Get The App

જોઈએ છે વિદેશી રોકાણો .

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
જોઈએ છે વિદેશી રોકાણો                                  . 1 - image


ભારત પાસે દુનિયાભરની મહાલક્ષ્મીને આહવાન આપવાની વિરલ તક ઊભી થઈ છે. દેખીતી રીતે રાજકીય સ્થિરતા છે અને મૂડીવાદીઓનો દબદબો છે. એટલે વિદેશી રોકાણકારોને જોઈએ એવું વાતાવરણ છે. પિનથી પિયાનો સુધીનાં તમામ ઉત્પાદનોનો વિરાટ ઉપભોક્તા વર્ગ અહીં હયાત છે ને વધતો જ જાય છે. પોતાની માતૃભાષા કરતાં વિદેશી ભાષાઓનું ભૂત પ્રજાના મનમાં સવાર છે એટલે ઉદ્યોગો, ટેકનોલોજી અને આધુનિકતા પાછળનું બજેટ ભારતીયો વધારતા જ જાય છે.

લાંબા ગાળે ઉચ્ચ વિકાસ દર હાંસલ કરવા માટે ભારતને ટકાઉ સ્તરે ઊંચા રોકાણની જરૂર છે. દેશ વિકાસના એક નવા રસપ્રદ તબક્કામાં છે, આપણી સ્થાનિક બચત વિકાસને ટેકો આપવા માટે અપૂરતી છે. દેશનો મહત્ નાગરિક સમુદાય જુની બચતોનું ધોવાણ અને નવી બચતોનો શૂન્યાવકાશ ભોગવી રહ્યો છે. પોસ્ટલ વ્યાજદરો પ્રત્યે મોદી સરકારની ઉપેક્ષાએ દેશની નાની બચતોની મોટી વિભાવનાને હણી નાખી છે. એવું જ બેન્કિંગ વ્યાજદરમાં પણ છે. લોકો ક્રેડિટ સોસાયટીઓ અને ખાનગી ફાઈનાન્સ કંપનીઓ તરફ વળે છે, જેમાં પણ ફુલેકું ફરવાની તલવાર લટકતી રહે છે. આવી સ્થિતિમાં, બાકીના વિશ્વમાંથી મૂડી એકત્ર કરવાની જરૂર છે. 

ભારતમાં આવતા વિદેશી મૂડી ભંડોળ અનેક સ્વરૂપોમાં અને અનેક ધ્યેયો સાથે આવે છે. ઉદાહરણ તરીકે, કેટલાક વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) માત્ર ભારત અને તેમના વતન (યુએસ) વચ્ચેના વ્યાજ દરના તફાવતનો લાભ લેવા આવી શકે છે. આવાં રોકાણો સ્વભાવમાં ટૂંકા ગાળાના હોઈ શકે છે અને ખૂબ જ ઝડપથી પાછાં ચૂકવાઈ જાય છે. વિદેશી રોકાણનો સૌથી સ્થિર પ્રકાર જેને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) કહેવાય છે તે સમૃદ્ધ હોવો જરૂરી છે. દેશના આર્થિક આરોગ્ય માટે આ એક અનિવાર્ય ટોનિક છે. અહીં રોકાણકાર, મોટાભાગે મોટા બહુરાષ્ટ્રીય બિઝનેસ હાઉસ, લાંબા ગાળાના ઉદ્દેશ્ય સાથે મૂડીનું મોટું રોકાણ કરે છે. આ રોકાણ ઘણીવાર સ્વતંત્ર વ્યવસાય તરીકે અથવા ભારતીય ભાગીદાર સાથે ભાગીદારીમાં રોકાણ તરીકે મોકલવામાં આવે છે. મૂડી ઉપરાંત, આવા રોકાણકારો શ્રેષ્ઠ મેનેજમેન્ટ પ્રેક્ટિસ અને ટેકનોલોજી પણ લાવે છે, જે અર્થતંત્ર પર વધુ વ્યાપક અસર કરે છે.

