વિદેશી રોકાણ સમસ્યા .
જેમ અન્ય અનેક બાબતોમાં તે રીતે એફડીઆઈ (એટલે કે સીધા વિદેશી રોકાણો) નીતિમાં પણ વડાપ્રધન મોદી અને ભાજપ તેના પૂર્વ વ્યાખ્યાનોથી વિરુદ્ધ વર્તન કરવા લાગ્યા છે. ભાજપની સમસ્યા એ છે કે સામ્યવાદ એને પ્રિય છે અને મૂડીવાદ સાથે શત્રુતા છે, ચુનંદા કેપિટાલિસ્ટો સાથે તો ગાઢ દોસ્તી છે અને દેશમાં સંપત્તિનું અધિક સર્જન કરનારાઓને દંડવા છે ત્યારે જ એક વિરાટ સિંહદ્વાર ઊઘાડીને વિદેશી મૂડીવાદીઓનું આ જ ભાજપે ભવ્ય સ્વાગત પણ કરવું છે. પોતાની વિચારધારાઓમાં વિરોધાભાસનો આવો કોલાહલ ભાગ્યે જ કોઈ દેશના શાસક પક્ષમાં જોવા મળે! વડાપ્રધાને એફડીઆઈની નવી સુધારેલી પોલિસી ઘણા સમય અગાઉ બેધડક જાહેર કરી દીધી છે. પરંતુ એની અસર દેખાવાનો સમય હવે શરૂ થઈ રહ્યો છે. જાહેર કરતી વખતે કેન્દ્ર સરકારે જે પરોક્ષ ખાતરી પ્રજાને આપી હતી તેમાં રોજગારમાં વધારો થવાની વાત કહી છે. તે હાસ્યાસ્પદ એટલા માટે છે કે અનેક લોકોના વેપાર ધંધા ભાંગીને સોની સામે પાંચને નોકરી મળે એનો શો અર્થ છે?
હવે ભારતમાં રિટેઈલ ચેઈન કહેવાય એવી શ્રૂંખલાઓ આવશે. તીડના ટોળાઓને આવતા બહુ વાર નહિ લાગે. સ્વદેશીમાં જ જુઓ તો એક શોપિંગ મોલ ખુલે એટલે ઓછામાં ઓછી કરિયાણાની ત્રીસ ચાલીસ દુકાનોને ફટકો પડે છે. હવે વિદેશી રિટેઈલર્સની ચેઈન આવશે એટલે સ્થાનિક રિટેઈલરો તો બહુ ઝડપથી ખોવાઈ જશે. સ્પર્ધામાં ટકી રહેવાનું એમને માટે મુશ્કેલ બનશે કારણ કે રાષ્ટ્રીય ચેઈન ધરાવતા રિટેઈલરો ઉત્પાદક કંપનીઓમાંથી એટલી જંગી માત્રામાં માલ ઉપાડતા હોય છે કે તેમને પડતર બહુ નીચી પડશે. ઉપરાંત વરસમાં કયારેક ઉત્પાદકો પોતાનો સ્ટોક કિલયર કરવા માટે વધારાના કન્સેશનથી માલ આપે છે. એનો લાભ પણ વિદેશી કંપનીઓ ગળી જશે. વિદેશમાં ગયેલા ભારતીય નાણાંને શોધવાનો વ્યર્થ ઉત્પાત મચાવનાર એનડીએ સરકાર ખુદ હવે વિદેશી કંપનીઓને એમની નફાખોરી દ્વારા ભારતીય નાણાં વિદેશ ખસેડવાની મુક્તિ આપતી હોય એવો ઘાટ ઘડાયો છે.
સામાન્ય પ્રજાને તો એફડીઆઈ પ્રકરણ સમજતા ઘણી વાર લાગશે. અત્યાર સુધી તો કેન્દ્રની ભાજપનું નેતૃત્વ ધરાવતી એનડીએ સરકાર પર એવો આક્ષેપ હતો કે તે દેશના ઉદ્યોગપતિઓની મિત્ર સરકાર છે, પરંતુ એફડીઆઈની નવી નીતિ દર્શાવે છે કે પ્રવર્તમાન સરકાર તો વિશ્વભરના ઉદ્યોગપતિઓની મિત્ર બનવા જઈ રહી છે. સરકારે સંરક્ષણ ક્ષેત્રે ૧૦૦ ટકા સુધીના વિદેશી રોકાણોને મંજુરી આપી દીધી છે. આમાં પણ રાફેલની જેમ સરકાર ગાફેલ રહે તેવી શકયતા અને નવા જોખમોની પણ દહેશત રહે છે. એક દલીલ એવી પણ થઈ રહી છે કે, દેશમાં સંરક્ષણ સામગ્રીની સતત ચાલી આવતી વિશાળ ઘટને પહોંચી વળવા એમાં એફડીઆઈની તાતી જરૂર હતી. મંજુરીની પ્રક્રિયા દ્વારા ખાનગી સિકયોરિટી સેવાઓને ૭૪ ટકા સુધીના વિદેશી રોકાણની છૂટ આપવામાં આવી છે તે પણ નવા સામાજિક જોખમો ઊભા કરશે.
જે કંપનીઓ સીધા વિદેશી રોકાણ માટે અહીં આવે તેણે તેઓ વિદેશી હોવાને કારણે ભારતમાં પોતાની ઓફિસોના બહાને સંપત્તિનું સર્જન કરવા પર રિઝર્વ બેન્કની મંજુરી લેવી અગાઉ જરૂરી હતી તે નિયમ પણ સરકારે ઉઠાવી લીધો છે એટલે એ કંપનીઓની માલિકીની સંપત્તિઓનું એક નવું જંગલ આખા ભારતમાં ઉભુ થશે. વડાપ્રધાન મોદીને ભારતીય પ્રજા કદાચ એમ કહે કે આપ તો ઐસે ન થે? અથવા તો અરે આપ તો બિલકુલ બદલ હી ગયે હો? તો નવાઈ નથી કારણ કે આજના વડાપ્રધાન મોદી, અગાઉના એક રાજકીય નેતા નરેન્દ્ર મોદીથી સાવ જુદા પડતા હોય તેવી જ એક પછી એક નીતિનો તેઓ પરિચય આપી રહ્યાં છે જેમાં છેલ્લુ આઘાતજનક પ્રકરણ એફડીઆઈ છે.
નોટબંધી પ્રજા માટે અને જીએસટી વેપારીઓ માટે આઘાતજનક હોવાથી એના ત્વરિત પ્રત્યાઘાતો વહેતા થયા હતા પરંતુ એફડીઆઈનો ઘા વધુ ઊંડો છે. અને એ આઘાતને સમજવામાં એટલો સમય તો પ્રજાને લાગશે જ કે ત્યાં સુધીમાં વિદેશી કંપનીઓએ ભારતમાં પગદંડો જમાવી દીધો હશે. રિયલ એસ્ટેટ ટ્રેડિંગમાં પણ વિદેશી કંપનીઓ હવે ભારતમાં આવી જશે. જે કોમનમેનની વાત ભાજપે ગુજરાતમાં અને દિલ્હીમાં વારંવાર દોહરાવી એનો વિચાર હવે સરકાર એના નવા ઉપક્રમોમાં ભાગ્યે જ કરે છે.