મુખ્યમંત્રી-રાજ્યપાલ વિઘ્નદોડ
તામિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિને સુપ્રીમ કોર્ટે પૂછેલા પ્રશ્નોને કારણે તેમના દ્વારા ઇરાદાપૂર્વક બંધારણીય ફરજનું ઉલ્લંઘન કરવાનો વિવાદ વધુ ખ્યાત થયો છે. તેમણે અગાઉ તામિલનાડુ વિધાનસભાએ પસાર કરેલા વિધેયકોને આપવાની થતી પોતાની સંમતિ રોકી રાખી હતી, પરંતુ રાજ્ય વિધાનસભા દ્વારા ફરીથી વિધેયક પસાર કરીને ફરી વાર રાજભવન મોકલ્યા પછી બંધારણીય રીતે એને સંમતિ આપવા માટે તેઓ બંધાયેલા હતા. જ્યારે સર્વોચ્ચની બેન્ચે પૂછયું કે શું રાજ્યપાલ રવિએ આ બિલોને રાષ્ટ્રપતિને ફક્ત સંમતિ આપવાથી બચવા માટે મોકલ્યા હતા (જે બંધારણની કલમ ૨૦૦ની પ્રથમ જોગવાઈ અનુસાર જરૂરી છે)?
આ આર. એન. રવિ ગુજરાતમાં અવારનવાર નિયુક્ત થતા હોય છે તેવા કોઇ સૌજન્યમૂર્તિ રાજ્યપાલ નથી. તેઓ એક માથાભારે હેસિયત છે. આઈપીએસ અધિકારી હતા. પછી સીબીઆઈમાં જોડાયા. ત્યાં એમણે આક્રમક અધિકારીની ઈમેજ બનાવી. કેટલોક સમય તેઓ આઈબીમાં પણ હતા. રિટાયર થતાં પહેલા મોદી સરકારની નજરમાં આવ્યા અને પછી એમનો સિતારો ચમક્યો. તેઓ અગાઉ મેઘાલય અને નાગાલેન્ડમાં પણ રાજ્યપાલ હતા. કેન્દ્ર સરકારે કાશ્મીરમાં શાંતિ સ્થાપવામાં પણ એમની જુદી રીતે મદદ લીધેલી છે. આંદોલનકારીઓ સાથે વાટાઘાટો કરવામાં તેઓ નિષ્ણાત છે. એમને મણિપુરના રાજ્યપાલ બનાવવાના હતા ત્યાં જ તામિલનાડુના મુખ્યમંત્રી સાથે એમને જબરજસ્ત કાનૂની ટકકર થઈ. હવે જો કેન્દ્ર સરકાર એમને તામિલનાડુથી બોલાવે તો ભાજપનું નાક કપાઇ જાય અને મુખ્યમંત્રી તથા ડીએમકેના વડા એમ. કે. સ્ટાલિનને હેરાન કરનારો આવો કુશળ બીજો ચહેરો ભાજપને હાલ જડે એમ પણ નથી. એટલે એમને મણિપુર મોકલવાની યોજના પર પાણી ફરી વળ્યું છે.
૨૦૨૩માં સુપ્રીમ કોર્ટના ચુકાદા દ્વારા સંમતિ રોકવાથી બિલ મંજુર કરવાનો સમયગાળો સમાપ્ત થાય છે તે વાત બદલાઈ ગઈ છે. તેમણે એવું માન્યું કે જ્યારે પણ રાજ્યપાલ તે કાર્યવાહીનો વિકલ્પ પસંદ કરે છે, ત્યારે તેમણે બિલ વિધાનસભામાં પાછું મોકલવું જોઈએ. જોગવાઈ મુજબ; અને જો તે ગૃહ દ્વારા ફરીથી પસાર થાય છે, તો તેઓ તેમની સંમતિ આપવા માટે બંધાયેલા છે. એનો બીજો અર્થ એ છે કે રાજ્યપાલને જે વાંધો હોય તેનો ઉલ્લેખ કરીને વિધેયક વિધાનસભાને પાછું મોકલવાનું હોય. પછી વિધાનસભા એ પ્રમાણે ફેરફાર કરીને કે ફેરફાર કર્યા વગર ફરીવાર એ વિધેયક પસાર કરીને રાજ્યપાલને ફરી મોકલે ત્યારે રાજ્યપાલ એને મંજુર કરવા બંધાયેલા છે. હવે આ રાજ્યપાલ રવિ તો જે વિધેયકો આવે એ મૂકી રાખે છે અને વિધાનસભા ફરીવાર પસાર કરીને મોકલે એટલે એને તેઓ રાષ્ટ્રપતિ પાસે અભિપ્રાય માટે મોકલે છે જ્યાં પણ વિધેયક પડયાં રહે છે. એટલે આ મામલાને તામિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન સર્વોચ્ચના આંગણે લઈ ગયા છે.