આવી સ્થિતિમાં, મેક્રો ઇકોનોમિક પોલિસીના દ્રષ્ટિકોણથી, એફડીઆઇને મૂડીની આયાત કરતાં પણ વધુ ઉપચારાત્મક અભિગમ તરીકે જોવામાં આવે છે, કારણ કે એનાથી રોજગારીમાં સહજ વધારો થાય છે. ભારતીય રિઝર્વ બેંકે સેબી (SEBI) સાથે પરામર્શ કરીને હમણાં જ માર્ગદર્શિકા જારી કરી છે કે જ્યાં વ્યક્તિગત કંપનીઓનું હોલ્ડિંગ નિર્ધારિત મર્યાદા કરતાં વધી જાય છે તે FPIsને FDI તરીકે ફરીથી વર્ગીકૃત કરવામાં આવશે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ, FPIs કંપનીની પેઇડ-અપ મૂડીના ૧૦ ટકા સુધીનો હિસ્સો ધરાવે છે. જો કોઈ એફપીઆઈ આ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે, તો તે નવી માર્ગદર્શિકા મુજબ વધારાના હોલ્ડિંગને ઉતારશે અથવા એફડીઆઈ તરીકે પુનઃવર્ગીકૃત થવા માટે તૈયાર રહેશે. જો હોલ્ડિંગ એકવાર ફરીથી વર્ગીકૃત કરવામાં આવે તો તે ૧૦ ટકાથી નીચે આવે તો પણ તે પછી તો કાયમ માટે FDI રહેશે.

જોકે, આ ફેરફાર આપમેળે થશે નહીં. FPI ને સરકાર પાસેથી જરૂરી મંજૂરી અને રોકાણ કરતી કંપનીની સંમતિ પણ લેવી પડશે. આનાથી અમુક ક્ષેત્રોમાં એફડીઆઈ મર્યાદા વગેરે જેવી અન્ય શરતો પૂરી કરવામાં સરળતા રહેશે. પુનઃવર્ગીકરણ પણ સરહદી દેશોના રોકાણ જેવી શરતોને આધીન રહેશે. પુનઃ વર્ગીકરણ વિકલ્પ પોર્ટફોલિયો રોકાણકારોને ચોક્કસ કંપનીમાં તેમનો હિસ્સો વધારવા અને વિદેશી રોકાણ વધારવામાં પણ પ્રોત્સાહન આપશે. જો કે, તે ઓળખવાની જરૂર છે કે FPI એ આવશ્યકપણે નાણાકીય રોકાણકારો છે અને FDIની સામાન્ય સમજમાં તેનો સમાવેશ કરી શકાતો નથી. કેટલાક FPIs લાંબા ગાળા માટે રોકાણ કરવા ચાહે છે, પરંતુ તેઓ માત્ર એસેટ મેનેજમેન્ટમાં વિશેષતા ધરાવતા નાણાકીય રોકાણકારો બની રહે છે. નીતિના પરિપ્રેક્ષ્યમાં, આ પ્રકારનું પુનઃ વર્ગીકરણ FDIના પ્રવાહમાં છૂપો વધારો દર્શાવે છે, જેના કારણે મૂડી પણ ઝડપથી બહાર જઈ શકે છે. જ્યારે નીતિગત ફેરફારો કેટલીક કંપનીઓને નિયમનકારી શરતોને આધીન વિદેશી ઇક્વિટી મૂડી સરળતાથી વધારવામાં મદદ કરી શકે છે, પુનઃ વર્ગીકરણ FDIની સંખ્યામાં વધારો કરી શકે છે અને એકંદર સમજને સ્પષ્ટ બનાવી શકે છે. ખઈસ્છમાં જરૂરી સુધારા કરવા માટે સંસદ પર દબાણ લાવવા અને પોર્ટફોલિયો રોકાણકારો માટે ભારતીય કંપનીઓમાં તેમનું હોલ્ડિંગ વધારવા માટે થોડો અવકાશ ઉભો કરવાને વધુ સારો અભિગમ માનવામાં આવે છે. રોકાણમાં સ્થિરતાની શરત સાથે આ કરી શકાય છે. 


Google NewsGoogle News