આશાનું કિરણ છે લોકપાલ .

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
આશાનું કિરણ છે લોકપાલ                                  . 1 - image


સમગ્ર વિશ્વમાં વિકાસ અને સમૃદ્ધિમાં ભ્રષ્ટાચાર એક મોટો અને ગંભીર અવરોધ છે. જુદા જુદા દેશોમાં એમાં પ્રમાણભેદ છે, પરંતુ ઈશ્વરની જેમ ભ્રષ્ટાચાર સર્વવ્યાપી છે. ઘરનો મોભી અણહકની કે બે નંબરની વધારાની જે કમાણી ઘરે લાવે છે એને જે-જે પરિવારો હરખથી સ્વીકારે છે એવા એ પરિવારોને સમાજ ઓળખી ગયો છે અને વક્ર નજરે એમને જોતો થઈ ગયો છે. આપણા દેશમાં જ્ઞાાતિ-જાતિના જંગલ વચ્ચે ભ્રષ્ટાચારીઓની જમાત દિવસ અને રાત વધતી જ જાય છે. તેથી, લગભગ દરેક દેશે તેને નિયંત્રિત કરવા માટે એક પદ્ધતિ વિકસાવી છે. વહીવટીતંત્રની જવાબદારી નક્કી કરવાના પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ અહીં આપણે મોટે ભાગે આ બાબતમાં નિષ્ફળતા જોઈએ છીએ. તેથી લોકપાલ અને લોકાયુક્તની રચના અંગે કાયદો બનાવવો જોઈએ તેવી માંગ ઘણા સમયથી થઈ રહી છે. લગભગ અગિયાર વર્ષ પહેલાં આ અંગે એક મોટું આંદોલન થયું હતું, જેના દબાણમાં લોકપાલ કાયદો પસાર કરવામાં આવ્યો હતો.

પરંતુ લોકસભામાં વિપક્ષનો કોઈ નેતા ન હોવાની દલીલના આધારે લોકપાલની નિમણૂકનો મામલો લગભગ પાંચ વર્ષ માટે સ્થગિત રહ્યો. લોકપાલ અધ્યક્ષની નિમણૂકમાં વિપક્ષનો નેતા હોવો જરૂરી છે. છેવટે, પાંચ વર્ષ પહેલાં લોકપાલની રચના કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તે સંપૂર્ણ રીતે કાર્યરત નથી. હવે લોકપાલના એક તપાસ સેલની રચના કરવામાં આવી છે. આ સેલમાં લોકપાલ અધ્યક્ષ હેઠળ તપાસ નિયામક હશે, જેની મદદ ત્રણ પોલીસ અધિક્ષક કરશે. દરેક પોલીસ અધિક્ષકને તપાસ અધિકારી અને અન્ય સ્ટાફ દ્વારા મદદ કરવામાં આવશે. આ રીતે, એવી આશા છે કે હવે સરકારી કર્મચારીઓની અનિયમિતતાઓ સામે પણ કેટલાક કડક પગલાં લેવામાં આવી શકે છે. સેવામાં પ્રમાદ એ ભ્રષ્ટ આચરણનું આરંભબિંદુ છે.

જોકે, ઘણી તપાસ એજન્સીઓ પહેલેથી જ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ કામ કરે છે. દરેક વિભાગનો વિજિલન્સ વિભાગ કર્મચારીઓ પર નજર રાખે છે અને તેમની સામેની ફરિયાદો દાખલ કરે છે અને યોગ્ય પ્રક્રિયા પછી એનો નિકાલ પણ કરે છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પણ સંબંધિત બાબતોની તપાસ કરે છે, પરંતુ વહીવટી સુધારણા પંચનું માનવું હતું કે લોકપાલ અને લોકાયુક્તની રચના સાથે જાહેર સેવકો સામે પણ નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવશે. પોતાની જ સામેનાં તીર બનાવવામાં રાજનેતાઓ ઉદાસ હોય તે સમજી શકાય છે. જે રીતે આપણા નેતાઓ પોતાના પગાર ભથ્થા અને પેન્શન વધારાના વિધેયકો બહુમતી અને સર્વસંમતિથી પસાર કરતા આવ્યા છે તે રીતે સ્વયંને વિશુદ્ધિની કસોટીમાં ઉતારે એવા લોકપાલની નિમણુકમાં તેઓ સક્રિયતા દાખવે એ ધારણા વધારે પડતી છે.

સરકારો લોકપાલ અને લોકાયુક્તની રચના અંગે અચકાય છે એનું કદાચ એક કારણ એ પણ છે કે ખુદ વડાપ્રધાનને પણ તેના દાયરામાં રાખવામાં આવ્યા છે. પછી, લોકપાલ અને લોકાયુક્ત સ્વતંત્ર સંસ્થાઓ તરીકે કામ કરશે, તેમને અન્ય એજન્સીઓની જેમ કોઈ અધિકારી સામે તપાસ કરવા માટે સંબંધિત વિભાગની પરવાનગીની જરૂર રહેશે નહીં. ઘણી સરકારોને લાગે છે કે આ રીતે તેમની કામગીરીમાં અવરોધ આવી શકે છે. ખરેખર તો તેમની સ્વચ્છંદતા અને અપ્રમાણસરની સંપત્તિમાં જ અવરોધ આવવાનો છે. જેઓ જાહેર જીવનમાં સંનિષ્ઠ છે તેમના પર તો કોઈ જોખમ આવવાનું નથી. કદાચ આ જ કારણ છે કે ઘણી રાજ્ય સરકારોએ હજુ પણ લોકાયુક્તની રચના કરી નથી.

વિલંબથી, લોકપાલના તપાસ સેલની રચનાએ ભ્રષ્ટાચારને રોકવાની દિશામાં નોંધપાત્ર પરિણામો માટે લોકોમાં આશા જગાવી છે. જાહેર સેવકોમાં ગેરરીતિ દ્વારા પૈસા કમાઈ લેવાની ભૂખ અને લાંચ લઈને અયોગ્ય લોકોને લાભ આપવાની, સરકારી યોજનાઓમાંથી મલાઈ તારવવાની અને સ્વહિત કાજે વિવિધ પ્રયુક્તિ, ચાલાકી કે ઉપદ્રવ કરવાની વૃત્તિ કોઈનાથી છુપાયેલી નથી. આ વાતાવરણ ત્યારે જ સુધારી શકાય જ્યારે સરકારી કર્મચારીઓની કાર્યરીતિમાં રહેલી ગેરકાનૂની પ્રવૃત્તિઓ પર તેજતર્રાર અંકુશ લાવી શકાય. જોકે, કેટલાક લોકો એવી શંકા વ્યક્ત કરી રહ્યા છે કે લોકપાલ અને લોકાયુક્તની નિમણૂકમાં પણ રાજકીય હસ્તક્ષેપ છે, તેથી તેઓ કેટલા નિષ્પક્ષ હશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ વિશાળ જનતા અને અત્યંત પ્રતિબદ્ધ પ્રબુદ્ધ સમાજની ઈચ્છાથી રચાયેલી આ સંસ્થામાંથી ભ્રષ્ટાચાર અટકાવવા અંગેની નિષ્ઠા અને નિષ્પક્ષતાની અપેક્ષા હજુ નબળી પડી નથી. 


Google NewsGoogle News