પ્રશ્નોનો સામનો કરતા, ભારતના એટર્ની જનરલે (AG) કેન્દ્રીય કાયદા સાથે સંભવિત અસંગતતાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે દલીલ કરી કે આ બિલો યુનિવર્સિટીઓના કુલપતિઓની નિમણૂકની પદ્ધતિમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરે છે, તેથી રાજ્યપાલે યોગ્ય રીતે આ બિલો રાષ્ટ્રપતિને મોકલ્યાં, કારણ કે તે UGCના નિયમો સાથે વિરોધાભાસી જણાય છે. એજીએ એમ પણ કહ્યું કે જ્યારે રાજ્યપાલે પહેલી વાર મંજુરી રોકી, ત્યારે બિલોનું અસ્તિત્વ બંધ થઈ ગયું અને વિધાનસભાએ માની લીધું કે તે રાજ્યપાલ દ્વારા પરત કરવામાં આવ્યાં છે અને તેમને ફરીથી પસાર કરવામાં આવ્યા. સંબંધિત વિવાદમાં, તેમણે એવી પણ દલીલ કરી હતી કે જો અસંગતતાનો મુદ્દો જોવા મળે, તો બિલ પરત કરવાની કોઈ જરૂર નથી.
જોકે, રાજ્યપાલ કાયદા બનાવવાની પ્રક્રિયાને નિષ્ફળ બનાવવા માટે પોતાની સત્તાનો ઉપયોગ કરી રહ્યા છે તે વાત સ્પષ્ટ છે. તેમણે આમાંનાં કેટલાક બિલો પર એક કે બે વર્ષ સુધી કંઈ કર્યું નહીં અથવા સંમતિ રોકીને અસંગતતા અંગે પોતાનો વાંધો પણ વ્યક્ત કર્યો નહીં. વધુમાં, તેમણે એ હકીકતને ધ્યાનમાં પણ લીધી નહીં કે જો બિલો તેમની સમક્ષ ફરીથી રજૂ કરવામાં આવે તો તેઓ તેમને સંમતિ આપવા માટે બંધાયેલા હતા, પણ તેમણે તે વિધેયકોને રાષ્ટ્રપતિ પાસે પણ મોકલ્યાં. ૨૦૨૩ની સુનાવણીમાં પણ, સર્વોચ્ચ અદાલતે પ્રશ્ન કર્યો હતો કે શું જે રાજ્યપાલે સંમતિ રોકવાનું પસંદ કર્યું છે તે રાષ્ટ્રપતિને તે જ બિલ મોકલીને બીજો વિકલ્પ વાપરી શકે છે. અદાલતનું નિરીક્ષણ છે કે રાજ્યપાલ રવિ તેના પોતાના દ્રષ્ટિકોણને અનુરૂપ ન હોય તેવા કોઈપણ કાયદાને નિષ્ફળ બનાવવા માટે સખત મહેનત કરે છે. કેન્દ્ર સરકાર માટે તમિલનાડુમાં તેમની સતત હાજરીને કારણે બંધારણીય શાસન સામે ઊભા થતા પડકારો પર ધ્યાન આપવાનો સમય આવી ગયો છે.