદ્ધિજીવીઓનું ડહાપણ સાંભળવા કોઈ તૈયાર નથી.
દેશના અનેક રાજ્યોમાં ઝડપથી ફેલાતા જતા ચિકનગુનિયા પરત્વે કેન્દ્ર સરકાર પણ ઉદાસીન છે. ચિકનગુનિયા પ્રત્યક્ષ રીતે જીવલેણ ન હોય એટલે આપણી હવેના યુગની સરકારોનું ધ્યાન નથી જતું અને જ્યારે ધ્યાન જશે ત્યારે ગોરખપુરની જેમ ઘણું મોડું થઈ ગયું હશે. રોગના તબીબી વૈજ્ઞાાનિક વિશ્લેષણ સહિત ટોચના તબીબોની રાષ્ટ્ર કક્ષાએ અને તમામ રાજ્યકક્ષાએ ટીમો બનાવીને એન્ટી ચિકનગુનિયા મેડિકલ સ્ક્વોડના કાફલાઓ અત્યાર સુધીમાં સરકારે મેદાનમાં ઉતારવાની જરૂર હતી.
શાસક પક્ષ માટે અસલ લોકસેવાનો એ મોકો પણ હતો પરંતુ પ્રચાર પેંતરામાંથી નવરાશ મળે તો ને ! સમય ઘણો વહી ગયો છે એની ફરિયાદ કરવાનો અર્થ નથી પરંતુ હજુ ય આ ફેલાતા જતા નિરંકુશ ચિકનગુનિયા પર તાત્કાલિક ધોરણે કાબુ પ્રાપ્ત કરી જેને ભરડો લીધો છે તેનો ઉપચાર અને બાકીનાઓ માટે આરોગ્ય કવચ કક્ષાની પ્રિકોશન પ્રણાલિકાની હાલ તાતી જરૂરિયાત છે. ચિકનગુનિયા રોગ નથી, રોગચાળો છે અને ગુજરાતમાં મચ્છરો જ એના પ્રમુખ વાહક છે. આ માટેનું રાજ્યવ્યાપી વ્યવસ્થાતંત્ર યુદ્ધના ધોરણે ગોઠવાઈ જાય એ આશા વધારે પડતી તો છે.